સંદીપ વસાવા/કામરેજ: સુરતના કામરેજના માંકણા ગામેથી ફરી એકવાર નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. અલગ અલગ કેમિકલ મિશ્રણ કરીને દારૂ બનાવવામાં આવતું હતું. પોલીસે ઘટના સ્થળેથી 5 લોકોની ધરપકડ પણ કરી છે અને 14 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. કામરેજ તાલુકાના માંકણા ગામેથી જિલ્લા એલસીબીની ટીમ નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. થોડા માસ અગાઉ પણ આજ વિસ્તારમાંથી નકલી મસાલા, નકલી ઘી બનાવતી મિલ ઝડપાઈ હતી, ત્યારે ફરી એકવાર આજ વિસ્તારમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાતા ચકચાર મચી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત જિલ્લાના દારૂ પીવાના શોખીન માટે ચેતવણીરૂપ આ ઘટના સામે આવી છે. માંકણા ગામે ઓમ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના વિભાગ-2ના એક મકાનમાં આ ફેક્ટરી ધમધમી રહી હતી. મૂળ રાજસ્થાનનો શક્તિ સિંહ મૂળ સિંહ ચુડાવત નામનો આરોપી રાજસ્થાનથી કાચના ભંગારની આડમાં અને કેમિકલની આડમાં રાજસ્થાનથી મિશ્રણ મંગાવતો હતો અને ત્યારબાદ આ ફેક્ટરીમાં માણસો રાખી આ કેમિકલ મિશ્રણ ભેગું કરી ત્યારબાદ દારૂની ખાલી બોટલોમાં ભરી પેકિંગ કરીને વેચી રહ્યો હતો.


ગુનાના આરોપીઓના નામ
1. મુખ્ય સુત્રધાર:- શક્તિસિંહ મુલસિંહ ચુંડાવત, ઉ.વ.૨૦ ધંધો-વેપાર રહે.વાવ, ચંન્દ્રદર્શન સોસાયટી, તા.કામરેજ જી.સુરત મુળ રહે.ઉમરી તા.માંડલ જી.ભીલવાડા રાજસ્થાન


2. મિતેશભાઈ મહેશભાઈ અગ્રવાલ, ઉ.વ.૨૯ ધંધો-મંડપ ડેકોરેશન રહે.વાસંદારૂઢી તા.કામરેજ જી.સુરત,


૩. હાર્દિક જસવંતભાઈ મૈસુરીયા, ઉ.વ.૨૮, ધંધો-મજુરી રહે.સેગવા, ગૌચર ફળીયુ તા.કામરેજ જી.સુરત


4. લોકેશસિંહ મુલસિંહ ચુંડાવત, ઉ.વ.૨૪ ધંધો-વેપાર રહે.વાવ, ચંન્દ્રદર્શન સોસાયટી, તા.કામરેજ જી.સુરત મુળ રહે.ઉમરી તા.માંડલ જી.ભીલવાડા રાજસ્થાન


5. નઈમ ઇમ્યાઝ મુલ્તાની, ઉ.વ.૨૩ ધંધો-રી.ડ્રા રહે.ગોપીપુરા, મોમનાવાડા, પંચોલીવાડી, સુરત શહેર


6. રાજસ્થાનથી ટ્રાન્સપોર્ટમા મોકલનાર - મહાદેવ ગુજ્જર રહે. પાટનગામ, તા. આસીંદ જી. ભીલવાડા રાજસ્થાન તેમજ સુરતના અકબર નામના ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. 


જિલ્લા એલસીબીને માહિતી મળતા જિલ્લા એલસીબીએ દરોડા પાડતા તમામ રંગે હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે ઘટના સ્થળેથી મોટી માત્રમાં તૈયાર કરેલી દારૂની બોટલો, તૈયાર બનાવેલું મિશ્રણ, ખાલી બોટલો, પેકિંગની સામગ્રી, એક ટેમ્પો, એક રીક્ષા, એક ફોર વ્હીલર કાર, તેમજ મોબાઈલ અને રોકડ રકમ મળી 14 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ઘટના સ્થળેથી વ્યક્તિઓની ધરપકડ પણ કરી છે અને 2 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે. 


વોન્ટેડ પેકીનો મહાદેવ ગુર્જર રાજસ્થાનથી દારૂનું મિશ્રણ મોકલાવતો હતો. જયારે અકબર નામનો આરોપી બોટલો ઉપર મારવાના સ્ટીકર તેમજ ઢાંકણ તેમજ પેકિંગની સામગ્રી મોકલાવતો અને તૈયાર દારૂ ભરેલી બોટલો પણ વેચતો હતો.