લુણાવાડા : બોર્ડ એક્ઝામમાં ખૂટ્યા 90 પેપર, ઝેરોક્ષ કરાવવા દોડ્યા શિક્ષકો
ગુજરાતમાં બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે ગઈકાલે ધોરણ-12ના સામાન્ય પ્રવાહના તત્વજ્ઞાનના પેપરમાં પેપરો ખુટવાની ઘટના બની હતી. લુણાવાડાની આદર્શ વિદ્યાલયમાં શિક્ષણ વિભાગ દ્વારા પેપરની ઝેરોક્ષ કઢાવી અન્ય પરીક્ષાર્થીઓને પેપર આપ્યા, ત્યારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
અલ્પેશ સુથાર/મહીસાગર : ગુજરાતમાં બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે ગઈકાલે ધોરણ-12ના સામાન્ય પ્રવાહના તત્વજ્ઞાનના પેપરમાં પેપરો ખુટવાની ઘટના બની હતી. લુણાવાડાની આદર્શ વિદ્યાલયમાં શિક્ષણ વિભાગ દ્વારા પેપરની ઝેરોક્ષ કઢાવી અન્ય પરીક્ષાર્થીઓને પેપર આપ્યા, ત્યારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
લુણાવાડાની આદર્શ વિદ્યાલયમાં ગઈકાલે બપોરે ત્રણના કલાકે પેપરોની વહેંચણી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન પેપર ઓછા હોવાનું જાણવા મળતા જિલ્લા શિક્ષણ અધિકારી આદર્શ શાળાએ પહોંચી ગયા હતા, અને પેપરોની ઝેરોક્સ કઢાવી અન્ય વિદ્યાર્થીઓને ઝેરોક્સ કોપી આપી પરીક્ષા આપવાની ફરજ પાડી હતી. જોકે આદર્શ વિદ્યાલયમાં 120 વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હતા, જેમાં માત્ર 30 પેપરો આવ્યા હતા અને 90 જેટલા પેપરો ઓછા આવતા ઝેરોક્સ કઢાવી વિદ્યાર્થીઓનું ભાવિ બગડે નહિ તે હેતુથી ઝેરોક્સ કઢાવી આપવામાં આવી હતી. ત્યારે આદર્શ વિદ્યાલય સ્કૂલમાં પેપર આપી રહેલા એક વિદ્યાર્થીના પિતાએ તત્વજ્ઞાનનું પેપર ચાલુ થતા પહેલા જ પેપર મોબાઈલમાં બહાર ફરતું થયું હતું તેવો આક્ષેપ કર્યો છે. ત્યારે પેપર ખૂટયું કે પેપર ફૂટ્યું જેવા અનેક સવાલો વાલીઓમાં ઉઠ્યા હતા. જોકે સમગ્ર મામલે કોણ પેપર લેવા ગયું અને કેમ 90 પેપર ખૂટયા અને ખૂટયા તો 90 જેટલા પેપરો આખરે ગયા ક્યાં ?
આ ઘટનાને લઇ જિલ્લા પોલીસવડા સ્કૂલની મુલાકાતે આવી પહોંચ્યા હતા. સમગ્ર બાબતે તપાસ હાથ ધરી હતી અને જો ઉચ્ચ અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ થાય તો 90 જેટલા પેપર આખરે ગયા ક્યાંનું મોટું કૌભાંડ બહાર આવે તો નવાઈ નહીં. મહીસાગર જિલ્લામાં પેપર ખૂંટવામાં તેમજ ફૂટવામાં મહીસાગર જિલ્લો ગુજરાતમાં મોખરે રહ્યો છે ત્યારે વાલીઓએ પણ આખરે 90 જેટલા પેપરો ગયા ક્યાં વિશે યોગ્ય તપાસની માંગ કરી છે.
પેપર ખૂટવા મામલે જિલ્લા શિક્ષણ અધિકારી જયેશ પટેલને પૂછતા તેમણે મુખ્ય જિલ્લા શિક્ષણ અધિકારી શિલ્પાબેન પટેલ પર સમગ્ર મામલાનો દોષનો ટોપલો ઢોળી તેમના કહ્યા મુજબ મેં કર્યું હોવાનું જણાવ્યું હતું. ત્યારે આવી મોટી ઘટનામાં મુખ્ય જિલ્લા શિક્ષણ અધિકારી સમગ્ર મામલામાં ઢાંકપિછોડો કરી પોતાની જવાબદારીઓમાંથી છૂટી ગયા હતા અને કેમેરા સમક્ષ કઇ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. ત્યારે આ મામલે જિલ્લાના મુખ્ય અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તેઓએ પણ કેમેરા સમક્ષ કંઇ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. ત્યારે સવાલ એ છે કે આવી મોટી ઘટનામાં અધિકારીઓ દબાવાની કોશિશ કરતા હોવાનું જણાઈ આવ્યું હતું.