અમદાવાદ: રાજ્યભરમાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે. રાજ્યમાં અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. 23 જિલ્લાના 105 તાલુકામાં સામાન્યથી ભારે વરસાદ નોંધાયો છે. જેમાં વલસાડના ઉમરગામમાં સૌથી વધુ 24 કલાકમાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે. હજુ ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદ યથાવત્ રહેશે. જ્યારે 36 કલાકમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જે દરમિયાન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસશે. હવામાન વિભાગની આગાહીથી તંત્ર એલર્ટ બન્યુ છે. અને એનડીઆરએફની ટીમ કંટ્રોલ રૂમ સાથે સતત સંપર્કમાં છે. અમદાવાદમાં પણ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. અને ગઈકાલે પડેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યભરમાં મેઘમહેર: 26,27 જૂને પડી શકે છે ભારે વરસાદ, NDRFની ટીમોને સતર્ક રહેવા સૂચના


વલસાડ પંથક સહિત ઉમરગામ, કપરાડા અને પારડીમાં 24 કલાકમાં 2થી 8 ઇંચ જેટલો વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેના કારણે ઉમરગામમાં ખાનગી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી. તો આ તરફ તાપીના વાલોડ, ડોલવણ, વ્યારા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા સમગ્ર જિલ્લામાં અતિશય ગરમી બાદ ઠંડક પ્રસરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.


જ્યારે નવસારીના જલાલપોર, ચીખલી, ગણદેવીમાં તાલુકામાં વરસાદ થઇ રહ્યો છે. જેમાં સૌથી વધારે દોઢ ઇંચ વરસાદ ગણદેવીમાં થયો છે. વરસાદના આગમનના પગલે ખેડૂતોએ પણ વાવણીની તૈયારી શરૂ કરી દીધી છે. ડાંગમાં વહેલી સવારથી સાપુતારા-વઘઇ માર્ગ ઉપર વરસાદી પાણી ફરી વળતાં, નદીઓની પાણીની આવકમાં વધારો થયો છે, અને  ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી હતી.


સેલવાસમાં મોડીરાતથી વરસાદ શરૂ થઇ ગયો છે. મોડી રાતથી શરૂ થયેલો વરસાદ સવાર સુધી ચાલુ રહ્યો છે. સવારના 8 કલાક સુધી સેલવાસમાં 95 MM વરસાદ પડ્યો છે. સતત થઇ રહેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. અથાલ અને ખાનવેલ રોડ પર ભારે પવન અને વરસાદના કારણે વૃક્ષ ધરાશાયી થઇ ગયા છે. ત્યારે વન વિભાગ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે.