પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં ડેન્ગ્યુ આવ્યા બાદ 30 વર્ષીય યુવકનું મોત નીપજયું છે. કડોદરા વિસ્તારમાં રહેતા અને રત્નકલાકાર તરીકે કામ કરતા 30 વર્ષીય યુવકને ડેન્ગ્યું થયા બાદ તબિયત લથડી હતી, જે બાદ તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બે દિવસની સારવાર બાદ આજે યુવકનું મોત નીપજ્યું છે. યુવકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડેન્ગ્યું થયો હોવાનું નિદાન થયું
સુરતના કડોદરા સ્થિત હરિકૃષ્ણ સોસાયટીમાં 30 વર્ષીય રાજુભાઈ રમેશભાઈ પવાર પત્ની, માતા અને ભાઈ-ભાભી સાથે રહેતા હતા. રાજુ પવાર રત્નકલાકાર તરીકે કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. ગત 3 નવેમ્બરના રોજ તેને તાવ આવ્યો હતો જે બાદ નજીકના દવાખાનેથી દવા પણ લીધી હતી, પરંતુ તબિયત સારી ન થતા રીપોર્ટ કઢાવ્યો હતો જેમાં તેને ડેન્ગ્યું થયો હોવાનું નિદાન થયું હતું


તબિયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો
રાજુ પાવરની વધુ તબિયત લથડતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ગત 6 નવેમ્બરના રોજ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન આજે તેનું મોત નીપજ્યું છે, પરિવાર પાસેથી મળતી માહિતી મુજબ રાજુભાઈના લગ્ન 4 વર્ષ અગાઉ જ થયા હતા, દરમ્યાન સામી દિવાળીએ તેનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.


ડાયમંડમાં નોકરી કરીને મહિને 60 હજાર જેટલું કમાતો
મસિયાઈ વિલાસભાઈએ જણાવ્યું હતું કે મારા ભાઈને 5થી 6 દિવસ બીમાર હતો. તેને તાવ આવતો હતો. જે બાદ રીપોર્ટ કરાવતા ડેન્ગ્યું થયું હોવાનું બહાર આવ્યું હતું જેથી તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. ગત રાતે તેની તબિયત બગડી હતી, ડોકટરે કીધું કે તેને હિચકી આવતી હતી, તેને દવા પણ આપી હતી, તેના શરીરમાં પાણી પણ ઘટી ગયું હતું, મારા ભાઈને કોઈ બીમારી ન હતી, તે ડાયમંડમાં નોકરી કરીને મહિનાના 60 હજાર રૂપિયા જેટલું કમાતો હતો.


પરિવાર શોકમાં ગરકાવ
મહત્વની વાત એ છે કે છેલ્લા કેટલાક સમયથી વરસાદએ વિરામ લીધો છે.અને હવે ચોમાસુ સત્ર પણ પૂર્ણ થઈ ગયું છે.તેમ છતાં રોગછાળો યથાવત જોવા મળી રહ્યો છે.પાણીજન્ય,ડેન્ગ્યુ,મલેરિયા,જેવા કેસોથી 40થી વધુ લોકોના મોત નિપજ્યા છે. ત્યારે દિવાળીના ગણતરીના દિવસો પહેલા જ 30 વર્ષીય રત્નકલાકારનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.