`તું મારા પૈસા પરત ન આપી શકે તો હું તને પૈસા આપું, તું ઝેર પી મરી જા` વ્યાજખોરના ત્રાસથી વેપારીનો આપઘાત
વ્યાજખોરના ત્રાસથી વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અમદાવાદના ઘાટલોડિયામાં શેર માર્કેટ અને હીરા દલાલીના વ્યવસાય સાથે જોડાયેલા એક વેપારીએ વ્યાજખોરના ત્રાસથી આપઘાત કર્યો છે.
ઉદય રંજન, અમદાવાદઃ ગુજરાતમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત છે. આ પહેલા પણ વ્યાજખોરોના ત્રાસને કારણે ઘણા લોકો આત્મહત્યા કરી ચૂક્યા છે. અમદાવાદમાં ફરી આવી ઘટના બની છે. જ્યાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી એક વેપારીએ આપઘાત કરી લીધો છે. ઉછીના લીધેલા પૈસા પરત આપી દીધા બાદ પણ વ્યાજખોર દ્વારા સતત ઉઘરાણી કરવામાં આવી રહી હતી.
ઘાટલોડિયામાં વેપારીએ કર્યો આપઘાત
ઘાટલોડિયાના કેકે નગર રોડ પર આવેલી ભાવિન સોસાયટીમાં રહેતાં અતુલભાઈ લક્ષ્મીશંકર ભટ્ટ (65) એ પોતાની સોસાયટીમાં રહેતા જીવાભાઈ વાઘજી દેસાઈ પાસેથી વર્ષ 2017માં 4 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. અતુલભાઈ શેર માર્કેટ અને હીરા દલાલીનું કામ કરતા હતા. વેપારીએ ત્રણ વર્ષ સુધી પૈસા પરત આપ્યા છતાં વ્યાજખોર દ્વારા ઉઘરાણી કરવામાં આવતી હતી.
આ પણ વાંચોઃ જામકંડોરણામાં રખડતા કૂરતાઓએ ત્રણ બાળકો પર કર્યો હુમલો, એક બાળકનું થયું મોત
અતુલભાઈએ ઉછીના લીધેલા ત્રણ લાખ રૂપિયા પરત કરી દીધા હતા. પરંતુ વ્યાજખોરે કહ્યું કે આતો માત્ર મૂડી પરત કરી છે, જ્યારે વ્યાજ તો બાકી છે. ત્યારબાદ વેપારી પાસે સતત ઉઘરાણી કરવામાં આવતી હતી. આ ત્રાસથી કંટાળી વેપારીએ આપઘાત કરી લીધો છે. વેપારીના આપઘાત બાદ તેના પત્નીએ પોલીસમાં વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર વ્યાજે આપનાર જીવાભાઈ એક દિવસ વેપારી અતુલભાઈના ઘરે પહોંચ્યા હતા. તેમણે વેપારીને સાથે ઝઘડો કર્યો અને ધમકી આપી હતી. વ્યાજખોરે વેપારીને કહ્યું કે તું મારા પૈસા પાછા ન આપી શકતો હોતો હું તને પૈસા આપું તું દવા પી મરી જા. અંતે વેપારીએ વ્યાજખોરના ત્રાસથી આપઘાત કર્યો છે. પોલીસે આ મામલે આગળ તપાસ શરૂ કરી છે.