ગુજરાતમાં કૌભાંડોની હારમાળા : સુરતનો હીરા વેપારી 35 કરોડનું ઉઠામણુ કરી ગયો
હાલ ગુજરાતમાં વિનય શાહના કૌભાંડનો કિસ્સો ચર્ચામાં છે. ત્યાં દિવસેને દિવસે મોટા ઉઠામણાની ફરિયાદો સામે આવતા ગુજરાતમાં રોકાણ કરનારા લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે.
સુરત/ગુજરાત : દિવાળી બાદ સુરતનો હીરા બજાર માંડ ખૂલ્યો છે, ત્યાં એક સમાચારને કારણે આખા હીરા બજારમાં સળવળાટ થઈ ગયો છે. વેપારીઓ દોડતા થઈ ગયા છે. દિવાળી વેકેશન બાદ હીરા બજાર ખૂલતા જ દૂબઈમાં હીરાનો વેપાર કરનાર જૈન વેપારી 35 કરારનું ઉઠામણુ કરી ગયો છે. આ સમાચાર સુરતમાં વાયુવેગે ફેલાઈ જતા લેણદારો દોડતા થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ગુજરાતી એવા જીગા નામથી ઓળખાતા વેપારીએ 35 કરોડનું ઉઠામણુ કર્યું હોવાનું સામે આવ્યું છે. દુબઈમાં ભાગીદાર સાથે કામ કરતા મૂળ ડીસાના વતની એવા ઉઠમણું કરનાર તથા જીગીના નામથી ઓળખાતા વેપારી વર્ષોથી દુબઈ ખાતે ફડચામાં ગયેલી હીરાઉદ્યોગની એક જાણીતી કંપનીમાં કામ કરતો હતો. જોકે ફડચામાં ગયેલી કંપનીમાંથી અલગ થઈને ડીસાના વેપારીએ પોતાનો અલગ પોલિશ્ડ ડાયમંડનો વેપાર શરૂ કરી નવી કંપની બનાવી હતી. આ વેપારીએ રૂ.35 કરોડથી વધુમાં ઉઠમણું કરી નાખ્યું હોવાની ચર્ચાને કારણે ખાસ કરીને સુરતના વેપારીઓમાં દોડધામ મચી છે. આ વેપારી સુરત અને મુંબઈના વેપારી પાસેથી હીરા ખરીદતો હતો. ત્યારે આ સમાચાર બપોર બાદ હીરા બજારમાં ફેલાઈ જતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
ઉલ્લેખનીય છે કે, હાલ ગુજરાતમાં વિનય શાહના કૌભાંડનો કિસ્સો ચર્ચામાં છે. ત્યાં દિવસેને દિવસે મોટા ઉઠામણાની ફરિયાદો સામે આવતા ગુજરાતમાં રોકાણ કરનારા લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે.