રાજકોટમાં ડેકોરા ગ્રુપ પર આઇટી વિભાગના સર્ચ ઓપરેશનમાં ત્રણ કરોડની રોકડ રકમ ઝડપાઈ
આઈટી વિભાગના અધિકારીઓના હાથે ઢગલાબંધ જમીનના દસ્તાવેજો પણ લાગ્યા છે. કરોડાનું કાળું નાણું ઝડપાય તેવી શક્યતા સેવાઈ રહી છે.
રાજકોટ: રાજકોટમાં આઈટી વિભાગે બોલાવેલા સપાટા બાદ રૂપિયા ત્રણ કરોડની રોકડ રકમ ઝડપાઈ છે. ડેકોરા ગ્રુપ પર આઈટી વિભાગે દરોડા પાડ્યા હતાં. જેમાં મળેલી કરોડોની રકમ બાદ હજુ પણ મોટી રકમ હાથ લાગે તેવી શક્યતા સેવાઈ રહી છે. આઈટી વિભાગના અધિકારીઓના હાથે ઢગલાબંધ જમીનના દસ્તાવેજો પણ લાગ્યા છે. કરોડાનું કાળું નાણું ઝડપાય તેવી શક્યતા સેવાઈ રહી છે.
રાજકોટમાં વહેલી સવારથી જ આઈટી વિભાગના 132 અધિકારીની 48 ટીમ દ્વારા રાજકોટમાં મેગા ઓપરેશન હાથ ધરાયુ હતું. કુલ 44 સ્થળે પાડેલા સપાટામાં 26 સ્થળે દરોડા અને 18 સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ સર્ચ એન્ડ સર્વેની કામગીરીમાં 100થી વધુ અધિકારીઓ જોડાયા છે.
ડેકોર ગ્રુપના તમામ ભાગીદારોને ત્યાં આઈટી વિભાગે તપાસ હાથ ધરી છે. જેમાં જાણીતા બિલ્ડર અને ક્લાસિક કન્સ્ટ્રક્શનના માલિક સ્મિત કનેરિયાને ત્યાં સપાટો બોલાવ્યો છે. હાલ સ્મિત કનેરિયા અમેરિકા છે. આર્કિટેક્સથી બિલ્ડર બનેલા દિલીપ લાડાણી પર પણ દરોડા પાડ્યા છે. જમનભાઈ પટેલ અને તેમના પુત્ર નિખિલને ત્યાં પણ આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. તો, જમનભાઈ પટેલના ભાગીદારના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે.