Kutch : માંડવીના દરિયા કાંઠેથી 3 દિવસમાં ચરસના 35 પેકેટ મળ્યાં
- શનિવારે બાડાના દરિયા કિનારેથી ચરસના 18 પેકેટ મળી આવ્યા
- ધ્રબુડી દરિયાઇ વિસ્તારમાં ચરસના 13 અને ત્યાર બાદ 4 પેકેટ મળીને કુલ 17 પેકેટ મળ્યા
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :કચ્છની આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન તરફના ક્રિક વિસ્તારમાંથી અનેક વખત કેફી દ્રવ્યોના પેકેટ સીમા સુરક્ષા કરતી એજન્સીઓને મળતા રહ્યા છે. ત્યારે આજે ફરી એકવાર 18 પેકેટ ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમને બાડાના દરિયા કિનારેથી પેટ્રોલિંગ દરમ્યાન મળી આવ્યાનું જાણવા મળ્યું છે.
કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી છેલ્લા 5 દિવસમાં મોટા પ્રમાણમાં ચરસના પેકેટ મળી આવ્યા છે. ગઈ કાલે બાડાના દરિયા કિનારે ફરી ચરસના 18 પેકેટ મળી આવ્યા છે. બે દિવસ અગાઉ જ ધ્રબુડી દરિયાઇ વિસ્તારમાં ચરસના 13 અને ત્યાર બાદ 4 પેકેટ મળીને કુલ 17 પેકેટ મળ્યા હતા. તો ગઈકાલે શનિવારે બાડાના દરિયા કિનારેથી ચરસના 18 પેકેટ મળી આવ્યા છે. આમ, માંડવીમાંથી 3 દિવસમાં ચરસના 35 પેકેટ મળ્યા છે. આ ચરસની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 52.50 લાખ રૂપિયા છે.
આ પણ વાંચો : ગુમ સ્વીટી પટેલ કેસમાં નવો વળાંક, દહેજમાં બિલ્ડીંગ પાછળ મળેલા હાડકા કોના?
આ વિશે મળતી પ્રાથમિક માહિતી મુજબ કોસ્ટ ગાર્ડના અધિકારી વર્ગની હાજરી સાથે પેકેટની તપાસ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે 3 માસ પૂર્વે કચ્છની દરિયાઈ સીમા વિસ્તારમાંથી પાકિસ્તાનના 8 ઘુસણખોર સાથેના વહાણમાં રૂપિયા 150 કરોડના હેરોઇનનો જથ્થો મળી આવ્યો હતો. અને થોડા દિવસ બાદ કચ્છના જખૌ નજીકના કાંઠા વિસ્તરમાંથી પણ કેફી દ્રવ્યોના પેકેટ મળી આવ્યા હતા.