• ઇન્જેક્શનની અછતનો લાભ ઉઠાવી લેભાગુ તત્વો સક્રિય થયા

  • મૂળ કિંમત થી 15 થી 20 ગણો ભાવ કરતા હતા વસુલ

  • SOG પીઆઇ રોહિત રાવલ અને ટીમને મોટી સફળતા

  • ખાનગી હોસ્પિટલોમાંથી મોટાપાયે કાળા બજારી કરતા હતા 


ગૌરવ દવે/રાજકોટ :કોરોનાની બીજી લહેરમાં મ્યુકરમાઇકોસિસના કેસમાં વધારો થયો છે. મ્યુકરમાઇકોસિસના ઇન્જેક્શનની અછતનો લાભ લઇ લેભાગુ તત્વો સક્રિય થયા છે. રાજકોટમાં ઇન્જેક્શનની કાળા બજારી થતી હોવાની માહિતી આધારે સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપે ચાર શખ્સોની અટકાયત કરી હતી. જેની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. જેમાં ખાનગી હોસ્પિટલો સાથે જોડાયેલા લોકો જ કાળાબજારી કરી 15 થી 20 ગણો ઉંચો ભાવ વસુલ કરતા હોવાનું સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલને માહિતી મળી હતી કે, મ્યુકરમાઇકોસિસના ઇન્જેક્શનની અછતનો લાભ લઈને લેભાગુ તત્વો દર્દીઓના પરિવારજનો પાસેથી ઊંચી કિંમત વસુલ કરી રહ્યા છે. જેને આધારે રાજકોટ SOG પી.આઈ રોહિત રાવલને તપાસ કરવા આદેશ કર્યા હતા. અલગ-અલગ ટીમો બનાવી ખાનગી હોસ્પિટલો અને મેડિકલ સ્ટોરમાં ઇન્જેક્શન લેવા માટે ડમી માણસો મોકલવામાં આવ્યા હતા. જેમાં 4 શખ્સોએ ઉંચા ભાવ વસૂલી ઇન્જેક્શન આપ્યા હોવાથી અટકાયત કરી તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, એમફેટેરિસીન બી સહિતના ઇન્જેક્શનની મૂળ કિંમત કરતા 15 થી 20 ગણો ભાવ વસુલ કરવામાં આવતો હતો. જે ઇન્જેક્શન 300 રૂપિયાનું મળતું હોય તેના 4500 રૂપિયા વસુલ કરવામાં આવતા હતા. હાલ તમામ શખ્સોની અટકાયત કરી પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે.


રેમડેસિવિર બાદ મ્યુકરમાઇકોસિસના ઇન્જેક્શનની કાળા બજારી


કોરોનામાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછત સર્જાતા કાળા બજારી સામે આવી હતી. જોકે હવે મ્યુકરમાઇકોસિસના કેસ વધતા તેના ઇન્જેક્શનની પણ અછત સર્જાઈ છે. ભલે જિલ્લા કલે્કટર તરફથી મધ્યસ્થ કેન્દ્ર બનાવવામાં આવ્યું હોય. પણ ખાનગી હોસ્પિટલો દર્દીઓના પરિવારજનો પાસે ઇન્જેક્શન લઈ આવવા માટે પ્રિસ્ક્રિપ્શન લખી આપે છે. જેને કારણે લેભાગુ તત્વો બેફામ બન્યા છે અને કાળા બજારી કરી રહ્યા છે. 


ખાનગી હોસ્પિટલોના સ્ટાફની સંડોવણી


ખાનગી હોસ્પિટલો દ્વારા મ્યુકરમાઇકોસિસના દર્દીઓ માટે જિલ્લા વહીવટી તંત્ર પાસેથી ઇન્જેક્શન ખરીદી લે છે. જોકે દર્દીને જરૂરિયાત ન હોઈ તેવા ઇન્જેક્શન ખાનગી હોસ્પિટલો સાથે જોડાયેલો સ્ટાફ અને લોકો બજારમાં કાળા બજારી કરી ઊંચા ભાવે જરૂરિયાત મંદ લોકોને વેચી રહ્યા છે. પોલીસે અટકાયત કરેલા શખ્સો પૈકી મોટાભાગના લોકો હોસ્પિટલો સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. 


મોટા માથાઓના નામ પણ ખુલી શકે છે


પોલીસ સૂત્રોના કહેવા મુજબ, આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો અનેક ખાનગી હોસ્પિટલોના મોટા માથાઓના નામ ખુલી શકે છે. આ કેસમાં પોલીસને મુક્ત હાથે તપાસ કરવા દેવામાં આવે તો ગુજરાતનું સૌથી મોટું ઇન્જેક્શન કાળા બજારીના કૌભાંડનો પર્દાફાશ થઈ શકે છે. સાથે જ રાજકીય દબાણ પોલીસ ઉપર ન કરવામાં આવે તો અનેક ડોકટરોની પણ સંડોવણી સામે આવે તેવું પોલીસ બેડામાં ચર્ચાએ જોર પકડ્યું છે.