સુરતઃ સુરતમાં શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.  અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ઉમરપાડમાં 24 કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે માંડવીમાં અઢી ઈંચ, માંગરોળમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે.  તો તરફ બારડોલી, મહુવા કામરેજ, પલસાણામાં પણ 1-1 ઈંચ વરસાદ પડ્યો છે. ત્યારે સારા વરસાદના પગલે જિલ્લામાં નાના મોટા તમામ ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉકાઈ ડેમની જળસપાટી 306.08 ફુટ પર પહોંચી છે. ઉકાઈમાં પાણીની 50,431 ક્યુસેકની આવક અને 600 ક્યુસેક પાણીની જાવક છે. તો કાકરાપાર ડેમની સપાટી 161.30 ફૂટ અને આમલી ડેમની સપાટી 113.50 મીટર પર પહોંચી છે. હથનુર ડેમની સપાટી 210.30 મીટર અને માંડવી પાસેનો લાઠી ડેમ 74.20 મીટરે પહોંચ્યો છે. લાઠી ડેમ ઓવરફ્લો થવાની શક્યતાએ માંડવી તાલુકાના ચાર ગામને એલર્ટ કરાયા છે. તો સુરત કોઝવેની જળસપાટી 6.83 મીટર પર પહોંચી છે.