અમદાવાદમાં 260 કરોડના કૌભાંડી વિનય શાહના 2 બેન્ક એકાઉન્ટ ફ્રીઝ
તપાસ દરમિયાન બીજા પણ કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે. જે મુજબ, વિનય શાહ ક્રિપ્ટો કરન્સીની કંપની ખોલવાનો હતો.
અમદાવાદઃ 260 કરોડના વિનય શાહના કૌભાંડ મામલે CID ક્રાઈમ જેમ જેમ તપાસ કરી રહી છે તેમ તેમ ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. ત્યારે વિનય શાહના HDFC અને IDBI બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવતાં તેમાંથી રૂપિયા 14 લાખ જ મળી આવ્યા છે. તેના બંન્ને એકાઉન્ટ સીઆઈડીએ ફ્રીઝ કરી દીધા છે. CID ક્રાઈમે બંને બેન્કના સ્ટેટમેન્ટની હાર્ડ કોપી પણ મેળવી છે. સાથે જ કૌભાંડ અંગે માહિતી મેળવવા SEBI અને NSDL/CDSLને પણ ઈમેઇલ કર્યો છે. CID ક્રાઈમે અત્યારસુધીની તપાસમાં 10 જેટલા કર્મચારીઓના નિવેદન નોંધ્યા છે.
તપાસ દરમિયાન બીજા પણ કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે. જે મુજબ, વિનય શાહ ક્રિપ્ટો કરન્સીની કંપની ખોલવાનો હતો. આર્ચર કોઈનથી બિટકોઈન લોન્ચ કરવાનો વિનય શાહનો પ્લાન હતો. એટલું જ નહીં ચોંકાવનારી વાત તો એ છે કે વિનય શાહની કંપનીમાં દૈનિક એકથી દોઢ કરોડની આવક થતી હતી. જ્યારે 80 લાખથી એક કરોડની ચૂકવણી કરવામાં આવતી હતી.
કૌભાંડી વિનય શાહનો બીટ કોઈન લાવવાનો હતો પ્લાન, એજન્ટને કરાવી હતી વિદેશ ટૂર
જેવી કમાણી કરતો તેવી જ રીતે તે વાપરવામાં પણ બેફામ હતો. તેણે નોવાટેલ હોટેલમાં એક પાર્ટી રાખી હતી. જેમાં કંપનીમાં ટાર્ગેટ પૂરો કરનારાઓને 900 ગોલ્ડકોઈન આપ્યા હતા. જ્યારે અન્ય એક પાર્ટીમાં 175 લેપટોપ એજન્ટોને આપ્યા હતા. પરંતુ ગત સપ્ટેમ્બર માસ બાદ આર્થિક સંકડામણના કારણે વ્યાજે નાણા લાવવાનું નક્કી કર્યું હતું. હાલ CID ક્રાઈમે હોટેલ મેરિયોટ અને નોવાટેલ હોટલોમાં કરેલી મિટિંગોની વિગતો મેળવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે વિનય શાહ મેરિયોટ હોટેલના સ્પા સેન્ટરમાં વિનય શાહ મેમ્બર હતા. આ મેમ્બરશીપનું આઈકાર્ડ પણ મળી આવ્યું છે.