મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદમાં 10 કિલોના ચરસના જથ્થા સાથે બે કશ્મીરી યુવક સહિત અન્ય 3ની ધરપકડ કરવામાં આવી છે. સરદારબાગ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે તેઓની ધરપકડ કરી છે. કશ્મીરના કુંપાવડામાંથી ચરસનો જથ્થો અમદાવાદમાં લાવ્યા હોવાનું આરોપીઓએ કબૂલ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, લોકસભાની ચૂંટણી આવતા જ રોકડા, દારૂ મોટી માત્રામાં પકડાઈ રહ્યું છે, ત્યારે હવે ગાંજો-ચરસ પણ પકડાઈ રહ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે, અમદાવાદમાં કાશ્મીરમાંથી ચરસનો જથ્થો આવ્યો છે અને અમદાવાદના સરદાર બાગ પાસે તેની ડીલ થવાની છે. તેથી પોલીસે પહેલેથી જ વોચ ગોઠવી હતી. ત્યારે ડીલ કરવા આવેલા બે શખ્સો પોલીસની નજરે ચઢ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચ અને એનસીબીના અધિકારીઓએ બંને શખ્સો અને અન્ય એક યુવકને ઝડપી પાડ્યો હતો.


બે યુવક કાશ્મીરી 
પોલીસે જે ત્રણ શખ્સનો પકડ્યા તેમાંથી બે યુવકો કાશ્મીરી છે. જમીલ અહેમદ અને સબ્બીર ડાર નામના બે કાશ્મીરી યુવકો ચરસનો જથ્થો કાશ્મીરથી અજમેર સુધી ઇનોવા ગાડીમાં લઈ આવ્યા હતા. ત્યાર બાદ પ્રાઇવેટ લકઝરી બસમાં બેસી અમદાવાદ આવ્યા હતા. બંને યુવકો આ ચરસનો જત્થો અમદાવાદના હર્ષ શાહને આપવાના હતા. પોલીસ ઝડપી લીધેલ ચરસનો જથ્થો અંદાજે 10 લાખની કિંમતનો છે.