રાહુલ ગાંધીના આગમન પહેલા જ કોંગ્રેસમાં ભંગાણ, પરેશ ધાનાણીના ગઢમાં પડ્યું ગાબડું
વિપક્ષના નેતા પરેશ ધાનાણીની રાજનીતિથી નારાજ થયેલા 6 સભ્યોએ રાજીનામાં આપ્યાં છે. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી ટૂંક સમયમાં ગુજરાતની મુલાકાતે આવવાના છે.
કેતન બગડા, અમરેલી: લોકસભાની ચૂંટણી ઢૂંકડી છે. ચૂંટણી પહેલા રોજ નીતનવું જોવા મળી રહ્યું છે. આ પક્ષના નેતા પેલા પક્ષમાં અને પેલા પક્ષના નેતા આ પક્ષમાં. પક્ષપલટાએ માજા મૂકી છે. એવામાં કોંગ્રેસ માટે એક માઠા સમાચાર આવી રહ્યાં છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢમાં ફરી ગાબડું પડતા મુશ્કેલી ઊભી થઈ છે. અમરેલી તાલુકા પંચાયતના 6 સભ્યોએ રાજીનામા આપ્યાં છે.
મળતી માહિતી મુજબ વિપક્ષના નેતા પરેશ ધાનાણીની રાજનીતિથી નારાજ થયેલા 6 સભ્યોએ રાજીનામાં આપ્યાં છે. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી ટૂંક સમયમાં ગુજરાતની મુલાકાતે આવવાના છે. તેમની મુલાકાત પહેલા જ કોંગ્રેસમાં આ પ્રકારના ભંગાણથી ચિંતાનો માહોલ પેદા થયો છે.
જે સભ્યોએ નારાજ થઈને રાજીનામા આપ્યાં છે તેમના નામ આ પ્રમાણે છે....
1-અરવિંદ કાછડીયા
2-વિશાલ માંગરોળીયા
3-હરેશ ભાસ્કર
4-કંચનબેન દેસાઈ
5-લાભુબેન રાખોલીયા
6-વિજયાબેન સોલંકી
રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તારીખ 16 જુલાઈના રોજ ગુજરાતના ભાવનગર ખાતે આવશે. બાંડી પડવા ખાતે ખેડૂતો સાથે સંવાદ કરશે અને મથાળા બંધારા ખેડૂતોનું સન્માન કશે. ત્યારબાદ પીપાવાવ ખાતે જહાજ તોડતા મંદિરોની મુલાકાત કરીને સમસ્યાઓ જાણશે. સાંજે જંગલ વિસ્તારના એક ખાનગી રિસોર્ટમાં રોકાણ કરશે. રાત્રે કોંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક કરવાના છે. તથા બીજા દિવસે એટલે કે 17 તારીખે આંબરડી પાર્ક ખાતે સિંહ દર્શન કરશે. ત્યારબાદ બપોરે 2 વાગે દિલ્હી જવા રવાના થઈ જવાના છે.