ગાંધીનગરમાં ગમે તે ક્ષણે ચાલુ થઇ શકે તેવી 1200 બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર
મહાત્મા મંદિર ગાંધીનગરમાં ૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલ કોરોના સંક્રમિતોની સારવાર માટે માત્ર ૨૪ કલાકમાં જ શરૂ થઇ જાય તેવી સંપૂર્ણ સજ્જ હોસ્પિટલ તૈયાર છે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ મહાત્મા મંદિરમાં બનેલી કોવિડ હોસ્પિટલની સુવિધાઓનું નિરીક્ષણ કરી વિસ્તૃત જાણકારી મેળવી હતી.
ગાંધીનગર : મહાત્મા મંદિર ગાંધીનગરમાં ૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલ કોરોના સંક્રમિતોની સારવાર માટે માત્ર ૨૪ કલાકમાં જ શરૂ થઇ જાય તેવી સંપૂર્ણ સજ્જ હોસ્પિટલ તૈયાર છે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ મહાત્મા મંદિરમાં બનેલી કોવિડ હોસ્પિટલની સુવિધાઓનું નિરીક્ષણ કરી વિસ્તૃત જાણકારી મેળવી હતી.
ગુજરાતમાં સીધા જ હવામાથી ઓક્સિજન ઉત્પાદન થાય તેવા PSA ( Pressure Swing Adsorption) પ્લાન્ટ શરૂ કરી ૩૦૦ ટન ઓક્સિજન મેળવીને ઓક્સિજનમાં ગુજરાત પગભર થશે, તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. કોરોનાની સંભવિત ત્રીજી લહેરની શક્યતાઓ સામે ગુજરાત પહેલી-બીજી લહેરના અનુભવોના આધારે મુકાબલા માટે તૈયાર છે. ડીટેઇલ એક્શન પ્લાન રાજ્ય સરકારે ધડ્યો છે. ૧૦ શહેરોમાં રોજ ૧.૨૦ લાખ યુવાઓનું વેક્સિનેશન વિનામૂલ્યે થાય છે. રાજ્ય સરકાર ૧૮ થી ૪૪ વયજૂથના લોકોને રજીસ્ટ્રેશન કરીને વિનામૂલ્યે વેક્સિન આપે છે.
અત્યાર સુધીમાં ૧૫ લાખ લોકો નું રસીકરણ થઈ ગયું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં નિર્માણ થયેલી ૧૨૦૦ બેડ કોવિડ હોસ્પિટલની નિરીક્ષણ મુલાકાત લઇને ડી.આર.ડી.ઓ (ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગનાઇઝેશન) તથા રાજ્ય સરકાર દ્વારા અહીં ઉભી કરાયેલી વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત જાત માહિતી મેળવી હતી. મુખ્યમંત્રી એ આ હોસ્પિટલના આઇ.સી.યુ. વોર્ડસ , ટ્રાયેજ એરીયા, ઓક્સીજન પ્લાન્ટ સહિતના વિભાગો નિહાળીને કોરોના સંક્રમિતોની સંપૂર્ણ સારવાર વ્યવસ્થાથી સંતોષ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ આ નિરીક્ષણ મુલાકાત બાદ પ્રચાર માધ્યમો સાથેની વાતચીત-સંવાદમાં સ્પષ્ટપણે જણાવ્યું કે,કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન અને પ્રેરણાથી તેમના મતક્ષેત્રમાં ડી.આર.ડી.ઓ. અને રાજ્ય સરકાર દ્વારા આ હોસ્પિટલ સંપૂર્ણ આરોગ્ય સુવિધાઓ સાથે તૈયાર કરી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે, હાલ રાજ્યમાં કોરોનાના કેસોમાં રિવર્સ ટ્રેન્ડ- ઉત્તરોત્તર ઘટાડો થઇ રહ્યો છે. એપ્રિલ મહિનામાં ૧૪ હજાર જેટલા કેસ પ્રતિદિન આવતા હતા તે ઘટીને ગઇકાલે ૨૫૦૦ જેટલા થઇ ગયા છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, આમ છતા કોરોના ગયો નથી.તેની પૂરેપૂરી સતર્કતા સાથે રાજ્ય સરકારનું સમગ્ર તંત્ર એલર્ટ-સચેત છે
આપણે જો જરૂરિયાત ઉભી થાય તો માત્ર ૨૪ કલાકમાં જ મહાત્મા મંદિર ખાતેની આ સંપૂર્ણ સુવિધાઓ સાથેની કોવિડ હોસ્પિટલ શરૂ કરવા સક્ષમ અને સજ્જ છીએ એમ મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતુ. વિજય રૂપાણીએ ઉમેર્યુ કે, ગુજરાત સરકારે આરોગ્ય વિભાગ,તજજ્ઞ તબીબોની ટાસ્કફોર્સ, કોરગ્રુપ એમ તમામ સ્તરે ઉચ્ચસ્તરીય બેઠકો શરૂ કરીને સંભવત: આવનારી થર્ડ વેવ સામે પણ મુકાબલા માટેનું વિસ્તૃત આયોજન કરી લીધુ છે.
તેમણે જણાવ્યું કે, તબીબી નિષ્ણાંતો, તજજ્ઞો કોરોનાની ત્રીજી લહેરમાં નાના બાળકો સંક્રમિત થવાની પણ શક્યતાઓ તેમણે દર્શાવી છે. આ સંદર્ભમાં પણ રાજ્ય સરકારે બાળરોગ નિષ્ણાંત તબીબો, હોસ્પિટલમાં બાળકો માટે વોર્ડસ, વધારાનાબેડ, ઓક્સિજન, દવાઓ, ઇન્જેકશન વગેરે માટે કોરોનાની પહેલી અને બીજી લહેરના અનુભવોના આધારે સારવાર વ્યવસ્થાની આવનારી સંભવિત ત્રીજી લહેર માટે પણ તૈયારી કરી છે. આ અંગેનો એક્શન પ્લાન પણ આવનારા દિવસોમાં જરૂરિયાત મુજબ જાહેર કરાશે એમ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રી વિજયએ એમ પણ કહ્યું કે, રાજ્યની હોસ્પિટલોમાં ઓક્સિજનની કોઇ કમી ન રહે અને ગુજરાત ઓક્સિજનની બાબતમાં પગભર બને તેવી નેમ રાખી છે. આ હેતુસર ગુજરાતમાં ૩૦૦ ટન પી.એસ.એ. એટલે કે સીધા હવામાંથી ઓક્સિજન મેળવવાના પ્લાન્ટ શરૂ કરવામાં આવી રહ્યા છે. તેમણે એમ પણ જણાવ્યુ કે, કોરોના સંક્રમણ નિયંત્રણના એક મજબૂત શસ્ત્ર એવા રસીકરણ-વેક્સિનેશનને પણ સરકારે વ્યાપક બનાવ્યું છે.
જેટલી ઝડપથી લોકોનું વેક્સીનેશન થશે તેટલી ઝડપથી આપણે કોરોનાથી બહાર નીકળી શકીશું એવા ધ્યેય સાથે ૪૫ થી વધુ વયના લોકોને પ્રથમ અને બીજો ડોઝ તેમજ ૧૮ થી ૪૪ વયજૂથના લોકોમાં પ્રથમ ડોઝ આપવાની કામગીરી સતત નિરંતર ચાલુ કરી છે એમ તેમણે ઉમેર્યુ હતુ. વેક્સિનેશન અંગેની વિસ્તૃત માહિતી આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યના ૧૦ શહેરોમાં ૧૮ થી વધુ વયજૂથમાં રોજ એક લાખ ૨૦ હજાર થી વધુ યુવાઓને વેક્સિન અપાય છે.
અત્યાર સુધીમાં ૧૫ લાખ થી વધુ ડોઝ અપાઇ પણ ગયા છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર બધાને વિનામૂલ્યે વેક્સિન આપી રહી છે. આ માટે ૧૮ થી ૪૪ વય જૂથના લોકોનું રજીસ્ટ્રેશન કરીને તેમને વેક્સીનનો સમય, સ્થળ SMS થી જાણ કરાય છે. સાથો સાથ ભારત સરકારે ખાનગી હોસ્પિટલોને પણ ચાર્જેબલ બેઝિસ પર વેક્સિનેશનની પરવાનગી આપી છે. આવી ખાનગી હોસ્પિટલો વેક્સિન ઉત્પાદકો પાસેથી પોતાની રીતે જથ્થો મેળવીને વેક્સીનેશન કામગીરી ચાર્જેબલ ધોરણે કરે છે. એપોલો , શેલ્બી , સુરતની મહાવીર જનરલ હોસ્પિટલ વગેરે આ વેક્સિનેશન કામગીરી કરે છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સાફ શબ્દોમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતું રસીકરણ વિનામૂલ્યે વેક્સિનેશનની કામગીરી યથાવત ચાલુ જ છે. રજીસ્ટ્રેશનના આધાર ઉપર સમય, સ્થળ ની જાણ કરીને આ વેક્સિનેશન વિનામૂલ્યે અપાય છે. રાજ્ય સરકારે ૩ કરોડ વેક્સિનના જથ્થાનો જે ઓર્ડર કરેલો છે તે જેમ જેમ આવતો જશે તેમ વિનામૂલ્યે વેક્સીનેશનની કામગીરી ચાલુ જ રહેવાની છે.
હાલ રોજના ૧.૨૦ લાખથી વધુ લોકોને વેક્સીન અપાય છે. તે પણ વેક્સિન આવતી જશે તેમ વધારતા જઇશું એમ મુખ્યમંત્રીએ કહ્યું હતું. મુખ્યમંત્રી કોરોના સંક્રમણની સ્થિતિમાં પણ વિકાસ કામો ચાલતા રહે તે માટે રિવ્યુ બેઠકો, સમીક્ષા અને વિકાસ કામોમાં વધુ ગતિ સાથે પૂર્વવત શરૂ કરવા માટે સ્થળ મુલાકાતોનો ઉપક્રમ શરૂ કર્યો છે.
આ અન્વયે મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ અમદાવાદમાં સાયન્સ સિટિની એક્વાટિક ગેલેરી, રોબોટીક પાર્ક, નેચર પાર્ક સહિતના પ્રગતિ હેઠળના કામોની સ્થળ મુલાકાત કરી હતી. તેમણે ગાંધીનગર રેલ્વે સ્ટેશન ખાતે નિર્માણના આખરી તબક્કામાં પહોંચેલી ફાઇવ સ્ટાર હોટલની કામગીરીનું પણ સ્થળ નિરીક્ષણ કર્યુ હતુ. અને ત્યારબાદ મહાત્મા મંદિરની ડી.આર.ડી.ઓ. કોવિડ હોસ્પિટલની મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીની સાથે આ મુલાકાતમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિ, આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શીવહરે અને જિલ્લા વહીવટી તંત્ર તથા મહાનગરપાલિકાના અધિકારીઓ, વરીષ્ઠ તબીબો પણ જોડાયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube