ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનું આજથી પ્રારંભ થયું છે. ત્રણ દિવસ ચાલનારા સત્રમાં આજે પ્રથમ દિવસે ગૃહમાં ગુજરાત માનવ બલિદાન અને કાળાજાદૂ અટકાવવાનું બિલ રજૂ કરાયું હતું અને તે બિલ સર્વાનુમતે પસાર કરાયું છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ બિલ વિધાનસભા ગૃહમાં રજૂ કર્યુ છે. કાળા જાદુ અંગેના બિલની ચર્ચા દરમિયાન વિધાનસભા ગૃહમાં રમુજી ટીખળથી હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. કોંગ્રેસ નેતા શૈલેષ પરમારે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, સી જે ચાવડા અને અર્જુન મોઢવાડીયા પર કાળો જાદુ કરવામાં આવ્યો છે. જેથી તે કોંગ્રેસ છોડીને ભાજપમાં જતા રહ્યા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શૈલેષ પરમારે કરેલ ટિપ્પણના જવાબમાં કોંગેસ છોડીમાં ભાજપમાં જોડાયેલા દિગ્ગજ નેતા સી.જે.ચાવડાએ વિધાનસભા ગૃહમાં કહ્યું કે, કોંગ્રેસ છોડીને ભાજપમાં આવતા હું કાળા જાદુમાંથી છૂટ્યો છું. ત્યારબાદ વિધાનસભા ગૃહમાં રમુજી ટીખળથી હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.


'જો આ બિલ હોત તો આશારામ જયપુર ની જગ્યાએ સાબરમતી જેલમાં હોત'
શૈલેષ પરમારે વધુમાં કહ્યું હતું કે, આશારામ આશ્રમની પાછળ બે બાળકોની બલી ચઢાવાઈ હતી. એ વખતે જો આ બિલ હોત તો આશારામ જયપુરની જગ્યાએ સાબરમતી જેલમાં હોત. લોકોની આસ્થાનો વિષય હોય છે. ભુવાઓ માતાજીના હોય છે, તેમના રમેલમાં લોકો જાય છે. અહિંયાથી પણ લોકો જાય છે. ભૂત ડાકણ વળગે તો શું થાય, દવા થોડી હોય. પોલીસ કોઈને પકડી જાય પછી આવા ડાકણ કે ભૂત ભગાડવા વાળા લોકો ઓછા થશે.


કાળાજાદૂ બિલ અંગે કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારનું ગૃહમાં નિવેદન આપ્યું હતું. શૈલેષ પરમારે જણાવ્યું હતું કે આ પ્રકારનું પ્રાઇવેટ બિલ ૨૦૦૮માં કોંગ્રેસના સભ્ય કુંવરજી બાવળિયા લાવ્યા હતા. પ્રાઇવેટ બિલ પર ત્યારના કોંગ્રેસના સભ્ય અર્જુન મોઢવાડિયાએ ચર્ચા કરી હતી. જે તે સમયના મંત્રીઓએ આ પ્રાઇવેટ બિલને પાસ કરવા નહોતુ દીધું. ત્યારે આ બિલ પર ચર્ચા કરનાર બે સભ્યો આજે ભાજપમાં છે. 


કાળા જાદુ બિલ પર ચર્ચા કરનાર બે સભ્યો કોઇ કાળા જાદુથી આજે ભાજપમાં છે. કોંગ્રેસ જે પ્રાઇવેટ બિલ 2008માં લાવ્યું હતું, તેની આ કૉપી છે. ગુજરાતમાં મેલી વિદ્યાના લીધે માનવ બલિદાનના 2021માં માત્ર પાંચ બનાવ બન્યા હતા. ભારતના 6 રાજ્યોમાં મેલી વિદ્યા અંગેના કાયદાઓ લાગુ છે. બિલ આવવાથી ગુજરાતની પ્રજાને કોઇ ફાયદો થવાનો નથી. બિલમાં જે જોગવાઈઓ છે તે હાલના કાયદાઓમાં સામેલ છે. કોંગ્રેસ આ બિલને ટેકો આપે છે. 


રાજ્યમાં અંધશ્રધ્ધાના નામે હેરાન થતા નાગરિકોને સુરક્ષિત કરવાના મક્કમ નિર્ધાર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક હાથે કામગીરી કરવા તથા આવી પ્રવૃત્તિઓને નાથવા માટે કાયદો લાવ્યા છે. માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ તેમજ અઘોરી પ્રથા, કાળા જાદુ અટકાવવા આ નવો કાયદો લાવવામાં આવ્યો છે. આ વિધેયક ધર્મ અને અધર્મ વચ્ચેનો મહત્વનો ભેદ સ્પષ્ટ કરશે, લોકોની શ્રદ્ધા અને આસ્થા જેમાં જોડાયેલી છે તેવી ધાર્મિક તમામ પ્રવૃત્તિઓ સન્માનીય છે.


આ વિધેયક વિધાનસભામાં રજૂ કરતા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાતમાં કેટલાય પરિવારોએ પોતાના પરિવારના સદસ્યો અને પોતાના બાળકો અને ખાસ કરીને બહેન દીકરીઓ આ કાલાજાદુ અને બીજી અમાનુષી પ્રવૃત્તિઓ દ્વારા ગુમાવ્યા છે. આ કાયદાથી કાલાજાદુ કરતા ઢોંગીઓ વિરૂદ્ધ કાર્યવાહી થશે અને આવી પ્રવૃત્તિઓ થકી ગુજરાતની ભોળી જનતાની સુરક્ષા માટે નક્કર કદમ સાબિત થશે.


સાત વર્ષ સુધીની કેદની સજા અને પચાસ હજાર સુધીના દંડની જોગવાઈ
આ કાયદાની જોગવાઇના ભંગ બદલ સજાની જોગવાઇ કલમ-૩ માં કરી છે તેની વિગતો આપતા મંત્રીએ કહ્યુ કે, આ કાયદાની જોગવાઇના ભંગ બદલ છ માસથી લઇને સાત વર્ષ સુધીની કેદની સજા અને પાંચ હજારથી લઇને પચાસ હજાર સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. તે ઉપરાંત ગુનામાં મદદ કરનાર અથવા આ પ્રકારનો ગુનો કરવાનો પ્રયત્ન કરનારને આ કાયદા હેઠળ ગુનો આચર્યો હોવાનું માની લેવામાં આવશે અને તે મુજબ જ સજા કરવામાં આવશે. આ જ કલમ હેઠળ આ ગુનાને પોલીસ અધિકારનો અને બિન જામીનપાત્ર રહેશે તેવી જોગવાઇ કરી છે. એટલે કે પોલીસને આ ગુના હેઠળ આરોપીને અટક કરવા માટેની સીધી સત્તા આપવામાં આવી છે.