ઝી  બ્યુરો, સુરત: નવા વર્ષે સુરતથી માઠા સમાચાર આવ્યા છે. અહીં પલસાણા-કડોદરા રોડ પર રાજહંસ ટેક્ષ નામની મિલમાં ટાંકી સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકોના ગૂંગળાઈ જવાના કારણે કરુણ મોત નિપજ્યા છે. હાલ કામરેજ ઈઆરસી ફાયર અને બારડોલી ફાયર વિભાગના કર્મીઓ ઘટનાસ્થળે છે. ટાંકીમાંથી મૃતદેહો બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ આજે બેસતા વર્ષના દિવસે જ આ દુ:ખદ ઘટના ઘટી. પલસાણા-કડોદરા રોડ પર આવેલી રાજહંસ ટેક્ષ નામની આ મિલમાં આજે ચાર જેટલા શ્રમિકો સફાઈકાર્ય માટે ઉતર્યા હતા. આ ટાંકી અંદાજે 20થી 25 ફૂટ ઊંડી હોવાનું કહેવાય છે. તે દરમિયાન તેમને ગૂંગળામણ થઈ. કામરેજ ઈઆરસી ફાયર અને બારડોલી ફાયર વિભાગની ટીમો તરત ઘટનાસ્થળે પહોંચી હતી. 


શ્રમિકોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા અને તપાસ કરતા તેમના મોત નિપજ્યા હતાં. આ બનાવના પગલે હાલ તો સુરત જિલ્લા વહીવટી તંત્ર દોડતું થયું છે. 


મૃતકોમાં પિતા પુત્ર સામેલ
છેલ્લે મળતી માહિતી મુજબ ચારેય મૃતદેહો ટાંકીમાંથી બહાર કાઢી લેવાયા છે. બ્રિથીંગ ઓપરેટિંગ સિસ્ટમ સાથે ફાયર વિભાગ ટાંકીમાં ઉતર્યું હતું. ચાર ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. રાજહંસ ટેક્ષ પાર્કની કિરણ ઇન્ડસ્ટ્રીઝમાં આ ગોઝારી ઘટના ઘટી. આ કંપનીમાં કપડાં ડાઈગ કરવામાં આવે છે. ચાર મૃતક પૈકી બે પિતા પુત્ર હોવાનું સામે આવ્યું છે. ચારેય લોકો બિહારના વતની છે.  ચારેયના મૃતદેહ પી.એમ અર્થે ખસેડાયા છે.