ઝી બ્યુરો/રાજકોટ: શહેરમાં યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. બીબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરનારા ક્રિષ્ના પંડિત નામના વિદ્યાર્થી દ્વારા બુધવારના રોજ ઘરે કોઈ હાજર નહોતું ત્યારે ફિનાઇલ પી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. વિદ્યાર્થીએ આપઘાત ઓનલાઇન સટ્ટામાં રૂપિયા હારી જવાના કારણે કર્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસ દ્વારા સમગ્ર મામલે મૃતકનો ફોન કબજે કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો સાથે જ મૃતકના ફોનને પરીક્ષણ અર્થે એફએસએલમાં મોકલવામાં આવશે. ત્યારે ઝી ૨૪ કલાક સાથેની વાતચીતમાં પરિવારજનો દ્વારા ઓનલાઇન સટ્ટા પર સરકાર દ્વારા પ્રતિબંધ લાદવામાં આવે તે પ્રકારની માંગણી કરવામાં આવી છે. તો સાથે જ ઓનલાઇન સટ્ટાને લગતી વેબસાઈટ તેમજ એપ્લિકેશનની જાહેરાતો પ્રમોટ કરવામાં ન આવે જેથી યુવાધન ઓનલાઇન સટ્ટા તરફ આકર્ષાઈ નહિ. મૃતક વિદ્યાર્થી ક્રિષ્ણા પંડિત દ્વારા આપઘાત કરતા પૂર્વે એક સ્યુસાઈડ નોટ મોબાઇલમાં લખવામાં આવી હતી. તેમજ મોબાઇલનો પાસવર્ડ શું છે. તેમજ મોબાઈલમાં સ્યુસાઈડ નોટ લખવામાં આવી છે તે સહિતની વિગતો દિવાલ પર લખવામાં આવી હતી. 


બાળકોને જરૂરિયાતથી વધારે રૂપિયા ન આપવા
ઝી ૨૪ કલાક સાથેની વાતચીતમાં મૃતકના પિતા રમાકાંત પંડિતે જણાવ્યું હતું કે, માતા પિતાએ પોતાના બાળકોનું સવિશેષ આજના યુગમાં ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને પોતાના બાળકોને ઓનલાઈન રૂપિયા આપવાની જગ્યાએ તેમને જરૂરીયાત હોઈ તેટલા રૂપિયા જ આપવા જોઈએ. ક્રિષ્ના પંડિત ઓનલાઇન સટ્ટો રમતો હતો તે બાબતથી પરિવારજનો અજાણ હતા. તેમજ પોતે આત્મહત્યા સુધીનું પગલું ઓનલાઇન સટ્ટામાં હારી જવાના કારણે ભરવા જઈ રહ્યો છે તે બાબત અંગે પણ પરિવારજનો સાથે કોઈ વાતચીત નહોતી કરી.


મૃતકના પિતરાઈ સત્યમ ભાઇએ ઝી ૨૪ કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બનાવ બન્યો ત્યારે હું અમદાવાદ ખાતે હતો. મારો ભાઈ કોઈ ઓસ્ટ્રેલિયન વેબસાઈટમાં ઓનલાઈનના માધ્યમથી સટ્ટામાં રૂપિયા હારી ગયો હતો. ભારતમાં ઘણી ઓનલાઈન બેટિંગ એપ્લિકેશન અવેલેબલ છે. ત્યારે સરકારને અમે કહેવા માગીએ છીએ કે તેમના દ્વારા ઓનલાઈન બેટિંગ એપ્લિકેશન પર પાબંધી લાવવામાં આવે તો સાથે જ તેની જાહેર ખબર ઉપર પણ પાબંધી લાદવામાં આવે જેથી યુવા વર્ગના વ્યક્તિઓ તેની તરફ આકર્ષાઈ નહીં.


ફોનને એફએસએલમાં મોકલવામાં આવશે
સમગ્ર મામલે રાજકોટ આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ રાધિકા ભારાઈના જણાવ્યા અનુસાર બનાવ સંદર્ભે મૃતકનો મોબાઈલ ફોન પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે. કબજે કરવામાં આવેલ મોબાઈલ ફોનને પરીક્ષણ અર્થે એફએસએલમાં મોકલવામાં આવશે. 


ક્રિષ્ના પંડિત કેટલા સમયથી ઓનલાઈન સટ્ટાના રવાડે ચડ્યો હતો તે સહિતની વિગતો હાલ મેળવવામાં આવી રહી છે. કઈ એપ્લિકેશન ના માધ્યમથી તે કેટલા રૂપિયા હારી ચૂક્યો છે તે બાબતે પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે. તો સાથોસાથ આજના માતા પિતાને પણ વિનંતી છે કે તે કોઈ ડાઉટના કારણે નહીં પરંતુ પોતાના બાળકોની સેફ્ટીના કારણે સમયાંતરે તેમના ફોન ચેક કરતા રહે, જેથી તેમના બાળકો તેમના મોબાઈલ ફોનમાં શું કરી રહ્યા છે તે બાબતની જાણ તેમના માતા-પિતાને પણ યોગ્ય સમયે થાય


જુગાર ખરાબ બીમારી છે સોરી પપ્પા
આપઘાત કરતા પૂર્વે મૃતકે સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં લખ્યું છે કે, હું આપઘાત કરવા જઈ રહ્યો છું કારણ કે મેં મારા તમામ પૈસા ગુમાવી દીધા છે. સટ્ટો રમવા માટે હું મારી જાતને રોકી શક્યો નહોતો જેના કારણે હું આપઘાત કરવા જઈ રહ્યો છું. સોરી મમ્મી પાપા હું દિલ અને દિમાગથી કમજોર થઈ ગયો છું. મને નથી લાગતું કે હું હવે જીવનમાં કંઈ પણ કરી શકીશ. એટલા માટે મેં નિર્ણય લીધો છે કે હું આખી જિંદગી મળતો રહું તેના કરતાં એકવાર મરી જાવ...મને મારા મિત્રોએ પણ બેટિંગને લઈને ખૂબ સમજાવ્યો હતો તેમ છતાં હું બેટિંગ કરતો રહેજો. મને માફ કરી દેજો. મારી આત્મહત્યા પાછળ કોઈ પણ વ્યક્તિની ભૂલ નથી માત્રને માત્ર મારી જ ભૂલ છે. જુગાર ખૂબ જ ખરાબ અને ખતરનાક બીમારી છે જે આ પ્રકારે જાન પણ લઈ શકે તેમ છે. હું મારી આત્મહત્યાથી આજ મેસેજ આપવા માંગું છું કે, જુગારથી છોકરાઓને બચાવો. પ્રિયાંશ પાસે મારી આખરી ઈચ્છા એ જ છે કે તું કંઈક એવું કરે કે જેનાથી જુગાર બંધ થઈ જાય.