રાજકોટ: રંગીલું રાજકોટ હવે નશીલા દ્રવ્યોના કાળા કારોબારમાં ડુબતું હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં 3 દિવસમાં બીજ વખત નશીલા દ્રવ્યોનો જંગી જથ્થો રાજકોટ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. જંગલેશ્વર વિસ્તારમાં ચાલતા નશાના કાળા કોરબાર સામે પોલીસે લાલ આંખ કરી છે. રાજકોટ SOG પોલીસે ગઇકાલે ‘બ્લેક હોક’ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમાં પોલીસને સફળતા મળી હતી. પોલીસે ગાંધી સોસાયટીમાં સાવરણીની દુકાનની આડમાં ગાંજાનું વેપાર કરતા પતિ-પત્ની સહીત 4 લોકોને ઝડપી પાડ્યા છે. પોલીસે રેડ દરમિયાન 357 કિલો ગાંજાને જથ્થો, દેશી બનાવટની પિસ્ટલ, બે જીવતા કાર્ટીસ તેમજ 1 લાખ 75 હજારની રોકડની સાથે પોલીસે બે કાર કબ્જે કરી છે. પોલીસે એન.ડી.પી.સેસની કલમ 8(સી), 21 તથા 29 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મદીનાનો પરિવાર નશાનો કાળો કારોબાર ચલાવતા હોવાની પોલીસને શંકા


પોલીસના જણાવ્યા મુજબ આરોપી મદીનાની માતા અમીના થોડા દિવસ પહેલા રાજકોટ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં 1 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપાઇ હતી. મદીના તેનો પતિ, પુત્ર અને પુત્રી તમામ લોકો નશાનો કાળો કારોબાર ચાલાવતા હતા. મદીનાનો પુત્ર થોડા દિવસ પહેલા મોરબી પોલીસના હાથે 9 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપાઇ ચુક્યો હતો. જે હાલ જામનગર જેલમાં સજા ભોગવી રહ્યો છે. ત્યારે પોલીસ ટ્રાન્સફર વોરંટના આધારે મદીનાના પુત્રનો પણ જેલમાંથી કબ્જો મળેવી વધુ પૂછપરછ હાથ ધરશે. છેલ્લા ઘણા સમયથી મદીના અને તેના પરિવાર નશાનો કાળો કારોબાર ચલાવતા હોવાની પોલીસને શંકા હતી. ત્યારે નશાના કાળોબાર ચલાવી તેના આધારે કોઇ મિલકત ખરીદ કરવામાં આવી છે કે કેમ તે દિશા તરફ પણ તાપસ કરશે.


ક્યાંથી આવતો ગાંજો અને કોને આપવામાં આવતો?


રાજકોટ પોલીસે આરોપી મદીના અને તેના પતિની પ્રાથમિક પૂછપરછ કરતા આરોપીએ કબુલાત કરી હતી કે આ ગાંજાનો જથ્થો ઓરિસાથી સુરત લાવવામાં આવે છે અને ત્યાંથી તેઓ રાજકોટ વાહન મારફતે લઇને આવતા હતા. આરોપી ગાંજાનો 1 કિલો જથ્થો 3 હજાર રૂપિયા કિંમતથી ખરીદી કરી રાજકોટ તેમજ આસપાસના વિસ્તારમાં છુટો વેપાર કરી 1 કિલોના 8 હજાર રૂપિયા મેળવતા હતા. આટલી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપાતા રાજકોટ પોલીસ પણ ચોકી ઉઠી હતી અને તેનું નેટવર્ક ક્યાં સુધી સીમિત છે. તે અંગે તપાસ હાથ ધરી છે. સાથે જ મદીનાની પાસેથી ખરીદ કરતા તેની નીચેના નાના સોદાગરોને પકડી પાડવા તપાસ હાથ ધરશે.


આ અગાઉ 8 કિલો અને 200 ગ્રામ ચરસના જથ્થા સાથે 4 આરોપીને ઝડપી


નાર્કોટિસ બ્યુરોએ આપેલ બાતમી ના આધારે રાજકોટ પોલીસે જંગલેશ્વર વિસ્તારમાંથી 8 કિલો અને 200 ગ્રામ ચરસના જથ્થા સાથે 4 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા. ચરસની રેડ ના બે દિવસ બાદ ગઈકાલે એ જ વિસ્તારમાંથી પોલીસે ઓપરેશન બ્લેક હોક કરી 357 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. ત્યારે રંગીલા રાજકોટના જંગલેશ્વર વિસ્તાર કેફી પદાર્થના કાળા કારોબાર માટેનું કેન્દ્ર સ્થાન બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે શું આવતા દિવસોમાં પોલીસ દ્વારા કરવામાં આવેલ ઓપરેશન બ્લેક હોકના આરોપીના સમગ્ર નેટવર્કને બંધ કરી શકશે કે પછી નશાના નાના સોદાગરો પોતાનો કાળો કારોબાર ચાલુ રાખશે તે જોવું રહ્યું છે.