ચેતી જજો, રાજ્યમાં કોરોના વિસ્ફોટ, છ મહિના બાદ નોંધાયા સૌથી વધુ કેસ
ગુજરાતમાં હવે કોરોનાનો કહેર શરૂ થઈ ગયો છે. ઓમિક્રોનની સાથે નવા કેસમાં મોટી સંખ્યામાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં હવે કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ હોય તેવા સંકેતો મળી રહ્યાં છે. રાજ્યમાં છ મહિના બાદ કોરોના વાયરસના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 548 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 1 દર્દીનું નિધન થયું છે તો 65 લોકો સાજા થયા છે. નવા કેસ બાદ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 8 લાખ 30 હજાર 505 થઈ ગઈ છે, જ્યારે કોરોનાને લીધે 10116 લોકોના મોત થયા છે તો સારવાર બાદ 8,18,487 લોકો સાજા થયા છે.
ગુજરાતમાં નોંધાયેલા કેસની વિગત
ગુજરાતમાં આજે સૌથી વધુ 265 કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. તો સુરત શહેરમાં 72, વડોદરા શહેરમાં 34, આણંદમાં 23, ખેડા 21, રાજકોટ શહેર 20, અમદાવાદ ગ્રામ્ય 13, કચ્છ 13, વલસાડ 9, સુરત ગ્રામ્ય 8, મોરબી 7, નવસારી 7, રાજકોટ ગ્રામ્ય 7, ભરૂચ 6, ગાંધીનગર 6, ભાવનગર શહેર 5, વડોદરા ગ્રામ્ય 5, મહીસાગર, મહેસાણા, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં 3-3, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર શહેર, જામનગર ગ્રામ્યમાં બે-બે, અમરેલી, ભાવનગર ગ્રામ્ય, નર્મદા અને પંચમહાલમાં એક-એક કેસ સામે આવ્યો છે. તો પોરપંબરમાં એકનું મોત થયું છે.
રાજ્યમાં ઓમિક્રોનના 19 નવા કેસ
કોરોનાની સાથે રાજ્યમાં ઓમિક્રોનના નવા 19 કેસ સામે આવ્યા છે. આ સાથે રાજ્યમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 97 થઈ ગઈ છે. જેમાંથી 41 લોકો સાજા થઈ ગયા છે. અમદાવાદમાં ઓમિક્રોનના નવા 8, વડોદરામાં 3, સુરતમાં 6 અને આણંદમાં 2 કેસ સામે આવ્યો છે.
રાજ્યમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 1902 થઈ ગયા છે, જેમાં 11 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10116 લોકોના મોત થયા છે. જ્યારે સારવાર બાદ 818487 લોકો સાજા થયા છે. રાજ્યનો રિકવરી રેટ 98.55 ટકા છે. રાજ્યમાં આજે કોરોના વેક્સીનના 1 લાખ 94 હજાર 376 ડોઝ આપવામાં આવ્યા છે. આમ રાજ્યમાં અત્યાર સુધી 8 કરોડ 88 લાખ 20 હજાર 452 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube