• આ મૃતદેહો પણ વાવાઝોડા વખતે બોમ્બે હાઈ નજીક થયેલી બાર્જ દુર્ઘટનામાં લાપતા થયેલા ક્રૂ મેમ્બરોના હોય તેવી શક્યતા વધારે છે

  • પોલીસે વાવાઝોડા વખતે કે આ દિવસો દરમિયાન જિલ્લામાંથી કોઈ લોકો લાપતા છે કે કેમ એ અંગે પણ તપાસ હાથ ધરી


ઉમેશ પટેલ/વલસાડ :વલસાડ જિલ્લાના દરિયાકિનારે મૃતદેહો મળવાનો સિલસિલો આજે પણ યથાવત રહ્યો છે. ગઈકાલે વલસાડના નજીક તિથલ અને આસપાસના અન્ય દરિયા કિનારે એક સાથે 4 મૃતદેહો મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી. ત્યારે આજે વધુ 2 મૃતદેહો મળી આવ્યા છે. વલસાડના તિથલ નજીક સાઈબાબા મંદિરના દરિયા કિનારે મળી આવ્યા હતા. 


આ પણ વાંચો : ગુજરાત પોલીસમાં ભરતી કરાવવાનું કૌભાંડ પકડાયું, 48 યુવકોને કોલ લેટર આપી ટોળકીએ કરોડો ખંખેર્યાં 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગઈકાલે 4 અને આજે 2 મૃતદેહો મળ્યા હતા 
વલસાડના નજીક તિથલ અને આસપાસના અન્ય  દરિયા કિનારે એક સાથે 4 મૃતદેહો મળી આવ્યા હતા. તિથલના દરિયા કિનારે કુલ 3 મૃતદેહો મળી આવ્યા હતા. જેમાંથી બે મૃતદેહો લાઈફ જેકેટ સાથે અને એક લાઈફ જેકેટ વિના મળ્યા હતા. સ્થાનિક લોકોએ મૃતદેહોને જોતા પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ રાજદીપ સિંહ ઝાલાને થતા જિલ્લા પોલીસ  સહિત જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તિથલના દરિયા કિનારે દોડી આવ્યો હતો.  મૃતદેહો અંગે તપાસ હાથ ધરી હતી. તિથલના દરિયા કિનારા પર મળેલા આ 3 મૃતદેહોની તપાસ ચાલી રહી હતી એ વખતે ગઈકાલે ફરી પાછો પોલીસને મેસેજ મળ્યો હતો કે વલસાડના ડુંગરી ગામ નજીક પણ દરિયા કિનારે વધુ એક મૃતદેહ મળી આવ્યો છે. વલસાડ જિલ્લાના દરિયા કિનારે કુલ 4 મૃતદેહો મળી આવતા પોલીસ દોડતી થઇ હતી. અને દરિયાના પટમાં 500 મીટરના અંતરે મળી આવેલા આ ચારેય મૃતદેહોનો કબજો લઇ પોસ્ટમોર્ટમ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આજે પણ વધુ બે મૃતદેહો મળતાં વલસાડ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. 


મુંબઈના જહાજમાં ડૂબેલા લોકોના મૃતદેહો હોવાની શંકા
જોકે  પ્રાથમિક તપાસમાં મનાઈ રહ્યું છે કે, વાવાઝોડા વખતે મુંબઈ ઓએનજીસી નજીક બોમ્બે હાઈ પર એક બાર્જ વાવાઝોડાનો શિકાર બન્યું હતું. એ  ઘટનામાં લાપતા થયેલા લોકોના મૃત્યુ હોય તેવું લાગી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે, આ મૃતદેહો પણ વાવાઝોડા વખતે બોમ્બે હાઈ નજીક થયેલી બાર્જ દુર્ઘટનામાં લાપતા થયેલા ક્રૂ મેમ્બરોના હોય તેવી શક્યતા વધારે છે. આથી વલસાડ જિલ્લા પોલીસ આ મામલે મહારાષ્ટ્ર પોલીસનો સંપર્ક કર્યો છે અને તે બાબતે પણ તપાસ હાથ ધરી છે. 



આમ વલસાડ જિલ્લામાં દરિયા કિનારેથી સતત બે દિવસથી મૃતદેહો મળી રહ્યા છે. આથી વલસાડ જિલ્લાના દરિયા કિનારા વિસ્તારમાં વલસાડ પોલીસે શોધખોળ હાથ ધરી છે. આમ છેલ્લા બે દિવસમાં વલસાડ જિલ્લાના દરિયાકિનારાથી અત્યાર સુધી 6 મૃતદેહો મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે.


વલસાડ જિલ્લા પોલીસે મુંબઈ જહાજની દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. જોકે પોલીસે વાવાઝોડા વખતે કે આ દિવસો દરમિયાન જિલ્લામાંથી કોઈ લોકો લાપતા છે કે કેમ એ અંગે પણ તપાસ હાથ ધરી છે. જોકે લાઈફ જેકેટ સહિતના મૃતદેહોને જોતા બોમ્બે હાઈમાં બાર્જ દુર્ઘટનામાં લાપતા લોકોના મૃતદેહો હોય તેની શક્યતા વધુ જોવાઈ રહી છે. આથી વલસાડ જિલ્લા પોલીસે એ બાબતે પણ સંબંધિત વિભાગને સંપર્ક કરી અને તપાસ હાથ ધરી છે. સાથે જ જિલ્લા પોલિસ દ્વારા દરિયા કિનારાના વિસ્તારોમાં ગામ જનોની મદદ લઇ વધુ તપાસ હાથ ધરી છે કે કોઈ અન્ય મૃતદેહો તણાઈને બહાર આવ્યા છે કે કેમ.