રક્ષિત પંડ્યા, રાજકોટ: રાજકોટ બેડી માર્કેટ યાર્ડ એ સૌરાષ્ટ્રનું બીજા નંબરનું મોટું માર્કેટ યાર્ડ છે. રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં મચ્છરોના ત્રાસના કારણે વેપારીઓ અને મજૂરો દ્વારા અચોક્કસ મુદતની હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. યાર્ડમાં હડતાલના કારણે રોજ 8 કરોડનું ટર્ન ઓવર ખોરવાયું છે આમ 3 દિવસની હડતાલના પગલે કુલ 32 કરોડનું ટર્ન ઓવર ખોરવાયું છે અને ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. યાર્ડના ચેરમેન ડી.કે.સખીયાએ જણાવ્યું હતું કે હાલમાં ઘઉં, ચણા, ઝીરું, કપાસ અને મગફળી સહિતના પાકની મબલક આવક છે અને ખેડુતો યાર્ડમાં હડતાલના કારણે પોતાના માલનું વેચાણ કરવા આવી શકતા નથી. જેના કારણે રોજનું 8 કરોડનું ટર્ન ઓવર ખોરવાયું છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેડી યાર્ડ ખાતે બેડી નદીમાં જળકુંભીના કારણે મોટા પ્રમાણમાં મચ્છરોના ઉપદ્રવ જોવા મળી રહ્યા છે. જેના કારણે યાર્ડમાં કામ કરતા મજૂરો, વેપારીઓ અને દલાલો પારાવાર મુશ્કેલીનો દમનો કરી રહ્યા છે. છેલ્લા 2 વર્ષથી વેપારીઓ, મજૂરો અને યાર્ડના સત્તાધીશો દ્વારા સરકારમાં વારંવાર લેખિત તથા મૌખિક રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન થતા આખરે વિરોધનો સુર ઉઠ્યો હતો અને વેપારીઓ તેમજ મજૂરો એ અચોક્કસ મુદતની હડતાલ કરવા નિર્ણય કર્યો હતો. ચાર દિવસ પૂર્વે વિરોધ દરમિયાન પત્થરમારો થયો હતો. જેમાં પોલીસે દલાલ એસોસિએશનના પ્રમુખ અતુલ કમાણી સહિત 30 લોકો સામે ફરજ રુકાવટ અને રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોમઢી ધરપકડ કરી હતી અને ગઈકાલે તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. જો કે આ બાદ યાર્ડ ના વેપારીઓ સહિત મજૂરોએ તમામ લોકો પર લગાવવામાં આવેલ કેસો પરત ખેંચવા માંગ કરી છે. 


યાર્ડમાં મચ્છરોના ત્રાસ મામલે જિલ્લા કલેકટર, મ્યુનિસિપલ કમિશ્નર, તેમજ યાર્ડના સતાધીશો વચ્ચે બેઠક મળી હતી અને અધિકારીઓએ રૂબરૂ મુલાકાત કરી હતી. આ બેઠક બાદ જળકુંભી દૂર કરવા અને સાંજના સમયે ફોગીંગ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે ચિંતા દાખવી તાત્કાલિક અસરથી મશીનરી રાજકોટ મોકલી જળકુંભી દૂર કરી પ્રશ્ન નિરાકરણ કરવા અધિકારીઓને સૂચના આપી છે. હાલમાં છેલ્લા 2 દિવસ યાર્ડ ખાતે સાંજના સમયે 6.30 વાગ્યા થી 9 વાગ્યા સુધી મનપા દ્વારા ફોગીંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube