જૂનાગઢ: જૂનાગઢમાં ઝેરી પીણું પીધા બાદ બે લોકોનાં મોતની ઘટના બની હતી. આ ઘટનામાં મોટો ખુલાસો થયો છે. જૂનાગઢમાં ઝેરી પ્રવાહી પીવાથી 2 લોકોનાં મોત મામલે મોટી હકીકત સામે આવી છે. જેમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી હોવાનું ખૂલ્યું છે. જૂનાગઢમાં બનેલી હત્યા ક્રાઇમ કંઈ ફિલ્મી પિક્ચરથી ઓછી ઉતરતી નથી. પ્રેમીને પામવા માટે કેવી રીતે પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતાર્યો, તે ખરેખર દિલઘડક છે. ખૂબ જ ઉંડી તપાસમાં આ ઘટસ્ફોટ થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, ગત 28 નવેમ્બરના રોજ ઝેરી પીણું પીવાથી બે વ્યક્તિના સ્થળ પર મોત થયા હતા. આ મામલે તપાસ કરતાં પોલીસને સફળતા મળી છે. મૃતક રફીક ઘોઘારીની પત્નીએ તેના પ્રેમી આસિફ ચૌહાણ સાથે મળી પતિની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. મૃતક રફીક રીક્ષા ચલાવતો હતો અને જેથી રીક્ષામાં સોડાની બોટલમાં પોટેશિયમ સાઈનાઈટ મેળવ્યું હતું. રીક્ષામાં રહેલા સોડા પીતા રફીક ઘોઘારીનું સ્થળે મોત થયું હતું. એટલું જ નહીં, તે સોડા તેના મિત્ર ભરત ઉર્ફે જોને પણ પીધી હતી. આમ, બન્નેના સ્થળ પર જ મોત થયા હતા.


સામાન્ય રીતે આ ઘટનાને જોતાં લાગી રહ્યું હતું કે કોઇ ઝેરી પીણું પીતા બન્ને લોકોના મોત નિપજ્યા છે. પરંતુ સમગ્ર ઘટનાક્રમને જોતાં પોલીસને શંકા ગઇ હતી. આ સમગ્ર કેસના તળિયા સુધી પહોંચવામાં જૂનાગઢ LCB પોલીસને સફળતા મળી છે અને સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે. પોલીસે મૃતકના પત્ની મેમુદાબેન, તેનો પ્રેમી આસિફ ચૌહાણ અને તેના મિત્ર ઈમરાન ચૌહાણની ધરપકડ કરી છે.


અગાઉ આ ઘટનામાં જૂનાગઢના એસ.પી.એ ખુલાસો કર્યો હતો કે જે બે વ્યક્તિના મોત ઝેરી પીણું પીવાને કારણે થયા છે તે પદાર્થ લઠ્ઠો નથી. મૃતકોના FSL અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. ઝેરી પીણું  પીધા બાદ મોતને ભેટેલા બંને વ્યક્તિ રિક્ષા ચાલક હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.