મોરબી: જનતાનગરમાંથી સિરામિક એસોસિએશનના 7 વર્ષના પુત્રના અપહરણના મામલાએ ચકચાર મચાવી છે. જો કે પોલીસે આ અપહરણકર્તાઓને પકડી પાડ્યા છે. બે શખ્સોની હાલ પોલીસે ધરપકડ  કરી છે. અપહરણની આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. જેમાં બે યુવકો દેખાયા હતાં. પોલીસે રફાળેશ્વર પાસેથી આ અપહરણકર્તાઓને ઝડપ્યા હતાં. પોલીસની સતર્કતાથી બાળકનો છૂટકારો શક્ય બન્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ સિરામીક ઉદ્યોગપતિ અને એસોસિએશન પ્રમુખ નિલેશ જેતપરિયાના પુત્ર દેવનું આજે વહેલી સવારે અપહરણ કરવામાં આવ્યું હતું. બાળક શાળાએ જવા માટે મમ્મી સાથે બહાર ઊભો હતો. આ દરમિયાન બે અજાણ્યા યુવકો ત્યાં આવ્યા અને બાળકના કાકા સાગરની પૂછપરછ કરી. બાળકને તેડીને ઊભેલા મમ્મી કિરણબેને બાળકને નીચે મૂક્યો અને સાગરને બોલાવવા માટે બેલ વગાડવામાટે અંદર ગયાં ત્યાં ગણતરીની પળોમાં અજાણ્યા લોકો બાળકને ઉઠાવીને ભાગ્યા હતાં. પરિવારજનોએ તરત પોલીસને જાણ કરી અને પોલીસ એકદમ હરકતમાં આવી ગઈ. વિસ્તારની નાકાબંધી કરી દેવામાં આવી.



છેલ્લે મળતી માહિતી મુજબ મોરબીથી 12 જેટલા કિમી દૂર રફાળેશ્વર પાસેથી પોલીસે અપહરણકર્તાઓને પકડી લીધા છે અને બાળકને રિકવર કરી લીધુ છે. બાળકનું કયા કારણે અપહરણ કરાયું તે માહિતી મળી શકી નથી. પોલીસ હાલ અપહરણકર્તાઓને લઈને પોલીસ સ્ટેશન પહોંચી રહી છે. ત્યારબાદ સમગ્ર વિગતો મળી શકશે.