ગુજરાતના આ ખેડૂતે ઉગાડ્યો સોનાનો સૂરજ, 20 વીઘામાં ત્રણ પાકનું વાવેતર કરી કમાય છે લાખો રૂપિયા
નારણભાઈ ગાયના ગૌમૂત્ર અને છાણમાંથી ખાતર બનાવીને તેનો ઉપયોગ ખેતરની જમીનમાં ખાતર તરીકે કરે છે. જેના પરિણામે તેઓને તેની જમીન સુધરવા સાથે સાથે તેઓના પાક પણ ઓર્ગેનિક 100 % શુદ્ધ મળી રહ્યા છે.
દિનેશ ચંદ્રવાડીયા/ઉપલેટા: સૌરાષ્ટ્રમાં હાલ ખેડૂતો જાગૃત થઇ રહ્યા છે. જેઓ રાસાયણિક ખેતી છોડીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળીને ખૂબ સારા પાકની ગુણવત્તા અને ઉત્પાદન મેળવી રહ્યા છે. ત્યારે ઉપલેટાના ખેડૂતોએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ઉપલેટા તાલુકના ખેડૂત નારણભાઈ વસરા કે જેઓ છેલ્લા 4 વર્ષથી રાસાયણિક ખાતરથી થતી પારંપરિક ખેતી છોડીને હવે તેઓ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહયા છે અને ખુબજ સારા પરિણામો મેળવ્યા છે.
નારણભાઈ ગાયના ગૌમૂત્ર અને છાણમાંથી ખાતર બનાવીને તેનો ઉપયોગ ખેતરની જમીનમાં ખાતર તરીકે કરે છે. જેના પરિણામે તેઓને તેની જમીન સુધરવા સાથે સાથે તેઓના પાક પણ ઓર્ગેનિક 100 % શુદ્ધ મળી રહ્યા છે. હાલ આ ખેડૂતના ખેતરમાં ઓર્ગેનિક ઘઉંનો પાક લહેરાઈ રહ્યો છે. તેઓને સામાન્ય રીતે રાસાયણિક ખાતરથી પકવેલ ઘઉં કરતા તેઓને ભાવ પણ ખુબ જ વધુ મળી રહ્યા છે.
ગાય આધારિત ખેતીને લઈને ખેડૂતોની જમીન બંજર બનતી અટકે છે સાથે આ જમીનમાં જે પાક થાય છે. તે પણ ખુબ જ સારા ક્વોલિટીના થાય છે. સામન્ય રીતે ખેડૂતોએ પકવેલ પાક માટે તેઓને પોષણક્ષમ ભાવ ઉપજવા તે મુખ્ય હોય છે. ત્યારે ગાય આધારિત ખેતીમાંથી જે પાક ઉતપન્ન થાય છે તે માટે ખેડૂતે બજારમાં વેચવા જવું પડતું નથી અને તેના ખેતર ઉપરથી જ તરત જ તેઓનો પાક વેચાઈ જાય છે.
ઉપલેટાના ખેડૂત નારણભાઈ તો છેલ્લા 4 વર્ષથી ગાય આધારિત ખેતી કરે છે અને તેઓ તેના ખેતરમાં ગૌમૂત્ર, છાણ જેવા જૈવિક ખાતર નાખીને જમીનને ફળદ્રુપ બનાવી છે અને હાલ તેઓ ત્રણ જેટલા પાક લે છે. જેમાં એરંડા, જુવારનો પાક પણ સામેલ છે. તેઓ મુજબ તો તેઓએ પકવેલ ઓર્ગેનિક ઘઉંમાં ખુબજ સારું ઉત્પાદન મળેલ છે. જે રાસાયણિક ખાતર નાખતા 1 વીઘામાં 15000 હજારના ઘઉંનું ઉત્પાદન થતા તે ગાય આધારિત ખેતી કરતા 1 વિધે 25000 હજાર રૂપિયાના ઘઉં થાય છે. તે જ બતાવે છે કે ગાય આધારિત ખેતી એ ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે.
જયારે નારણભાઈએ આ વખતે ઓર્ગેનિક એરંડા અને ઓર્ગેનિક જુવારનું પણ વાવેતર કર્યું છે. ત્યારે તેમના જણાવ્યા અનુસાર હાલમાં કમોસમી વરસાદને લઈ પરંપરાગત પાક બગડી ન જાય ત્યારે વિદેશી દવાનો છંટકાવ કરવો પડે છે. જે આપણા માટે નુકસાન કારક હોય છે અને આપણે અસંખ્ય બીમારીના ભોગ બનીએ છીએ. ત્યારે ઓર્ગેનિક વાવેતરમાં દેશી ખાતર હોય આપણા હેલ્થ માટે પણ સારૂ હોય છે અને આપણે બીમારીઓમાંથી પણ બચી શકીએ છીએ.
જો દરેક ખેડૂત રાસાયણિક ખેતી છોડીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે તો આવતી પેઢી માટે ખુબજ આશીર્વાદ સમાન છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી જમીન સુધરશે, બંજર બનતી અટકશે અને બિન ઝેરી અનાજ ખાવા મળતા લોકોનું હિત પણ થશે.