અજય શીલુ/પોરબંદર :મેડિકલ સાયન્સના આજના આધુનિક યુગમાં તમામ સારવાર અદ્યતન મશીનરી દ્વારા દર્દીઓને આપવામાં આવે છે. આમ છતાં ક્યારેક એવા બનાવો સામે આવે છે જે મેડિકલ સાયન્સને પણ વિચારતા કરી મૂકે. પોરબંદરમાં પણ આવો એક કિસ્સો સામે આવ્યો છે જે મેડિકલ સાયન્સ માટે પણ સંશોધનનો વિષય બન્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દરિયાકાંઠે આવેલા પોરબંદર જિલ્લામાં ક્ષારયુક્ત પાણીના કારણે કિડનીને લગતી પથરીઓના દર્દીઓની સંખ્યા વધુ જોવા મળતી હોય છે.‌ જિલ્લામાં કિડનીની પથરીઓની સરખામણીમાં પિત્તાશયની પથરીઓના દર્દીઓ ઓછા જોવા મળતા હોય છે. પરંતુ પોરબંદરની આનંદ હોસ્પિટલમાં પોરબંદર નજીક આવેલ જામનગર જિલ્લાના વાંસજાળીયા ગામના દર્દીનું ડોક્ટર દ્વારા‌ જ્યારે પિત્તાશયની પથરીનું ઓપરેશન કરવામાં આવ્યું ત્યારે પથરીની સંખ્યા જોઈ ઓપરેશન કરનાર ડોક્ટર પણ આશ્ચર્યમાં મુકાયા હતા.


કારણ કે ઓપરેશન દરમિયાન દર્દીના પેટમાંથી એક બે નહિ, પરંતુ 330 જેટલી પથરીઓ નીકળી હતી. આ ઓપરેશન કરનાર ડોક્ટર કલ્પેશ પરમાર એ જણાવ્યું હતું કે, પિત્તાશયની પથરીનું જ્યારે ઓપરેશન કરવામાં આવે છે ત્યારે વધુમાં વધુ 15 પથરીઓ દર્દીના પેટમાંથી નીકળતી હોય છે. પરંતુ એક સાથે 330 જેટલી પથરીઓ નીકળવી તે મેડિકલ સાયન્સ માટે પણ અચરજ પમાડે તેવું છે. 



મૂળ પોરબંદર જિલ્લાના ખાંભોદર ગામના વતની અને હાલમાં જામનગર જિલ્લાના વાંસજાળીયા ગામ ખાતે રહેતા લીલાભાઈ ગોઢાણીયા નામના ખેડૂતના પેટમાંથી ઓપરેશન દરમિયાન 330 જેટલી પથરીઓ નીકળી છે. તેમને આ અંગે જ્યારે પૂછવામાં આવ્યું તો જણાવ્યું કે, ઓપરેશન બાદ હાલ હું ખૂબ જ રાહત અનુભવી રહ્યો છું. મને પણ આટલી પથરીઓ પેટમાં હશે તેવો જરા પણ અંદાજ નહોતો. મને થોડા મહિના પૂર્વે પેટમાં ગેસ સહિતની તકલીફો તેમજ ઉલટી થતાં રિપોર્ટ કરાવ્યા હતા. તે દરમિયાન તેઓને પિત્તાશયની પથરી હોવાનું જાણવા મળ્યું હતું અને તેને કારણે તેઓએ પોરબંદરમાં આ ઓપરેશન કરાવ્યું હતું અને ઓપરેશન દરમિયાન આટલી મોટી સંખ્યામાં પથરીઓ તેમના પેટમાંથી નીકળી હતી. 


આ અનોખા કેસમાં દર્દીના પેટમાંથી મગના દાણાંથી લઈને ચણાના દાણા જેવડી 330 જેટલી જે પથરીઓ નીકળી છે.  તેને લઈને ભારે ચર્ચા જોવા મળી રહી છે.આજના આધુનિક યુગમાં જે રીતે લોકોમાં ફાસ્ટ ફૂડ સહિત જંગ ફૂડ આરોગવાનું પ્રમાણ જે રીતે વધી રહ્યું છે .તેના કારણે આ પ્રકારના દર્દોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જ્યારે પણ દર્દીને પથરીને લગતા આ પ્રકારના લક્ષણો જણાય ત્યારે તેઓએ હોસ્પિટલનો સંપર્ક કરી તમામ જે જરૂરી સારવાર છે તે કરાવવી જોઈએ. જેથી રોગની સમયસર સારવાર કરી શકાય તેવું ડોક્ટર દ્વારા સલાહ આપવામાં આવી હતી.