સુરત : શહેરમાં એક ખુબ જ વિચિત્ર ચોરનો કિસ્સો સામે આવ્યો છે. ચોરના સાઢુભાઇ બિલ્ડર હોવાના કારણે તેની કમાણી ખુબ જ સારી હતી જ્યારે પોતાની આવક ઓછી હોવાથી પત્નીના શોખ પુરા કરી શકતો નહી હોવાથી ઘર કંકાસથી કંટાળીને બાઇક ચોરીના રવાડે ચડી ગયો હતો. ક્રાઇમબ્રાંચે શનિવારે વરાછા હીરાબાગ સર્કલ પાસેથી ચોરીના બાઇક સાથે રત્નકલાકારને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી ચોરીનાં 30 બાઇકોનો કબ્જો મેળવ્યો હતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રાઇમ બ્રાંચે 27 વર્ષીય બળવંત વલ્લભ ચૌહાણ નામના આરોપીની ગોપાલ ક્રિષ્ણા એપાર્ટમેન્ટ ખાતેથી ધરપકડ કરી છે. બળવંત ચૌહાણ મુળ ભાવનગર જિલ્લાનો રહેવાસી છે. 2017મા બળવંતે પ્રથમ બાઇકની ચોરી કરી હતી. ત્યાર બાદ આ ધંધો ફાવી જતા તેણે અત્યાર સુધીમાં 30 જેટલા બાઇક ચોર્યા હતા. તે મોટે ભાગે સ્પલેન્ડર બાઇકની જ ચોરી કરતો હતો. ચોરીની બાઇકો તેણે ઉત્રાણ તાપી ઓવરબ્રીજની નીચે ખુલ્લા ભાગમાં મુકેલી હતી. 

ચોરીની બાઇકો વેચવા માટે તે ફરી રહ્યો હતો. જો કે આરસી બુક નહી હોવાનાં કારણે કોઇ લેવા માટે તૈયાર નહોતો. જેથી તેણે તમામ બાઇકો ભંગારમાં વેચવાનું નક્કી કર્યું હતું. જો કે બાઇક વેચે તે અગાઉ ક્રાઇમબ્રાંચના હાથે ઝડપાઇ ગયો હતો. બપોરના સમયે હીરાના કારખાનામાં કારીગરો જતા રહે પછી ડુપ્લિકેટ ચાવીથી બાઇકોની ચોરી કરતો હતો. તેણે કાપોદ્રામાંથી 8, વરાછામાંથી 11, અમરોલીમાંથી 2, કતારગામમાંથી 7 અને મહીધરપુરા અને સચીનમાંથી 1-1 બાઇક ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube