સુરત : કંકુ લગાવીને વેક્સીનના ટ્રકનો દરવાજો ખોલાયો, પૂણેથી રોડ મારફતે આવી રસી
- સુરતને કુલ 93 હજાર 500 રસીનો ડોઝ આપવામાં આવ્યો
- સેન્ટ્રલ સ્ટોરેજથી સુરત મહાનગરપાલિકા અને પાંચ જિલ્લામાં રસી પહોંચાડવામાં આવશે
ચેતન પટેલ/સુરત :ગુજરાતના અન્ય જિલ્લાઓમાં હવે ધીરે ધીરે કરીને વેક્સીન પહોંચી રહી છે. ત્યારે હવે સુરતમાં કોરોના રસી (corona vaccine) નો પહેલો જથ્થો પહોંચ્યો છે. સુરતને કુલ 93 હજાર 500 રસીનો ડોઝ આપવામા આવ્યો છે. જેને દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં ફાળવવામાં આવશે. સુરત સિવિલ હોસ્પિટલના રિજનલ ડેપ્યુટી ડિરેકટર હેલ્થ એન્ડ મેડિકલ સેન્ટર ખાતે રસી લાવવામાં આવી હતી. હાલ સ્ટોરેજમાં રસી રાખવામાં આવી છે. આ સેન્ટ્રલ સ્ટોરેજથી સુરત મહાનગરપાલિકા અને પાંચ જિલ્લામાં રસી પહોંચાડવામાં આવશે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની હાજરીમાં સુરત (surat) માં વેક્સીનનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
પૂણેથી રોડ મારફતે વેક્સીન આવી
પૂણેથી બાય રોડ વેક્સીન સુરત લાવવામાં આવી છે. આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. લાલ રિબિન કાપીને સેન્ટ્રલ સ્ટોરેજમાં વેક્સીન લઈ જવામાં આવી હતી. સુરત આવી પહોંચેલા વેક્સીનના ટ્રકની સૌથી પહેલા પાલિકાના અધિકારીઓ દ્વારા પૂજા કરવામાં આવી હતી. નારિયેળ ફોડીને ટ્રકનો દરવાજો ખોલવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : ઉત્તરાયણને ગણતરીના કલાકો બાકી, વેપારીઓ હજી પણ ગ્રાહકો આવશે તેની રાહ જોઈ રહ્યાં છે
સુરતની 93 હજાર 500 ડોઝ અપાયા
સુરતને કુલ 93 હજાર 500 રસીનો ડોઝ આપવામાં આવ્યો છે. અહીંથી દક્ષિણ ગુજરાતના 22 સેન્ટરો પર વેક્સીન આપવામાં આવશે. જેમાં સુરત મહાનગરપાલિકાને 40 હજાર ડોઝ મળશે. તો સુરત જિલ્લાને 11,500 ડોઝ આપવામાં આવશે. નવસારીને 11 હજાર ડોઝ, વલસાડને 15 હજાર ડોઝ, તાપીને 7 હજાર ડોઝ અને ડાંગને 2500 ડોઝ આપવામાં આવશે. સુરતમાં સૌથી પહેલા 30 હજાર હેલ્થ વર્કરને વેક્સીન આપવામાં આવશે.
આ પણ વાંચો : સંગીતના તાલે રાજકોટમાં કોરોના વેક્સીનનું સ્વાગત કરાયું
તાપીમાં આવતીકાલે જશે વેક્સીન
કોવિશિલ્ડ વેક્સીન સુરત તો આવી પહોંચી છે, પરંતુ તાપી જિલ્લાને આવતીકાલે કોરોના વેક્સીન મળશે. આવતીકાલે તાપી જિલ્લાને વેક્સીન મળશે. આ માટે પ્રથમ તબક્કામાં 7000 ડોઝ ફાળવવામાં આવ્યા છે. 16 તારીખથી જિલ્લાના ચાર કેન્દ્રો પર વેક્સીન આપવામાં આવશે.