Corona સંક્રમણ અટકાવવા 47 ગામડાઓએ કરી સ્વૈચ્છિક લૉકડાઉનની જાહેરાત
કોરોના સંક્રમણ અટકાવવા માટે સરકારે લૉકડાઉન લાગૂ કરવાની ના પાડ્યા બાદ હવે લોકો સ્વૈચ્છિક પ્રતિબંધો લગાવી રહ્યાં છે. આ કડીમાં સાણંદ અને બાવળા તાલુકાના ગામોએ લૉકડાઉનની જાહેરાત કરી છે.
ગૌરવ પટેલ/અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. દરરોજ નવા કેસ અને મૃત્યુઆંક રેકોર્ડ બનાવી રહ્યાં છે. રાજ્યમાં ગઈકાલે છેલ્લા 24 કલાકમાં 12553 નવા કેસ નોંધાયા હતા તો 125 લોકોના મૃત્યુ થયા હતા. એક તરફ કેસ વધી રહ્યાં છે તો બીજીતરફ હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન અને દવાઓની અછત સર્જાઈ રહી છે. રાજ્ય સરકાર સ્પષ્ટ કરી ચુકી છે કે તે લૉકડાઉનના મૂડમાં નથી. પરંતુ હવે કોરોનાથી બચવા માટે નાના-નાના ગામડાઓ સ્વૈચ્છિક લૉકડાઉનનો સહારો લઈ રહ્યાં છે.
સાણંદ તાલુકાના 41 ગામોએ સ્વૈચ્છિક લૉકડાઉનની કરી જાહેરાત
કોરોનાનો નવો સ્ટ્રેન ખુબ જ ખતરનાક બન્યો છે. રાજ્યમાં કેસ સતત વધી રહ્યાં છે તો હવે ગામડાઓમાં પણ કોરોનાએ પગપેસારો કરી લીધો છે. ગ્રામ્ય લોકો સંક્રમણથી બચવા માટે નિયમો બનાવી રહ્યાં છે. ગામ લોકો મળીને કર્ફ્યૂ અને લૉકડાઉન લગાવી રહ્યાં છે. હવે સાણંદ તાલુકાના 41 ગામોએ મળીને સ્વૈચ્છિક લૉકડાઉનનો નિર્ણય કર્યો છે. આ ગામોમાં સવારે છથી 10 અને સાંજે 5થી 8 વાગ્યા સુધી જીવન જરૂરીયાતોની દુકાનો ચાલુ રહેશે. 30 એપ્રિલ સુધી આ નિયમ લાગૂ રહેશે. ગ્રામ પંચાયતે આ જાહેરાત કરી છે. જીવન જરૂરીયાત સિવાયની તમામ વસ્તુઓ અને સેવાઓ બંધ રાખવામાં આવશે.
આ પણ વાંચોઃ પાડોશી રાજ્યમાં પહોંચેલો ટ્રિપલ મ્યુટેશન સ્ટ્રેઈન ગુજરાત આવશે તો બધું વેરવિખેર થઈ જશે
બાવળા તાલુકાના ગામો પણ જોડાયા
મહત્વનું છે કે અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણ અટકાવવા માટે ગામ લોકો આગળ આવ્યા છે. બાવળા તાલુકાના છ ગામોએ પણ સ્વૈચ્છિક લૉકડાઉનની જાહેરાત કરી છે. 30 એપ્રિલ સુધી આ લૉકડાઉન અમલમાં રહેશે. તો કેટલાક ગામડાઓએ નિયમનો ભંગ કરનારને 1 હજાર રૂપિયાનો દંડ ફટકારવાનો પણ નિર્ણય લીધો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube