ચેતન પટેલ/સુરત :ડાયમંડ નગરી સુરતને કોઇની નજર લાગી ગઈ હોય તેવુ લાગી રહ્યું છે. છેલ્લા ત્રણ માસમા સુરતમાં 2 હજારથી વધુ રત્ન કલાકારોને મંદીના કારણે છુટ્ટા કરી દેવામા આવતા તેઓ રસ્તા પર આવી ગયા છે. એક દિવસ અગાઉ જ કતારગામ સ્થિત ગોધાણી ઇમ્પેક્સ દ્વારા 350થી વધુ રત્ન કલાકારોને તાત્કાલિક ધોરણે છૂટા કરી દેવામા આવ્યા હતા. કંપનીમાં માલ ન હોઈ તેમજ મંદી ચાલતી હોવાનું કારણ આગળ ધરી રત્ન કલાકારોને રજા આપી દેવામાં આવી હતી. હાલ એવી પરિસ્થિતિનુ નિર્માણ થયું છે કે, આ તમામ રત્નકલાકારો રસ્તા પર આવી ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


આજે રત્નકલાકારો દ્વારા સુરતમાં ધરણાનો કાર્યક્રમ યોજી વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે તમામ રત્ન કલાકારો કલેક્ટર કચેરીએ આ અંગે રજૂઆત કરવા પણ પહોંચ્યા હતા. તાત્કાલિક છુટા કરી દેવાતા રત્નકલાકારોએ પોતાનુ ઘર કેમ ચલાવવુ તે અંગે પ્રશ્નો ઉભા થયા છે. સાથોસાથ કેટલાક એવા પણ હતા, જેમની બેંક લોન ચાલે છે. ત્યારે આ લોનના હપ્તા કઇ રીતે ભરશે તે અંગે તેમને ચિંતા સેવાઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા છ મહિના આ લોનના હપ્તામાં રાહત આપવામા આવે તેવી રત્નકલાકારો દ્વારા માંગ પણ કરવામા આવી હતી.



ઉલ્લેખનીય છે કે, ગુજરાતનો હીરા ઉદ્યોગ વર્ષ 2008 કરતાં વધારે ઘાતક મંદીની ઝપેટમાં આગળ વધી રહ્યો છે. નીરવ મોદીનુ 300 કરોડ કરતાનું વધારેનું કૌભાંડ ગુજરાતમાં ડાયમંડ ઉદ્યોગની મંદીનું મુખ્ય કારણ બની રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી આંતરાષ્ટ્રીય બજારમાં પોલીસ હીરાની માંગમાં ઘટાડો થતાં ગુજરાતમાં નાના પાયે ચાલતા હીરાના કારખાના બંધ થવાની કગાર પર છે. હીરાને પોલિશ કરવાના ઉદ્યોગ સાથે સંકળાયેલા જિતુભાઇ મોરડીયાના કહેવા પ્રમાણે, નિરવ મોદીના કૌભાંડને કારણે બેંકોએ કેશ ક્રેડીટમાં ઘટાડો કર્યો છે, જેની અસર રો મટિરીયલ પ્રોવાઇડ કરતી કંપનીઓ પર પડી છે. જેના લીધે હીરાના ઉદ્યોગ પર મંદીનો ઓછાયો લાગ્યો છે. કારમી મંદીમાં સપડાયેલા હીરા ઉદ્યોગને તેજીનું કોઇ એંધાણ ન દેખાતા તેમણે સરકાર તરફ મીટ માંડી છે. મેન્યુફેક્ચરર્સ સરકાર પાસે મશીનરી પર લોન અને સબસીડીની માંગ કરી રહ્યા છે. હવે જોવાનું છે કે ગુજરાતની ચમક હીરા ઉદ્યોગ સામે સરકારની મીઠી નજર પડે છે કે કેમ.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :