બુરહાન પઠાણ, આણંદઃ ગાંધીનાં ગુજરાતમાં દારૂબંધીનાં કાયદાનો અમલ કરાવવાની જવાબદારી જેનાં શીરે છે તે પોલીસ હેડકોન્સટેબલએ જ થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે લાવવામાં આવેલા વિદેશી દારૂનો જથ્થો પોતાનાં ધરમાં સંતાડેલો હોવાની બાતમીનાં આધારે આણંદની એલસીબી પોલીસે હેડકોન્સટેબલનાં ધરમાં છાપો મારીને 3.63 લાખનો વિદેશીદારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસ હેડકોન્સટેબલ જ પોતાનાં ધરમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી દારૂબંધીનાં કાયદાનાં લીરે લીરા ઉ઼ડાવતા ચકચાર મચી જવા પામી છે. એલસીબી પોલીસે હેડકોન્સટેબલ સહીત ચાર આરોપીઓ વિરૂદ્ધ દારૂબંધી ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે બુટલેગરો દ્વારા આણંદ જિલ્લામાં દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમીને લઈને આણંદ એલસીબી પોલીસ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન એલસીબી પોલીસને બાતમી મળી હતી કે પેટલાદનાં કલાલપીપળ પાસે રહેતા અને દારૂનો કુખ્યાત બુટલેગર મોહસીનમિંયા લિયાકતમિંયા મલિક ઉર્ફે એલ.કે થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે વિદેશી દારૂની માંગ વધુ હોવાથી અન્ય રાજયમાંથી વિદેશી દારૂનો જથ્થો મંગાવીને રંગાઈપુરા ગામનાં વડીયા વિસ્તારમાં પંચવટી પાર્કમાં રહેતા પોલીસ હેડકોન્સટેબલ સુનીલ જસભાઈ મકવાણાનાં ધરમાં ઉતાર્યો છે. જે બાતમીનાં આધારે પોલીસે હેડકોન્સટેબલ સુનીલનાં ધરમાં છાપો મારતા દાદર નીચે બનાવેલા ખાનાંમાંથી તેમજ ઉપરનાં માળે જવા માટેની ગેલેરીનાં ભાગમાં તેમજ છત તરફ જવાની લોંખડની સીડી નીચે પ્લાસ્ટીકનાં પીપમાં તેમજ રૂમમાં સેટી પલંગની બાજુમાં વિદેશી દારૂની 240 બોટલો કિમત રૂપિયા 3.63 લાખની મળી આવતા એલસીબી પોલીસ ચોંકી ઉઠી હતી અને એલસીબી પીઆઈ એચ આર બ્રહ્મભટ્ટએ પોલીસ હેડકોન્સટેબલ સુની મકવાણાની ધરપકડ કરી તેની પુછપરછ કરતા આ દારૂનો જથ્થો તેનાં બુટલેગર મિત્રો થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન વેચાણ માટે લાવ્યા હોવાની કબુલાત કરી હતી.


આ પણ વાંચોઃ વ્યાજખોરના ત્રાસથી અમદાવાદમાં એક વેપારીએ કર્યો આપઘાત, પૈસા પરત કરવા છતાં આપી ધમકી


 હેડકોન્સટેબલ સુનિલ મકવાણાએ પોલીસને કહ્યું હતું કે બુટલેગર મોહસીનમિંયા લિયાકતમિંયાના માણસો મોઇન મુનાફર્મીયા મલેક અને તોસીફ મલેક ગત તારીખ 22 ડિસેમ્બરના રોજ મોડી રાત્રિના સમયે સફેદ કલરની સ્વિફ્ટ ગાડી લઈને મારા ઘરે આવ્યા હતા અને આ વિદેશી દારૂનો જથ્થો બે-ત્રણ દિવસ માટે કોઈને વહેમ ના જાય તે માટે મારા ઘરે સાચવવા મૂકવા કહ્યું હતું. તેઓ મારા સારા મિત્ર થતા હોવાથી મેં શરમમાં મારા ઘરે આ દારૂનો જથ્થો મૂકવા દીધો હોવાનું કબૂલ્યું છે. જેના આધારે પોલીસે પકડાયેલા હેડ કોન્સ્ટેબલ સુનિલ મકવાણા તેમજ દારૂનો જથ્થો આપનાર મોહસીનમિંયા લિયાકતમિંયા મલેક, મોઇનમિયાં મુનાફમિયા મલેક અને તોસીફ મલેક વિરુદ્ધ પેટલાદ ટાઉન પોલીસ મથકે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


આ ઉપરાંત બૂટલેગર મોહસીનિયા લીયાકતિયા મલેકે પેટલાદના કાજીવાડામાં રહેતાં સિદ્દીકોદ્દીન ઉર્ફે મુન્ના ઉર્ફે ગંધાતો ઝહીરોદ્દીન કાજીના મકાનમાં પણ વિદેશી દારૂ ઉતાર્યો હોવાની બાતમી આણંદ LCB પોલીસને મળી હતી. જેથી પોલીસે આ સિદ્દીકોદ્દીન કાજીના મકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી રૂપિયા 1 લાખ 95 હજાર 59ની કિંમતની ભારતીય બનાવટની વિદેશી દારૂની 139 નંગ બોટલો મળી આવી છે. જેથી પોલીસે આ સિદ્દીકોદ્દીન કાજી વિરુદ્ધ પણ પ્રોહિબિશનનો ગુનો નોંધી તેને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે.