ઝી બ્યુરો/સુરત: છેલ્લા કેટલાય સમયથી આત્મહત્યાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તણાવગ્રસ્ત વ્યક્તિઓના આવા પગલાને કારણે અનેક પરિવારોએ આધાર પણ ગુમાવ્યો છે. આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચાર યુવાઓના ગ્રુપ દ્વારા વ્યક્તિઓને ડિપ્રેશનનો શિકાર થતા બચાવવા માટે વર્ચ્યુઅલ ફ્રેન્ડ બનાવવાની એક એપ્લિકેશન તૈયાર કરી છે. જેમાં પોતાને જરૂર હોય એવા અવતારમાં વર્ચ્યુઅલ મિત્ર બનાવી મનની વાતો કરી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

SVNIT દ્વારા આયોજિત સ્ટાર્ટઅપ એક્સ્પોમાં વડોદરા એમએસ યુનિવર્સિટીના છાત્રોએ તેમનું આ ઈનોવેશન પ્રદર્શિત કર્યુ છે. સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી દ્વારા હાલ શરૂ સ્ટાર્ટઅપ પ્રોગ્રામમાં સમગ્ર ગુજરાત ઘરમાંથી સ્ટાર્ટઅપ કરનારા યુવાઓએ ભાગ લીધો છે, જેમાં અવનવા ઇનોવેશન સામે આવી રહ્યા છે. 



પરિવર્તનના આજના યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજી માનવ બુદ્ધિને પૂરક બનવા અને સામાજિક-આર્થિક સમસ્યાઓ સામે લડવા માટે પુષ્કળ તકો પ્રદાન કરી રહી છે ત્યારે વડોદરા એમ. એસ. યુનિવર્સિટીના 4 વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓના ગ્રુપ દ્વારા એક એવી એપ્લિકેશન બનાવાઈ છે જેમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી વર્ચ્યુઅલ મિત્ર બનાવી શકાય છે. 


ઉત્તમ પ્રસાદ, હકીમુદ્દીન વોહરા, હુઝેફા વોહરા અને કુણાલ જોષી દ્વારા ડિપ્રેશનને કારણે જે લોકો આત્મહત્યા કરે છે તેમનો તણાવ દૂર કરવા માટે આ ખાસ એપ્લિકેશન બનાવવામાં આવી છે. જેમાં જે તે વ્યક્તિ પોતાની ઈચ્છા અનુસાર અલગ અલગ અવતાર સેટ કરીને વેચ્યુઅલ મિત્ર બનાવે છે અને તેની સાથે પોતાના મનની એવી વાતો શેર કરે છે જે તે કોઈ અન્યને પણ કહી શકે એમ નથી. 



એપ્લિકેશન દ્વારા ચેટ અનુસાર પેરામીટર પણ આપવામાં આવે છે જેના થકી જે તે વ્યક્તિની મેન્ટલ હેલ્થ વિશે જાણકારી મળે છે. જેથી ડિપ્રેશનની પરિસ્થિતિમાં વર્ચ્યુઅલ મિત્ર જાણી શકે છે કે તેનો મિત્ર તણાવમાં છે અને તે મદદ કરે છે. આ માટે ૧૦ જેટલા મનોવૈજ્ઞાનિક પણ જોડાયા છે.