અતુલ તિવારી/અમદાવાદ : ફરી એક વખત અમદાવાદ સિવિલના ડોક્ટરોએ અતિ જટિલ ઓપરેશનને સફળ બનાવીને 28 દિવસના બાળકને નવા જીવનની ભેટ આપી છે. મોતના મુખમાંથી કોઈ દર્દીને બહાર લાવવાની તાકાત માત્ર ડોક્ટર પાસે જ હોય છે. ત્યારે આવું જ એક જટિલ ઓપરેશન કરીને અમદાવાદ સિવિલના ડોક્ટરોએ 28 દિવસના બાળકને બચાવી લીધું છે. આણંદ જિલ્લાના ઉમરેઠના એક દંપતિના ઘરે મહિના પહેલા બાળકનો જન્મ થયો હતો. પરંતુ નવજાત બાળકની સાથે એક અન્ય જુડવા બાળકના શરીરનો ભાગ પણ તેની સાથે જોડાયેલો હતો. જીવિત બાળકની કરોડરજ્જુ સાથે જુડવા બાળકનો કરોડરજ્જુનો ભાગ જોડાયેલો હતો. આ બાળકનું અમદાવાદ સિવિલના ડોક્ટરની ટીમે ઓપરેશન કર્યું. બાળક સાથે જોડાયેલ મૃત બાળકના શરીરના ભાગને અલગ કરાયું અને ઓપરેશનને સફળ બનાવાયું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજું બાળક મૃત હતું
આ ઓપરેશનને સફળ બનાવનાર ન્યુરોલોજિસ્ટ ડો.જૈમિન શાહે કહ્યું કે, મહિલાઓમાં કુપોષણના કારણે ગર્ભમાં બાળકનો વિકાસ અધૂરો રહે છે. જેથી આ પ્રકારની મુશ્કેલી થાય છે. GFXIN જેને પેરાસિટિક કોનજોઈન્ડ ટ્વિન્સ નામથી પણ ઓળખવામા આવે છે. માતાના ગર્ભમાં ફોલિક એસિડની ખામીના કારણે એક બાળકનો અપૂરતો વિકાસ થયો. જ્યારે બીજા બાળકના કરોડરજ્જુ અને પગના ભાગનો જ વિકાસ થયો. જેથી ઓપરેશન કરીને બીજા બાળકનો કરોડરજ્જુ અને પગનો ભાગ દૂર કરાયો. ઓપરેશનના ભાગ પર ચામડી લગાવવા મૃત બાળકના શરીરમાંથી ચામડી લેવામા આવી અને જીવિત બાળકના શરીર પર લગાવી ઓપરેશન સફળ બનાવાયું. હાલ આ બાળક એકદમ સ્વસ્થ છે.


વિશ્વમાં આવા 8 કિસ્સા નોંઘાયા
ન્યૂરોલોજિસ્ટ ડો.અંકુર પાંચાણીના જણાવ્યા અનુસાર, આ પ્રકારના કિસ્સા ભાગ્યે જ સામે આવતા હોય છે. વિશ્વમાં આવા લગભગ 8 જેટલા કેસ સામે આવ્યા છે. જેમાંથી 4 કેસ ભારતમાં જોવા મળ્યાં છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારનું આ બીજું ઓપરેશન છે. સિવિલ હોસ્પિટલના ડોક્ટરની ટીમે સફળ પૂર્વક ઓપરેશન કરી બાળકને નવજીવન બક્ષી આણંદના દંપતિને ખુશીઓની ભેટ આપી. 


મેડિકલ સાયન્સ માટે આ કિસ્સો રેરેસ્ટ ઓફ ધ રેર કહેવાય છે. ડો.જૈમિન શાહે ઓપરેશન કેટલું જટિલ હતું તે વિશે કહ્યું કે, જે જીવિત બાળક હતું એના કરોડરજ્જુનું આવરણ ડિફેક્ટિવ હતું. આ એટલો મોટો ડિફેકટ હતો કે જેને સીલ કરવું જરૂરી હતું. એ ના કરીએ તો જે જીવિત બાળકના કરોડરજ્જુ અને મગજનું પાણી ત્યાંથી લીક થઈને મેનેઝાઈટીસ અને ઇન્ફેક્શન કરી શકે છે. આટલો મોટા ડિફેક્ટને સીલ કરવા માટે સામે એટલું જ આવરણ જોઈએ. તે જીવિત બાળકમાંથી મળે તેવું હતું, તેથી મૃત બાળકના પગની ચામડીનું આવરણ લઈને જીવિત બાળકને આપ્યું. તેને સીલ કરીને આખું કવર કર્યું. જેથી પાણી લીકના થાય અને બાળકને આગળ જતા કોઈ ઈન્ફેક્શન ન થાય. આમ, એક ભાઈ મૃત્યુ પહેલા બીજા ભાઈને નવુ જીવન આપતો ગયો તેમ કહી શકાય.  


ડો. અંકુર પાંચાણીએ કહ્યું કે, ઓપરેશન સફળરીતે પાર પડ્યું. જીવિત બાળકની પોસ્ટઓપરેટીવ બધી જ મુવમેન્ટ કંટ્રોલમાં છે. તેની હેલ્થ પણ હવે સારી છે. પોસ્ટ ઓપરેટીવલી એને કોઈ જાતની ન્યુરોલોજિકલ ડેફિસિયન્સી આવેલી નથી. ઇમોશનલી એમ કહી શકીએ કે, મૃત ભાઈએ પોતાના જીવિત ભાઈને અંગ દાન કર્યું અને એક નવું જીવન આપ્યું. 


ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા ગર્ભવતી મહિલાઓને સંપૂર્ણ આહાર મળી રહે તે હેતુથી અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે. જેથી કુપોષિત બાળકનું પ્રમાણ ઓછું થાય. બીજી સમસ્યા એ છે કે મહિલાઓને ગર્ભવતી બન્યાના ચોથા મહિને સરકાર દ્વારા આયર્ન અને ફોલિક એસિડની ગોળીઓ આપવામાં આવે છે, જ્યારે બાળકનો વિકાસ થઇ ગયો હોય છે. પરંતુ જો મહિલાઓને લગ્નના સમયથી અથવા બાળક પ્લાનિંગ કરતા હોય તે સમયથી ફોલિક એસિડ અને આયર્નની ગોળીઓ આપવમાં આવે તો આ પ્રકારના કિસ્સાઓ ટાળી શકાય છે.