વડોદરામાં બનાવી 60 ફૂટ લાંબી અને 10 ફૂટ ઊંચી સંસ્કૃત દિવાલ
સંસ્કૃત દિવાલ પર આદ્ય શંકરાચાર્ય દ્વારા થયેલ ધર્મજાગરણ અને હવે આધુનિક સમયમાં લોકજાગરણનો સમય આવી ગયો છે તે પ્રકારનો વિચાર પણ રજૂ કરવામાં આવ્યો છે.
તૃષાર પટેલ/ વડોદરા: સંસ્કૃતને ભારતીય સંસ્કૃતિની અતિ પૌરાણિક અને દેવ ભાષા તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વ અને દેશમાં સંસ્કૃત ભાષાનો પ્રચાર પ્રસાર થાય એ માટે શહેરના અકોટા વિસ્તારમાં સંસ્કૃત દીવાલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ દીવાલ 60 ફૂટ લાંબી અને 10 ફૂટ ઊંચી છે. દીવાલ પર સંસ્કૃત ભાષાની ઉત્પત્તિથી લઈને હાલના સમયમાં કેવી રીતે તેને લોકો સુધી લઈ જઇ શકાય તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
સંસ્કૃત ભાષાને દેવવાણી, વેદવાણી કહીને બિરદાવવામાં આવી છે. આ ભાષા એ માત્ર વિદ્વાનોની જ ભાષા બની રહી છે, પણ એને જનસમાન્ય સુધી લઈ જવી હોય તો લોકભોગ્ય માર્ગ પસંદ કરવો જોઈએ. ટ્રાફિક જાગૃતિ, સ્વચ્છતા જાગૃતિ માટેની વોલ બને છે તો સંસ્કૃતભાષા કે જે પહેલા અમૃતભાષા હતી તેને આજના યુગમાં 'માતૃભાષા' તરીકે ઘોષિત કરી છે. તેની પુનઃ સ્થાપના માટે રાષ્ટ્રીય ઇચ્છાશક્તિ જાગૃત થાય એ હેતુથી સંસ્કૃત દિવાલ રચવાનો વિચાર શહેરમાં કાર્યરત સંસ્કૃત ભારતી નામની સંસ્થાએ કર્યો હતો.
આ વિચારને વ્યક્ત કરવા માટે અકોટા વિસ્તારમાં 60 ફૂટ લાંબી અને 10 ફૂટ ઊંચી દીવાલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સંસ્કૃત દીવાલ પર અનાદિકાળથી સૃષ્ટિની ઉત્પત્તિ સાથે જ વેદવાણીનો ઉદય થયો. એ પછી ઉપનિષદ્ કાળ, પુરાણકાળ, જગતમાન્ય હિન્દુધર્મગ્રંથ શ્રીમદ્ ભગવદ્દ ગીતા અને સંસ્કૃત લલિત સાહિત્યમાં કાલિદાસનું અભિજ્ઞાન શાકુંતલ કે જે અતિ લોકપ્રિય છે. તેવા ચિત્રો દોરવામાં આવ્યાં છે.
સંસ્કૃત દિવાલ પર આદ્ય શંકરાચાર્ય દ્વારા થયેલ ધર્મજાગરણ અને હવે આધુનિક સમયમાં લોકજાગરણનો સમય આવી ગયો છે તે પ્રકારનો વિચાર પણ રજૂ કરવામાં આવ્યો છે. આજે એ પ્રયાસ માત્ર શિક્ષક વિદ્યાર્થીઓ થકી કરી શકે છે અને એ વિદ્યાર્થી મોટા થઈ સંસ્કૃતભાષાનો ઘોષયાત્રા દ્વારા પ્રચાર કરે તો આગામી સમયમાં સંસ્કૃત ભાષાનો પ્રચાર અને પ્રસાર થઈ શકશે. સંસ્કૃત દિવાલ પર વિવિધ ઉદ્દેશ્ય સાથેના ૧૦ ચિત્રો બનાવાયા છે જેનાં શીર્ષક અનુસાર એનાં સૂત્રાત્મક વાક્યો પણ લેવાયાં છે.
વડોદરાના સ્વપ્નદ્રષ્ટા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપતા તે જ માર્ગ અપનાવીને કલા દ્વારા ભારતીય સંસ્કૃતિનું ચિત્રાત્મક દર્શન કરાવતી આ સંસ્કૃત દિવાલ સંસ્કૃત ભારતી સંગઠન દ્વારા સંસ્કારનગરીના નગરજનોને લોકાર્પિત કરવામાં આવી છે. શહેરની અનેક શાળોઓના વિદ્યાર્થીઓ અને શહેરીજનો માટે આ સંસ્કૃત દીવાલ હાલ તો આકર્ષણનું કેન્દ્ર બની છે.