ગાંધીનગર : ચીફ સેક્રેટરીની ઓફિસમાં ચા-પાણી લઈ આવનારને જોઈ ચોંકી ગયા મુલાકાતીઓ
સચિવાલયમાં બ્લોક નંબર-1ના પાંચમા માળે ચીફ સેક્રેટરી ડો.જે.એન.સિંઘની ઓફિસ આવેલી છે. સોમવારે અહી પેન્ટ્રી રૂમમાં બે રોબોટ મૂકવામાં આવ્યા હતા. જેઓ પેન્ટ્રીથી કોન્ફરન્સ હોલ અને સીએચ ચેમ્બરની વચ્ચે પ્લેટ લઈને ચા-નાસ્તો, પાણી લઈને આવતા જતા દેખાયા હતા.
ગાંધીનગર/ગુજરાત : સોમવારે ગાંધીનગરમાં ચીફ સેક્રેટરી ડો.જે.એન સિંઘની ઓફિસે ભારે કુતૂહલ સર્જ્યું હતું. આ ઓફિસમાં સોમવારે જેણે પણ પગ મૂક્યો, તે ચોંકી ગયો હતો. કારણ પણ ચોંકાવનારું હતું. સોમવારે જે.એન.સિંઘને મળવા આવનારા મુલાકાતીઓની સામે ચા-પાણી અને નાસ્તો લઈને કોઈ પટાવાળો નહિ, પરંતુ બે રોબોટ આવ્યા હતા. ત્યાર બાદ તો બંને રોબોર્ટ ગાંધીનગર સર્કિટમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા.
વાત એમ છે કે, સચિવાલયમાં બ્લોક નંબર-1ના પાંચમા માળે ચીફ સેક્રેટરી ડો.જે.એન.સિંઘની ઓફિસ આવેલી છે. સોમવારે અહી પેન્ટ્રી રૂમમાં બે રોબોટ મૂકવામાં આવ્યા હતા. જેઓ પેન્ટ્રીથી કોન્ફરન્સ હોલ અને સીએચ ચેમ્બરની વચ્ચે પ્લેટ લઈને ચા-નાસ્તો, પાણી લઈને આવતા જતા દેખાયા હતા. ત્યારે ગાંધીનગરના ઓફિસરોમાં આ વાત વાયુવેગે પ્રસરી જતા અનેક લોકો આ રોબોટ્સને જોવા પહોંચ્યા હતા, અને રોબોટની ભારે કામગીરી જોઈ હતી.
જોકે આ રોબોટ્સને કારણે ચર્ચા ઉપજી હતી કે, શું હવે સરકારી ઓફિસોમાં પટાવાળાને બદલે આવા રોબોટ્સ મૂકવામાં આવશે. તેના જવાબમાં ચીફ સેક્રેટરીએ કહ્યું હતું કે, આ રોબોટ સાયન્સ સિટીના છે. તેનો ઉપયોગ વાઈબ્રન્ટ સમિટમાં કરવાનો છે. તેથી તેમની ઓફિસમાં પ્રાયોગિક ધોરણે મૂકવામાં આવ્યો હતો. મંગળવારે આ બંને રોબોટ સાયન્સ સિટીમાં મોકલવામાં આવશે.
આમ, આજે આ રોબોટ સાયન્સ સિટીમાં પહોંચશે. જોકે, સાયન્સ સિટીમાં આ રોબોટ્સ ક્યાં મૂકાશે, અને તેનો કેવો ઉપયોગ કરાશે તે વિશે માહિતી મળી શકી નથી. સૂત્રો દ્વારા એમ પણ જાણવા મળ્યું છે કે, મહત્વની મીટિંગોમાં કોઈ પણ વ્યક્તિનું ઈન્ટરફીયરન્સ ન રહે તે માટે સરકારી ઓફિસોમાં આ પ્રકારના રોબોટ્સ લાવવામાં આવશે.
રોબોટથી રોજગારી પર અસર
અનેક દેશોમાં માણસોની જગ્યા હવે રોબોટ્સ લઈ રહ્યા છે. ત્યારે ભારતમાં રોજગારીની સમસ્યા જોતા આવા રોબોટ્સ કેટલા કામદારોના પેટ પર લાત મારશે તેવું વિચારવા જેવી બાબત છે.