ચેતન પટેલ/સુરત: સુરત, દીલ્હી, બેંગ્લોર, પંજાબ અને બિહારમાં છેલ્લાં 10 વર્ષથી જેગુઆર અને ઔડી જેવી કાર લઇ ચોરી કરતો અને વતન બિહારમાં ગરીબોને મદદ કરવાને કારણે રોબિનહુડ તરીકે પંકાયેલો ચોર ઇરફાન ઉર્ફે ઉજાલેને સુરત કાઇમ બ્રાન્ચે પિસ્ટલ સાથે ઝડપી લીધો હતો. જુલાઇ મહિનામાં તેણે ઉમરા ગામ રઘુવીર સોસાયટીમાંથી 6.61 લાખની ચોરી કર્યાની કબુલાત કરી હતી. તેની પાસેથી એક પિસ્ટલ પણ પોલીસને મળી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગત 27મીએ ઉમરા ગામ રઘુવીર સોસાયટીમાં દાગીના, ચાંદીના વાંસણો, રોકડ અને મોંઘા બુટ સહિતની ચોરી થઇ હતી. હીરાના લેસર મશીનના વ્યવસાય સાથે સંકળાયેલાં વેપારીએ સીસીટીવી ચેક કરતાં રાત્રે ગાર્ડન તરફથી સ્લાઇડિંગ બારીના કાચ ખોલી પ્રવેશતો એક યુવાન દેખાઇ આવ્યો હતો. 


ચોરીની ટ્રીકથી જ પોલીસ સમજી ગઇ હતી કે આ કોઇ અઠંગ ચોર છે. પોલીસે આ બંગ્લા સુધી આવતા જતાં વાહનોના ફૂટેજ તપાસમાં એક કાર શંકાસ્પદ જણાઇ આવી હતી. લીંબાયતના મદનપુરા વિસ્તારમાં આ કાર દેખાઇ આવતાં પોલીસે કાર સાથે બિહારના સીતામઢી જિલ્લાનાં જોગીયા ગામનાં મો. ઇરફાન ઉર્ફે ઉજાલે અખ્તર શેખ તથા બિહારના જ વતની અને હાલ હૈદરાબાદમાં રહેતાં મુજમ્મીલ ગુલામરસુલ શેખને ઝડપી લીધા હતા. તેમની પાસેથી એક કાર ઉપરાંત ચોરી કરેલાં 2.01 લાખની કિંમતનાં દાગીના તથા એક પિસ્ટલ અને એક કાર્ટિજ સાથે ઝડપી લીધો હતો. 


ઉલ્લેખનીય છે કે 2017માં ઇરફાન દીલ્હી પોલીસને હાથે ઝડપાયો હતો ત્યારે તેના કારનામાની ખબર પડી હતી. મોંઘા શોખ અને અનેક ગર્લફ્રેન્ડ રાખતાં આ ચોરે ગામમાં છોકરીઓનાં લગ્નો, આરોગ્ય કેમ્પ, ગામના રસ્તા રિપેર સહિતના અનેક સારો કાર્યોમાં આર્થિક મદદ કરી હોઇ તે ત્યાં રોબિનહુડ તરીકે પંકાયો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube