સુરત: હાર્દિકની ધરપકડના વિરોધમાં મંજૂરી વગર ધરણા પર બેઠેલા 20 લોકોની ધરપકડ
હાર્દિક પટેલે 19મી ઓગસ્ટના રોજ એક દિવસના પ્રતિક ઉપવાસની જાહેરાત કરી હતી. જો કે પોલીસ દ્વારા તેની અટકાયત બાદ સુરતમાં કેટલાક પાટીદારો રસ્તા પર ઉતરી આવ્યા હતા.
તેજસ મોદી, સુરત: હાર્દિક પટેલે 19મી ઓગસ્ટના રોજ એક દિવસના પ્રતિક ઉપવાસની જાહેરાત કરી હતી. જો કે પોલીસ દ્વારા તેની અટકાયત બાદ સુરતમાં કેટલાક પાટીદારો રસ્તા પર ઉતરી આવ્યા હતા. હાર્દિકની અટકાયતના વિરોધમાં સુરતમાં કેટલાક લોકો ધરણાં પર બેઠા હતા. જો કે પોલીસે આ લોકોને અટકાવ્યા હતા જે બાદ કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરો ફેંક્યા હતા. હાર્દિકને છોડી મુકવાની માગ સાથે લોકોએ વિરોધ કર્યો હતો. હવે આ મામલે પોલીસે 20 જેટલા પાટીદારોની ધરપકડ કરી છે. પોલીસે આ ધરપકડ મંજૂરી વગર ધરણા પર બેસવાના કારણસર કરી છે. જેમાં મંજૂરી વગર ધરણાના કેસમાં 18ની અને બે લોકોની કચરાપેટી ઊંધી વાળવાના કેસમાં ધરપકડ કરાઈ છે.
અત્રે જણાવવાનું કે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ 19મી ઓગસ્ટના રોજ ઉપવાસ પર બેસે તે પહેલા જ પોલીસે તેની અટકાયત કરી હતી અને પાછળથી ધરપકડ પણ કરી લીધી હતી. હાર્દિકની ધરપકડ થતા પાટીદારોમાં રોષ જોવા મળ્યો હતો. હાર્દિકને છોડવા માટે અનેક જગ્યાએ પાટીદારોએ વિરોધ શરૂ કર્યો હતો. સુરતમાં પણ મિની બજાર ખાતે પાટીદારોએ હાર્દિકને છોડવાની માંગ સાથે ધરણા શરૂ કર્યા હતાં.
અમદાવાદમાં પાસનો હાર્દિક પટેલ 25મી ઓગસ્ટે ઉપવાસ પર બેસવાનો હતો પરંતુ તેને પોલીસે મંજૂરી આપી ન હતી. તો તેણે 19મીના રોજ મંજૂરી વગર એક દિવસના પ્રતિક ઉપવાસ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ તે ઉપવાસ પર બેસે તે પહેલા જ પોલીસે તેની અટકાયત કરી હતી. તેના વિરોધમાં સુરતમાં પાટીદારો પ્રતિક ઉપવાસ પર બેઠા હતાં.