આગામી 3 દિવસ છે યલો એલર્ટ, અને ગુજરાતના અન્ય મહત્વના સમાચાર
gujarat latest news : ગુજરાતમાં આજે 29 માર્ચના મહત્વના સમાચાર અને ઘટનાઓ પર એક નજર કરીએ...
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં આકરી ગરમીના દિવસો આવી ગયા છે. ગુજરાતમાં હવે અંગ દઝાડતી ગરમી પડશે અને લોકોનુ બહાર નીકળવુ પણ મુશ્કેલ બનશે. ગુજરાતમાં હજુ 3 દિવસ અંગ દઝાડતી ગરમી પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. આગામી 3 દિવસ હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યુ છે. આ દિવસોમાં 41થી 43 ડિગ્રી તાપમાન અને લૂ પડવાની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગરમીનો પારો વધશે. ગરમ અને સૂકા પવનો ફૂંકાતા તાપમાન વધવાની આગાહી છે. ત્યારે ડોક્ટરોએ સલાહ આપી કે, ગરમીથી બચવા માટે કામ વિના ઘરની બહાર નીકળવાનું ટાળો
કયા શહેરોમા યલો એલર્ટ
ગુજરાતમાં ક્યાં યલો એલર્ટ અપાયું છે તેની વાત કરીએ તો, અમદાવાદ શહેર, ગાંધીનગર શહેર, બનાસકાંઠા જિલ્લો, સાબરકાંઠા જિલ્લો, પાટણ અને મહેસાણા, સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો : એકાઉન્ટના પેપર સમયે જ અમનના જીવનની ખાતાવહી પૂરી થઈ ગઈ, CCTV માં જુઓ મોતની અંતિમ ક્ષણો
ગુજરાતના અન્ય સમાચારો
AMTSમાં મુસાફરો ઓનલાઈન ટિકિટ ખરીદી શકશે
અમદાવાદમાં AMTSમાં ડિજિટલ ટિકિટની શરૂઆત થઈ છે. ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવામાં માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ડિજિટલ ટિકિટની શરૂઆત કરી છે. ત્યારે મુસાફરો પેટીએમ મોબાઈલ એપ્લિકેશનથી ટિકિટ ખરીદી શકાશે. એપથી AMTSનો ક્યૂઆર કોડ જનરેટ કરાશે. મુસાફરો મોબાઈલ ફોનમાં એપ્લિકેશનથી સિટી બસના માધ્યમથી ટિકિટ લઈ શકશે. સાથે જ આજે અમદાવાદના વાસણાના ટર્મિનલની પણ શરૂઆત કરાઈ છે. 60 લાખના ખર્ચે વાસણાના ટર્મિનલનું નવીનિકરણ કરાયું. આ કાર્યક્રમમાં મેયર કિરીટ પરમાર, AMC કમિશનર લોચન શહેર, AMTS કમિટીના ચેરમેન વલ્લભ પટેલ સહિતના હોદ્દેદારો અને નેતાઓ હાજર રહ્યા હતા.
સૌરાષ્ટ્રના પાટીદારો કોંગ્રેસથી નારાજ
રાજકોટમાં ગુજરાત કોંગ્રેસના સંગઠનના માળખા મામલે વિરોધ શરૂ થયો છે. માળખામાં પાટીદારોને સ્થાન ન મળતા રાજકોટમાં વિરોધ જોવા મળ્યો છે. સંગઠન માળખા મામલે રાજકોટ પાટીદાર સમાજમાં રોષ સળવળ્યો છે. કડવા અને લેઉવા પાટીદાર સમાજના અગ્રણીઓની આ મામલે બેઠક મળી હતી. શહેર પ્રમુખ અને હોદ્દેદારોમાં પાટીદારોને સ્થાન ન મળતા પાટીદાર અગ્રણીઓમાં રોષ જોવા મળ્યો. આજની બેઠકમાં પૂર્વ કોર્પોરેટર મનસુખ કાલરિયા, સંજય અજૂડિયા, પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરા, કોંગ્રેસ અગ્રણી મિતુલ દોંગા, માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર અતુલ કામાણી સહિતના પાટીદાર આગેવાન ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : સસરા વહુના સૂકવેલા કપડા સૂંઘ્યા કરતા, તક મળે તો વહુને સ્પર્શી લેતા... કંટાળેલી વહુએ કરી ફરિયાદ
કોરોનામાં બંધ થયેલી મધ્યાહન ભોજન યોજના આજથી ફરી શરૂ
આજથી રાજ્યમાં ફરી મધ્યાહન ભોજન યોજનાની શરૂઆત થઈ છે..આજે આજથી ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, નવસારી, ભાવનગર,ભુજ અને જામનગર જિલ્લાઓમાં શરૂઆત થઈ છે. જ્યારે બાકીના જિલ્લામાં 31 માર્ચથી યોજનાની શરૂઆત થશે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના હસ્તે ગાંધીનગરના બોરીજ ગામની શાળામાં યોજનાનો આરંભ થયો છે. જેમાં ખુદ નાના બાળકોને શિક્ષણમંત્રીએ ભોજન પિરસ્યું હતું. યોજના શરૂ થવાની બાળકોને પોષણયુક્ત ભોજનનો લાભ મળી રહેશે. મહત્વનું છે કે, કોરોનાને કારણે માર્ચ 2020 થી શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજના બંધ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : ગુજરાત બન્યું પછાત, રસ્તો ખરાબ હોવાથી પ્રસૂતિની પીડા વેઠીને સગર્ભા 2 કિલોમીટર ચાલી, Video
પાર-તાપી રિવર લિંક યોજના મુદ્દે વિધાનસભામાં વિવાદ
પાર-તાપી રિવર લિંક યોજના મુદ્દે વિધાનસભામાં વિવાદ જોવા મળ્યો. કોંગ્રેસના આદિવાસી ઘારાસભ્યોએ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. વિવાદ થતા વિધાનસભાના ગૃહમાં મંત્રી ઋષિકેશ પટેલે ખુલાસો કર્યો કે, દિલ્હી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને નાણામંત્રી નિર્મલા સીતારામણ સાથે ચર્ચા થઈ છે. ચર્ચા બાદ યોજનાનો અમલ ન કરવાનો નિર્ણય કરાયો છે. ભાજપ સરકાર આદિવાસીની એક પણ ઈંચ જમીન જવા નહી દે. ઉલ્લેખનીય છએ કે, પાર-તાપી-નર્મદા રિવર લિંક અપ યોજના ગુજરાત માટે સ્થગિત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર સાથે રાજ્ય સરકારના આદિવાસી વિસ્તારના સાંસદો તથા ધારાસભ્યોની દિલ્હીમાં બેઠક યોજાઈ, જેમાં યોજના સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો હતો. જો કે યોજના સ્થગિત કરાવા છતાં કોંગ્રેસે કહ્યું કે, સરકારને આદિવાસીઓ પ્રત્યે કોઈ લાગણી નથી અને અમારું આંદોલન ચાલુ રહેશે. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલના નિવેજન પર રાજ્ય સરકારના મંત્રી નરેશ પટેલ અને પૂર્વ મંત્રી ગણપત વસાવાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, પાર-તાપી-નર્મદા રિવર લિંક અપ યોજના જૂની છે અને પહેલા કોંગ્રેસે જ આ યોજના ઘડી હતી. સીઆર પાટીલે પણ આ મુદ્દે કોંગ્રેસ પર રાજનીતિ કરવાનો પ્રહાર કર્યો છે. નોંધનીય છે કે, કેન્દ્ર સરકાર સાથે રાજ્ય સરકારના આદિવાસી વિસ્તારના સાંસદો તથા ધારાસભ્યોની દિલ્હીમાં બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ નાણાંમંત્રી નિર્મલા સિતારમ અને કેન્દ્રીય સિંચાઈ મંત્રી ગજેન્દ્ર શેખાવત ઉપસ્થિત રહ્યા. જેમાં યોજના સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે.