ભરત ચૂડાસમા/ભરૂચ :ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે નાનપણથી જુવેનાઇલ ડાયાબિટીસથી પીડિત એક સગીરને યોગ્ય તેમજ સમયસર સારવાર ન મળતા તેનું મોત નિપજ્યું હતું. બીજી તરફ તબીબોની હડતાળના પગલે સિવિલમાં એક પણ ફિઝિશિયન ન હોય કે બહારથી પણ ન બોલાવી શક્તા પૂરતી સારવારના અભાવે સગીરનું મોત નિપજ્યું હોવાનું સિવિલ સત્તાધીશોએ સ્વીકાર્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભરૂચ જિલ્લાના ઝઘડિયા નજીક આવેલ વાંદરિયા ગામના 17 વર્ષીય સંદિપ વસાવા નામનો સગીર જુવેનાઇલ ડાયાબિટીસની ગંભીર બીમારીથી પીડાતો હતો. જેને પ્રથમ સારવાર અર્થે ઝઘડિયાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી તેને વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મૃતક સગીરના પરિવારજનોએ પણ આક્ષેપ કર્યો હતો કે, સારવારના અભાવે જ બાળકનું મોત નિપજ્યું છે.



સંદીપના માતા જમનાબેન વસાવાએ કહ્યું કે, ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સવારથી રાત સુધી તેને સારવાર અર્થે રાખવામાં આવ્યો હતો. પરંતુ તેની હાલત ગંભીર હોય તેનું મોત નિપજ્યું હતું. સગીરના મોતને લઈ તેના પરિવારજનોએ હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન મળી હોવાના કારણે સગીરનું મોત નિપજ્યું છે તેવા આક્ષેપ કર્યા હતા. 


તો બીજી તરફ ભરૂચ સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો.એસ.આર પટેલે કહ્યું કે, ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ફિઝીશિયન ડોક્ટર દિવસમાં માત્ર 3 કલાક માટે જ આવે છે. બીજી તરફ તબીબોની હડતાળ હોઈ તેના કારણે સંદીપ વસાવાને યોગ્ય સારવાર મળી રહી ન હતી.