સુરત : કઠોર ખાતે ઘણા સમયથી બીઆરટીએસ બસસેવા શરૂ કરવા માટેની માગણી ચાલી રહી હતી. આ વિસ્તારના કોર્પોરેટરો આમ આદમી પાર્ટી(AAP)ના હોવાથી તેમના દ્વારા મ્યુનિસિપલ કમિશનરને વારંવાર આ બાબતે રજૂઆતો કરવામાં આવી હતી. સ્થાનિક લોકોને શહેરમાં જવા માટે બસસેવા ઉપલબ્ધ થાય તે જરૂરિયાત હતી. આ અંગે વારંવાર લેખિતમાં અને મૌખિક રીતે રજૂઆતો કરાઇ હતી. આજે જ્યારે કઠોર ખાતે બીઆરટીએસ બસ સેવા શરૂ થઈ રહી હતી ત્યારે તેના ઉદઘાટન માટે સ્થાનિક કામરેજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય વીડી ઝાલાવડિયા પહોંચ્યા હતા. જ્યાં AAPના કોર્પોરેટરોએ તેમનો વિરોધ નોંધાવ્યો અને બાખડી પડ્યા હતા. આ પ્રકારની વાત જાહેર રસ્તા પર થતાં લોકોના ટોળેટોળા થઇ ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કઠોર રામજી મંદિર મેઈન બજાર ખાતે બીઆરટીએસ બસસેવા શરૂ કરવાના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને આમંત્રણ મળ્યું ન હોવા છતાં તેઓ પહોંચી ગયા હતા. બસસેવાનું ઉદઘાટન કરવા આવેલા ધારાસભ્ય જ્યારે પોતાના સંબોધનમાં બોલવાનું શરૂ કર્યું કે અમે ઘણા સમયથી બસસેવા શરૂ કરવા માટે મથામણ કરી રહ્યા હતા. આખરે લોકોની સુવિધા વધારવા માટે આજથી બીઆરટીએસ બસસેવા શરૂ કરી દેવામાં આવી છે. આ જ સમયે કાર્યક્રમમાં હાજર AAPના સ્થાનિક કોર્પોરેટરો દ્વારા નારાબાજી શરૂ કરાઇ હતી. સ્ટેજ ઉપરથી ધારાસભ્ય નીચે ઊતર્યા હતા ત્યારે તેમની સામે ખોટી ફાકા-ફોજદારી કરતા હોવાના આક્ષેપો કોર્પોરેટરો દ્વારા કરવામાં આવ્યા હતા.


કોર્પોરેટરોએ કહ્યું કે, અમે વારંવાર રજૂઆત કરી ત્યારે તમારી આંખો ખૂલી અને પછી તમે આ બાબતે થોડાઘણા અંશે ધ્યાન પર લીધી. પરંતુ જ્યાં સુધી આ લોકોને મુશ્કેલી પડતી હતી ત્યાં સુધી તમે કોઈએ કશું જ કર્યું નહીં. અમે વારંવાર રજૂઆત કરતા રહ્યા ત્યારે સ્થાનિક લોકોને મુશ્કેલીનો હાલ નિકાલ આવ્યો છે. આજે બીઆરટીએસ બસસેવા શરૂ થઈ ત્યારે યશ લેવા માટે દોડી આવ્યા છો. આ પ્રકારની વાત જાહેર રસ્તાઓ પર થતા લોકોના ટોળા થઇ ગયા હતા.