ધવલ પરીખ/નવસારી: નવસારી વિજલપોર શહેર અને તેની આસપાસના રસ્તાઓ ઉપર રાત્રિના સમયે એકલ દોકલ જતા વાહન ચાલકો કે રાહદારીઓને અટકાવી, તેમને છરો બતાવીને લૂંટ ચલાવતી ટોળકીના 4 લુંટારૂઓને નવસારી LCB પોલીસે દબોચી પાડયા હતા. સાથે જ પોલીસે લૂટેલા મોબાઈલ, દાગીના અને રોકડ પણ કબ્જે કરી ત્રણ લૂટનો ભેદ ખોલી નાંખ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાત્રિના અંધારમાં લોકોને લૂંટવાની ઘટનાઓ વધી
નવસારી વિજલપોર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા થોડા સમયથી રાત્રિના અંધારમાં લોકોને લૂટવાની ઘટનાઓ સામે આવી હતી. જેની સાથે જ શહેરના અલગ અલગ વિસ્તારોમાં બાઈક પર આવેલા લૂટારૂઓ મોબાઈલ ઝુંટવીને ભાગી ગયા હોવાની ફરિયાદો પણ ઉઠી હતી. ત્યારે નવસારીના પોલીસ મથકો સહિત નવસારી LCB પોલીસ પણ સક્રિય થઈ હતી. જેમાં LCB દ્વારા સીસીટીવી કેમેરાના ફૂટેજ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી લુટારૂઓનું પગેરું શોધવા કસરત કરવામાં આવી હતી.


ચારેય આરોપીઓએ લૂંટ કરતા હોવાની કબૂલાત
પોલીસને સફળતા મળી અને બાતમી મળી હતી કે નવસારીના તીઘરા વિસ્તારમાં આવેલા 7/11 પેટ્રોલ પંપ પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં લોકોને લૂટતી ટોળકીના કેટલાક સભ્યો લૂટના ઇરાદે ઉભા છે. જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા નંબર પ્લેટ વગરની બાઈક સાથે ઉભેલા સુરતના ડિંડોલી, સેવન હાઇટ્સમાં રહેતા 22 વર્ષીય રવિ ગોરાવા તેમજ નવસારીના તીઘરા નવી વસાહતમાં રહેતા અને ડ્રાઈવર 24 વર્ષીય સલમાન ઉર્ફે સલ્લુ પઠાણ તેમજ 25 વર્ષીય મુજાહીદ ખાન જ્યારે નવસારીની અગ્રવાલ કોલેજમાં સફાઈ કામદાર તરીકે કામ કરતા અને શહેરના છાપરા રોડ ખાતે ટેકનિકલ હાઇસ્કૂલ સામે રહેતા સોહિલ ઉર્ફે કાલુ શાને દબોચી લીધા હતા. પોલીસની કડક પૂછપરછમાં ચારેય આરોપીઓએ લૂંટ કરતા હોવાની કબૂલાત કરતાં પોલીસે ચારેયની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.


ક્યાં ક્યા થઈ લૂંટ
નવસારી LCB પોલીસને હાથે ઝડપાયેલા ચારેય લુંટારૂઓએ ગત 3 નવેમ્બરની રાતે શહેરના કેવલ્યા ધામ ખાતેથી ગાંધી ફાટક જતા માર્ગ પર આંબાવાડી પાસે એક લારીવાળાને અટકાવી તેના ગળે મોટો છરો મૂકીને મોબાઈલ અને રોકડ મળી 7 હજારની લૂટ હલાવી હતી. જ્યારે 14 નવેમ્બરના રાતે દાંતેજ નહેર પાસે એક દંપતીને અટકાવી તેમના ગળે પણ રેમ્બો છરો મૂકીને સોનાની ચેઇન અને બે મોબાઈલ મળીને 86 હજારની લૂટ તેમજ શહેરના ઇસ્કોન મંદિર પાસે ફટાકડા ફોડતા છોકરાઓના હાથમાંથી 5 હજારનો મોબાઈલ ઝૂંટવી ફરાર થયા હતા. 


ચારેય લોટારૂઓમાંથી ત્રણ ગુનાહિત ઇતિહાસ
ચારેય લોટારૂઓમાંથી ત્રણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં રવિ ગોરવા રીઢો ગુનેગાર છે. પોલીસ પકડમાં આવતા જ આરોપીઓ પાસેથી પોલીસે 90 હજારના 8 મોબાઈલ ફોન, 48 હજારની એક સોનાની ચેઇન, 85 હજારની બાઈક અને 100 રૂપિયાનો રેમ્બો છરો મળી કુલ 2.20 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી, પોલીસે તમામના રિમાન્ડ મેળવી અન્ય ગુનાઓમાં શામેલ છે કે કેમ એની તપાસ આરંભી છે.