અમદાવાદઃ ‘અમે દૂધ ઉત્પાદન અને દાડમની ખેતી કરીએ છીએ.. તમને માન્યામાં નહી આવે પણ અમે ૨૫ જણા સંયુક્ત પરિવારમાં રહીએ છીએ. દૂધ અને દાડમમાંથી વર્ષે ૧૮ લાખ રૂપિયા કમાઈએ છીએ. અમારા પરિવારમાંથી એક દીકરી સરકારી નોકરી કરે છે અને ત્રણ દીકરાઓ સિવિલ એન્જિનિયર થયા છે. એક સમયે ગરીબીનો સામનો કરતું અમારુ ઘર આજે બે નહી પણ બાર પાંદડે થયું છે.
 
તેના પાયામાં પશુપાલન અને બાગાયતા ખેતી છે...”માંડલ તાલુકાના નાનકડા  એવા  દાલોદ ગામના રંજનબેન અને જગદીશભાઈ સિંધવના શબ્દો જ પશુપાલન વ્યવસાયની તાકાત છે.  અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાનું નાનકડુ એવુ દાલોદ ગામ... ગામમાં સિંધવ પરિવાર સુખેથી રહે છે...ત્રણ-ચાર હજારની વસતિ ધરાવતુ ગામ મુખ્યત્વે ખેતી પર નિર્ભરછે.  ગામમાં રહેતા જગદીશભાઈ સિંધવ અને તેમના ત્રણ ભાઈઓ મળીને કુલ ૨૫ જણા એક સાથે રહે છે, એક રસોડે જમે પણ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચોઃ Gujarat Politics: ગુજરાતમાં કોંગ્રેસનું જાહેર રાજકારણ', અમિત ચાવડાની મહેનત રંગ લાવશે


જગદીશભાઈ કહે છે કે,  અમે તો મૂળે ખેતીના માણસ, મારી પત્ની પણ પશુપાલન કરે છે. એક સમય હતો કે અમારી પાસે માત્ર બે ગાય હતી...મારા પત્ની રંજનબેન દૂધ દોહતા અને અમારુ ઘર જેમ તેમ ચાલતુ... મારા ભાઈઓના લગ્ન થતા ગયા. પરિવાર વધતો ગયો. વચેટ ભાઈ હોવાને નાતે મારી જવાબદારી વિશેષ હતી. એવામાં અમદાવાદ જિલ્લાના પશુપાલન ખાતાના અધિકારીએ અમને દૂધાળા પશુ ડેરીફાર્મ સ્થાપના સહાય યોજના વિષે જણાવ્યું. મારા પત્નીને તેમાં ખુબ રસ પડ્યો... ધીમે ધીમે કરતા અમે ગીરની ૨૫ ગાયો  વસાવી...’ 


તેમના પત્ની રંજનબેન આમ તો સીધુ સાદુ જીવન જીવે છે પણ તેમના જીવન સાથે વણાયેલા પશુપાલનના વ્યવસાયે તેમને દામ અને નામ  આપ્યા છે. એક સમય હતો કે તેમની પાસે એક જ ગાય હતી અને તેને રાખવા માટે એક કાચુ છાપરુ હતું. પશુપાલન ખાતાના માર્ગદર્શન અને સહયોગથી ક્રમશ: ગાયની સંખ્યા વધારતા ગયા. આજે તેમની પાસે ૨૫ ગીર ગાય છે. ત્રણ-ચાર વર્ષ પહેલા તેમને પશુપાલન ખાતા દ્વારા મળતી સ્વરોજગારી હેતુસર પશુપાલન યોજના હેઠળ ૧૨ દુધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપના સહાય યોજનાનો લાભ મળ્યો.


એક પશુ રાખવાથી શરુઆત કરી હાલમાં ૨૫ ગાયો રાખી દૈનિક દુધ ઉત્પાદન  મેળવી  સારી એવી આવક તેઓ  મેળવે છે.   કામગરો સ્વભાવ એટલે મહેનતમાં તો પાછા પડે જ નહી... રંજનબેન કહે છે કે , ‘ મારે મન મારી ગાયો જ બધુ છે...  હું જીવની જેમ તેમનું જતન કરુ છુ... ગાયોનું દૂધ હું જાતે જ દોહુ છુ... એમાંથી છાશ, માખણ બને છે તે પણ ડેરીમાં અને ગામમાં જ વેચુ છુ... આજે દર મહિને તેમાંથી ૧ લાખ જેટલી આવક થાય છે.  


આ પણ વાંચોઃ ગુજરાતીઓને ગરમીથી નહીં મળે રાહત : હવામાન વિભાગની આવી ગઈ પરસેવો પડાવે તેવી આગાહી


બીજી તરફ જિલ્લા બાગાયત ખાતા તરફથી મળેલી જાણકારીના પગલે જગદીશભાઈએ પણ દાડમની ખેતી શરુ કરી..  અંદાજે ૧૫ વિઘામાં દાડમના છોડ વાવ્યા...શરૂઆતના સમયમાં તેમાં બહુ નફો નહતો થયો..પણ જેમ જેમ સમય જતો ગયો અને બાગાયત ખાતા તરફથી માર્ગદર્શન મળતુ ગયુ... અને આજે હું વર્ષે ૬ લાખ કમાઉ છુ.. જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે કહે છે કે,  “અમદાવાદ જિલ્લાના ખેડૂતો-પશુપાલકો પાક અને પધ્દ્ધતિમાં પરિવર્તન કરીને વધુ આવક મેળવતા થાય તે ધ્યેય સાથે મહત્તમ પ્રયાસો કરવામાં આવ્યા છે.  સાથે સાથે ખેડૂતોને પાક ઉત્પાદનના ભાવ મળી રહે તે માટે પણ સર્વગ્રાહી પ્રયાસો કરાય છે.


જિલ્લામાં સંખ્યાબંધ ખેડૂતોએ બાગાયત અને શાકભાજી વાવેતરમાં વૈવિધ્ય અપનાવ્યુ છે એટલું જ નહી પણ સમયની માંગ સાથે તેમણે બદલાવને પણ આત્મસાત કર્યો છે. તે આવકાર્ય છે.." એમ તેમણે ઉમેર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, સિંધવ પરિવારના રંજનબેન દર વર્ષે ૧૨ લાખ અને જગદીશભાઈ દાડમની  ખેતીમાંથી પ્રતિ વર્ષ રૂપિયા ૬ લાખ કમાય છે. સિંધવ પરિવારમાં ૨૫ જેટલા સભ્યો છે. જેટલા સભ્યો એટલી ગીર ગાય પરિવાર પાસે છે. આ પરિવાર પ્રતિ વર્ષ રૂપિયા ૧૮ લાખ જેટલી માતબર આવક મેળવે છે. દૂધ અને દાડમનો ‘કોમ્બો, આવક ‘જમ્બો’ આ વાક્યને સિંધવ પરિવારે સાર્થક કર્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube