નવા મકાનના જે રૂમમાં રહેવાના સપના જોયા હતાં ત્યાં જ નાનકડા આયુષને મોત મળ્યું
- 12 વર્ષીય આયુષનો રૂમ મકાનના ત્રીજા માળે તૈયાર થઈ રહ્યો હતો
- પોતાનો રૂમ હોવાથી આયુષ દિવસના ત્રણથી ચારવાર એ રૂમમાં જતો હતો
- જે રૂમમાં રહેવાના આયુષે સપના જોયા હતા તે જ રૂમમાંતેને મોત મળ્યું
ચેતન પટેલ/સુરત :સુરતના સચિન વિસ્તારમાં વિચિત્ર ઘટના બની હતી. એક 12 વર્ષનો બાળક પોતાના જ નવા બંધાઈ રહેલા ઘરનું બાંધકામ જોવા ગયો હતો. જ્યાં હાઈટેન્શન લાઈનમાંથી લાગેલા કરંટથી બાળકનું મોત નિપજ્યું છે. જે ઘરમાં હજી ગૃહપ્રવેશ પણ થયો ન હતો, ત્યાં એક બાળકનો જીવ ગયો હતો. પરિવારના એકના એક પુત્રના મોતથી પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ મધ્યપ્રદેશના વતની જયપ્રકાશ મિશ્રા વર્ષોથી સુરતમાં રહે છે. તેઓ સચિનના પાલી ગામના કૈલાશ નગરમાં રહેતા હતા. જયપ્રકાશને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. કરિયાણાની દુકાન ચલાવતા જયપ્રકાશ મિશ્રાના ઘરનું બાંધકામ ચાલી રહ્યું હતું. તેમના 12 વર્ષીય પુત્ર આયુષનો રૂમ મકાનના ત્રીજા માળે તૈયાર થઈ રહ્યો હતો. પોતાનો રૂમ હોવાથી આયુષ દિવસના ત્રણથી ચારવાર એ રૂમમાં જતો હતો.
આ પણ વાંચો : મોરબી : સિરામિક કારખાનામાં લોખંડનો સંચો તૂટતા 3 લોકો કાટમાળ નીચે દબાયા, કંપનીના ભાગીદારનું મોત
ગુરુવારની સાંજે પણ આયુષ નવનિર્મિત પોતાના ઘરનું બાંધકામ જોવા ગયો હતો. જ્યાં તે પોતાના રૂમમાં ગયો હતો. આયુષના રૂમમાંથી અચાનક બ્લાસ્ટ થયો હતો, અને ત્યાંથી આગનો ધુમાડો નીકળવા લાગ્યો હતો. જેથી તેના પિતા જયપ્રકાશ તાત્કાલિક દોડી ગયા હતા. તેમણે જોયું કે, આયુષ જમીન પર પડેલો હતો. તેના એક હાથમાં લોખંડના સળિયાનો એક છેડો હતો. તો બીજો છેડો હાઈટેન્શન લાઈનને અડી રહ્યો હતો. જેને સ્પર્શતા જ ધડાકો થયો હતો. આ જોઈને જયપ્રકાશ હેબતાઈ ગયા હતા. અને બૂમાબૂમ કરીને તાત્કાલિક આયુષને હોસ્પિટલમાં લઈ ગયા હતા. સચિન GIDC પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : PAAS એ સત્ય પત્રમાં કોંગ્રેસ વિરુદ્ધ ઝેર ઓક્યું, કહ્યું-આ રીતે પાર્ટીએ દગો દીધો
ગંભીર રીતે દાઝી ગયેલ આયુષને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પર હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ જાણ થતા જ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. તેની માતા શોકમય બની ગઈ હતી. પુત્રના મોતના સમાચાર સાંભળી પતિ-પત્નીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જે ઘરમાં તેઓ હોંશેહોંશે રહેવા જવાના હતા, તે જ ઘર તેમના પુત્રને ભરખી ગયો હતો. તો બીજી તરફ, જે રૂમમાં રહેવાના આયુષે સપના જોયા હતા તે જ રૂમમાંતેને મોત મળ્યું હતું.
આ પણ વાંચો : અમદાવાદની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોનું સીધું ગણિત, બધા જ સમાજને સમાવતો ગુલદસ્તો બનાવ્યો