VIDEO અંબાજી મંદિરના શિખરને સુવર્ણ જડિત કરવા 140 કિલો સોનાનો વપરાશ
અરવલ્લીની ગિરીમાળામાં આવેલ યાત્રાધામ અંબાજી ભારતભરમાં જે 51 શક્તિપીઠમાંની એક શક્તિપીઠ છે જેનું અનેરું મહત્વ છે.
જયદેવ દવે, અંબાજી: અરવલ્લીની ગિરીમાળામાં આવેલ યાત્રાધામ અંબાજી ભારતભરમાં જે 51 શક્તિપીઠમાંની એક શક્તિપીઠ છે જેનું અનેરું મહત્વ છે. અહીં માતાજી શ્રી યંત્ર સ્વરૂપે પૂજાય છે માતાજીનું મંદીર આરસમાંથી બનાવેલ છે જેની ઉપર સુંદર કોતરણી કરેલી છે. માતાજીનાં મંદીરની ઊંચાઈ 101 ફૂટની છે જેમાં શિખરની ઊંચાઈ 61 ફૂટ જેટલી છે. આ શિખરને સુવર્ણ જડ઼િત કરવાનું કામ ચાલુ છે જે થોડા દિવસોમાં પૂર્ણ થશે અને બનશે ભારતની એક માત્ર સુવર્ણ શિખરવાળી શક્તિપીઠ.
આ છે શક્તિપીઠ અંબાજી ,ગુજરાતનાં છેવાડે રાજસ્થાનને અડીને આવેલા અંબાજી કે જયાં વાસ કર્યો છે માઁ અંબાએ. અરવલ્લીની ગિરીમાળામાં આવેલ યાત્રાધામ અંબાજીમાં આવેલ અંબાજી માતાજીનું મંદિર યાત્રાળુઓમાં આગવું સ્થાન ધરાવે છે. દર વર્ષે લાખ્ખો ભાવિક ભક્તો માઁનાં ચરણોમાં શીશ નમાવવા અને દર્શન કરવા આવે છે માઇ ભક્તોની આસ્થા અને તેમણે આપેલા દાનનો સુચારુ ઉપયોગ કરવા માટે અંબાજી માતાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી માતાજીના મંદિરને સુવર્ણમય બનાવવાના હેતુસર માતાજી મંદિરના શિખરને સુવર્ણમય બનાવવાની કામગીરી 2011 માં શરૂ કરવામાં આવી હતી. મંદિરનાં શિખરની ઊંચાઈ 61 ફૂટ જેટલી છે. સમગ્ર શિખરને સુવર્ણ જડ઼િત કરવા માટે લોકો પાસેથી સોના રૂપે કે નાણાં સ્વરૂપે દાન લેવામાં આવ્યુ હતું અને આજે આ શિખર સુવર્ણમય બનવાની તૈયારીમાં છે જેમાં 140 કિલો સોનાનો વપરાશ થયો છે. થોડા સમયમાંજ લોકો સુવર્ણ શિખરમય માતાજીનાં મંદીરનાં દર્શન પણ કરશે.
અંબાજી મંદીર આરસમાંથી બનાવેલ છે મંદીર ઉપર 359 કળશ અને 9 અમલસાર આવેલ છે. 1992માં મુખ્ય કળશને સુવર્ણ જડ઼િત કરવામાં આવ્યો હતો જે કળશ મંદીરની સૌથી ઉપર છે. ત્યાર બાદ બાકી રહેલા 358 કળશને અને 9 અમલસારને પણ સુવર્ણથી જડવામાં આવ્યાં હતાં અને ત્યાર બાદ 2011 માં શિખર સુવર્ણ યોજના અમલમાં મુકવામાં આવી હતી. પછી 2012થી શિખરને સુવર્ણ જડ઼િત કરવાનું કામ શરૂ કરવામાં આવ્યુ હતું આ માટે પહેલા ત્રાંમ્બાનાં પતરા ઉપર મંદીરની ડિઝાઇન પ્રમાણે મોલ્ડ કરવામાં આવે છે અને ત્યારબાદ તેનાં ઉપર સુવર્ણ લગાવવામાં આવે છે જેમાં 15 હજાર કિલો ત્રાંમ્બા નો અને 140 કિલો સોનાનો ઉપયોગ થયો છે.
દર વર્ષે લાખ્ખો શ્રદ્ધાળુઓ માતાજીનાં દર્શન કરવા આવે છે એમાંય ખાસ કરીને ભાદરવી પૂનમનું વિશેષ મહત્વ હોવાથી ભાદરવા મહિનામાં સાત દીવસનો મહા મેળો ભરાય છે. આ મેળામાં 25 લાખ કરતા પણ વધુ ભાવિક ભક્તો માંના દર્શનનો લાભ લે છે. આથી આ વખતે 19 સપ્ટેમ્બર થી 25 સપ્ટેમ્બર સુધી યોજાનાર આ મેળા પહેલા શિખરને સુવર્ણ જડ઼િત કરવાનું કામ પૂર્ણ કરી દેવામાં આવશે, અને લોકો સુવર્ણ જડ઼િત શિખરનાં દર્શન કરી ધન્યતા અનુભવશે.