• સહેલાણીઓ વડોદરા મ્યૂઝિયમની મુલાકાત લેવા આવે છે, ત્યારે તેમને આ પેઈન્ટિંગ ખૂબ આકર્ષિત કરે છે અને જ્યારે લોકો પેઈન્ટિંગનું નામ કોરોના લખેલું જુએ છે ત્યારે તેમને ખૂબ જ આશ્ચર્ય થાય છે


હાર્દિક દિક્ષીત/વડોદરા :સામાન્ય રીતે લોકોમાં કોરોનું નામ સાંભળતાની સાથે જ એક પ્રકારનો ભયનો માહોલ ઉભો થઈ જતો હોય છે. પરંતુ વડોદરા શહેરના મ્યુઝિયમમાં 140 વર્ષ જૂનું કોરોના પેઈન્ટંગ (corona painting) એકાએક ચર્ચામાં આવ્યું છે, અને હવે લોકોને પોતાની તરફ ખૂબ આકર્ષી રહ્યું છે. ત્યારે કોણે બનાવ્યું આ પેઈન્ટિંગ અને 140 વર્ષ પહેલાં કેમ તેને કોરોના નામ અપાયું તે જાણીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા શહેરમાં ગાયકવાડી સમયની બેશ કિંમતી અને ઐતિહાસિક ઇમારતો આવેલી છે. પરંતુ હાલના સમયમાં લોકો વડોદરા મ્યૂઝિયમની મુલાકાત લેવા માટે પડાપડી કરી રહ્યા છે. જેનું મૂળ કારણ છે 140 વર્ષ જૂનું કોરોના પેઈન્ટિંગ. વડોદરા મ્યૂઝિયમમાં 210 જેટલા યુરોપિયન પેઈન્ટિંગનો સંગ્રહ કરવામાં આવ્યો છે. પરંતુ 140 વર્ષ પહેલાં ખ્યાતનામ આર્ટિસ્ટ ચાર્લ્સ એડવર્ડ પેરુઝીનીએ બનાવેલું તેની પત્નીનું આ પેઈન્ટિંગ કોરોના મહામારી વચ્ચે નાગરિકોને ખૂબ આકર્ષિત કરી રહ્યું છે. આર્ટિસ્ટની પત્ની કેટ દેખાવમાં ખૂબજ સુંદર હતી. ત્યારે આર્ટિસ્ટે પત્ની કેટના મોહક સ્વરૂપને તાજ સાથે સરખાવીને આ પેઈન્ટિંગને કોરોના નામ આપ્યું હતું.


આ પેઈન્ટિંગ વિશે મ્યૂઝિયમના ક્યૂરેટર વિજય પટેલ જણાવે છે કે, સહેલાણીઓ વડોદરા મ્યૂઝિયમની મુલાકાત લેવા આવે છે, ત્યારે તેમને આ પેઈન્ટિંગ ખૂબ આકર્ષિત કરે છે અને જ્યારે લોકો પેઈન્ટિંગનું નામ કોરોના લખેલું જુએ છે ત્યારે તેમને ખૂબ જ આશ્ચર્ય થાય છે. દરેકના મનમાં બસ એક જ સવાલ થાય છે કે 140 વર્ષ પહેલાં આર્ટિસ્ટે આ પેઈન્ટિંગનું નામ કોરોના કઈ રીતે આપ્યું હશે. હાલ ચાલી રહેલી કોરોના મહામારીના નામ સાથે મળતા નામના કારણે આ કોરોના પેઈન્ટિંગ ખૂબ પ્રચલિત થયું છે અને આ પેઈન્ટિંગની હાલી બજાર કિંમત 8 કરોડની આસપાસની હોવાનું કહેવાય છે. 


કોરોના પેઈન્ટિંગ વિશે જાણવા જેવી માહિતી 


  • 140 વર્ષ પહેલાં મહારાજાએ 54 પાઉન્ડમાં આ પેઈન્ટિંગ ખરીદ્યું હતુ

  • મ્યુઝિયમમાં 210 જેટલા યુરોપિયન પેઈન્ટિંગનો સંગ્રહ કરાયો છે.

  • 1960 માં આ કોરોના પેઈન્ટિંગની કિંમત 1 લાખ હતી, 

  • હાલની બજાર કિંમત આશરે 8 કરોડ જેટલી છે.

  • પેઈન્ટિંગમાં દર્શાવવામાં આવેલી આ યુવતી ખ્યાતનામ આર્ટિસ્ટ ચાર્લ્સ એડવર્ડ પેરુઝીનીની પત્ની કેટ છે.

  • પેંટિંગની સાઈઝ 63.5×44.5 સેન્ટિમીટર છે.