ગૌરવ પટેલ/અમદાવાદ: રામોલ વિસ્તારમાં ઘર કંકાસમાં પતિએ પત્નિની હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. રામોલ પોલીસે ગણતરીના સમયમાં આરોપીની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. આરોપીએ ડીસીમીસના ઘા કરી પત્નીને મોતનો ઘાટ ઉતારી હતી. ઘટનાની જાણ થતાં જ રામોલ પોલીસ સક્રિય થઇ હતી અને ગણતરીના કલાકોમાં આરોપીની અટકાયત કરી લીધી હતી. પોલીસે આરોપીના રીમાન્ડ મેળવવા અને હત્યાના કારણો શોધવા કવાયત હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાની મોટી બાબતે ઝઘડા અને ઘર કંકાસ
મૃતક કુરેશાબાનુ અને આરોપી અહેઝાજ અકબર અલી મુળ ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લાના મુસાફીર તાલુકાના નેહાલપુર ગામના વતની છે. સામાજિક રીત રિવાજ મુજબ પંદર વર્ષ અગાઉ બંનેના લગ્ન થયા હતા. તેમના લગ્ન જીવનથી તેમને કુલ ચાર સંતાનો છે. જેમાં બે દિકરા અને બે દિકરીઓનો સમાવેશ થાય છે. જ્યારથી લગ્ન થયા ત્યારથી કુરેશા બાનુ અને એહેઝાજ અકબર અલી વચ્ચે નાની મોટી બાબતે ઝઘડા અને ઘર કંકાસ થતો હતો. જેમા આરોપી મૃતકને માર પણ મારતો હતો. 


પત્નીને તીક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી
મૃતક કુરેશાબાનુને આરોપી અહેઝાજ અકબર અલી અવાર નવાર માર મારતો હતો. બંને વચ્ચેના ઝઘડા વધી જતાં અને કુરેશાબાનુને તેના પતિના મારથી બચાવવા કુરેશ બાનુના ભાઇઓએ તેમને અમદાવાદ ખાતે સ્થળાંતરીત કરવાનો નિર્ણય કર્યો. ચાર ભાઇઓએ ભેગા મળી રામોલ વિસ્તારમાં શાલીમારની ચાલીમાં મકાન અપાવ્યું તથા જીવન નિર્વાહ ચલાવવા માટે રીક્ષા ભાડે અપાવી હતી. આરોપી દિવસ દરમ્યાન રીક્ષા ચલાવી રોજી રળતો હતો. જોકે રાત્રે ઘરે પહોંચ્ચા બાદ પતિ-પત્ની વચ્ચેના ઝઘડા ચાલુ જ રહેતા હતા. દરમ્યાન 5 તારીખે રાત્રે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને 6 તારીખે વહેલી સવારે આરોપીએ પોતાની પત્નીને તીક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી.


પોતાની પત્નીની હત્યા કર્યા બાદ આરોપી રીક્ષા લઇ ફરાર થવા લાગ્યો. જો કે ઘટનાની જાણ થતાં જ રામોલ પોલીસ સક્રિય થઇ હતી અને ગણતરીના કલાકોમાં આરોપીની અટકાયત કરી લીધી હતી. પોલીસે આરોપીના રીમાન્ડ મેળવવા અને હત્યાના કારણો શોધવા કવાયત હાથ ધરી છે.