પિતાના ઘરની વૈભવી દુનિયા છોડીને સુરતની 17 વર્ષની રેન્સીએ દીક્ષા લીધી
- સુરતમાં ગઈકાલે ગચ્છાધિપતિ અભયદેવસૂરિશ્વરજી મહારાજના સાંનિધ્યમાં દીક્ષાગ્રહણ કાર્યક્રમ યોજાયો
- રેન્સીએ પોતાના ફોઈના માર્ગે દીક્ષા લેવાનુ નક્કી કર્યું હતું. રેન્સીના ફોઈએ 21 વર્ષ પહેલા દીક્ષા લીધી હતી
ઝી મીડિયા/બ્યૂરો :જૈન ધર્મમાં દીક્ષાનું અનેરુ મહત્વ હોય છે. જેમાં સુરત શહેર દીક્ષા નગરી તરીકે ઓળખાય છે. અહીં અનેક લોકો વૈભવી લાઈફસ્ટાઈલ છોડીને સંયમના માર્ગને અપનાવતા હોય છે. ત્યારે સુરતમાં વધુ એક યુવતી પોતાના પિતાએ આપેલું વૈભવી જીવન ત્યજીને સંયમના માર્ગે નીકળી પડી છે. ડાયમંડ અને કન્સ્ટ્રક્શન લાઈન સાથે જોડાયેલ બિઝનેસમેનની દીકરીએ દીક્ષા લીધી છે.
સુરતના પાલ વિસ્તારમા આવેલ શંખેશ્વર હાઈટ્સમા રહેતા જયેશભાઈ સેવંતીલાલની દીકરીએ રેન્સીએ દીક્ષા લીધી છે. 17 વર્ષની રેન્સીએ પિતાએ આપેલા તમામ ભૌતિક સુખોનો ત્યાગ કરીને સંયમનો માર્ગ અપનાવ્યો છે. સુરતમાં ગઈકાલે ગચ્છાધિપતિ અભયદેવસૂરિશ્વરજી મહારાજના સાંનિધ્યમાં દીક્ષાગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રેન્સી દીક્ષા લીધી હતી. સુરતના ગુરુરામ પાવનભૂમિ પાલ ખાતે રેન્સી માટે ત્રિદિવસીય કાર્યક્રમ યોજાયો હતો. શક્રસ્તવ અભિષેક, ઉપધાન તપ આરાધકોનો છકિયામાં પ્રવેશ, પાર્શ્વ પદ્માવત પૂજન, કપડા રંગવાનું, મહેંદી-સાંજી, માતૃ-પિતૃ વંદના જેવા કાર્યક્રમો યોજાયા હતા.
17 વર્ષીય રેન્સીએ પોતાના ફોઈના માર્ગે દીક્ષા લેવાનુ નક્કી કર્યું હતું. રેન્સીના ફોઈએ 21 વર્ષ પહેલા દીક્ષા લીધી હતી. તે દર વેકેશનમાં તે પોતાના ફોઈને મળવા જતી હતી. ત્યારે તેને સંયમના માર્ગે વળવાનું ઈચ્છા થી હતી. આથી તેણે અભ્યાસ છોડી દીધો હતો. તે તેના ફોઈ સાધ્વી અર્પિતાપૂર્ણાજી મહારાજ પાસે રહેવા લાગી હતી. તે તેના ફોઈ પાસે રહીને સેવા કરતી હતી. આખરે તેણે પોતાના પરિવારને દીક્ષા લેવાની વાત કરી હતી. જેથી તેના પરિવારે પણ મંજૂરી આપી હતી. આથી પરિવારે રંગેચંગે દીક્ષા ગ્રહણ કરી હતી.