વડોદરાની હોટલ દર્શનમાં ગટર સાફ કરવા ઉતરેલા 7 મજૂરોના મોત, મકાન માલિક તરત ભાગી ગયો
વડોદરાના ડભોઈ પાસે આવેલી દર્શન હોટલમાં ગઈકાલે રાત્રે દુ:ખદ ઘટના બની છે. દર્શન હોટલનો ખાળકૂવો સાફ કરવા ઉતરેલા 7 લોકોના ઝેરી ગેસથી મોત થયા છે. આ ઘટના બાદ હોટલનો માલિક ફરાર થઈ ગયો છે.
રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરાના ડભોઈ પાસે આવેલી દર્શન હોટલમાં ગઈકાલે રાત્રે દુ:ખદ ઘટના બની છે. દર્શન હોટલનો ખાળકૂવો સાફ કરવા ઉતરેલા 7 લોકોના ઝેરી ગેસથી મોત થયા છે. આ ઘટના બાદ હોટલનો માલિક ફરાર થઈ ગયો છે.
વડોદરા જિલ્લાના ડભોઈના ફરતીકુઈ નજીક આવેલી દર્શન હોટેલમાં 7 લોકોના મોત થયા છે. ડભોઈની દર્શન હોટલનો ખારકૂવો સાફ કરવા માટે મજૂરો ઉતર્યા હતા, જેમનું મોત થયું છે. ઝેરી ગેસના કારણે મજૂરોના મોત થયા હોવાનું પ્રાથમિક તારણ લગાવવામાં આવી રહ્યું છે. રાતના દરમિયાન એક મજૂર ખાળકૂવો સાફ કરવા હોટલની ગટરમાં ઉતર્યો હતો, તે અંદર બેહોશ થયો હતો, અને તેને બચાવવા 6 મજૂરો અંદર ગયા હતા. પણ આ તમામના ઝેરી ગેસને કારણે મોત નિપજ્યા હતા. મૃતક મજૂરોમાંથી 3 મજૂરો હોટલમાં કામ કરતા હતા, જ્યારે અન્ય 4 મજૂરો ડભોઇના થુવાનાના રહેવાસી હોવાનું માલૂમ પડ્યું છે. ઘટનાને પગલે વડોદરા અને ડભોઇ ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચ્યું હતું, અને 6 કલાકની ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યા હતા.
મૃતકોના નામ
1. મહેશ મણીલાલ હરિજન
2. અશોક હરિજન
3. હિતેશ હરિજન
4. મહેશ પાટણવાડીયા
5. અજય વસાવા
6. વિજય ચૌધરી
7. સહદેવ વસાવા
ઘટનાની શરૂઆતમાં જ હોટલ માલિક હોટલ બંધ કરી ફરાર થઇ ગયો છે. એટલું જ નહિ, સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ ખાળકૂવો ગેરકાયદેસર છે, અને સ્થાનિકોએ આ મામલે તંત્રને ફરિયાદ પણ કરી છે. સ્થાનિકોના મતે કોઇ પગલા લેવામાં ન આવતા બેદારકારીને કારણે 7 મજૂરોના મોત થયા છે. આ ઘટના બાદ પોલીસ તંત્ર દોડતુ થયું હતું, તો સ્થાનિક સરપંચ પણ દોડી આવ્યા હતા.
મૃતક મજૂરના દીકરાએ ફરિયાદ નોંધાવી
7 મજૂરોના મોતનો મામલે મૃતક મહેશભાઈ પાટણવાડીયાના પુત્ર નિલેશ પાટણવાડીયાએ હોટલના માલિક હસન અબ્બાસ ઈસ્માઈલ સામે ડભોઈ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. હોટલના માલિક સામે 304 કલમ હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે.