મહેશગિરિનો ધડાકો; શું મહંત હરિગિરિએ ભાજપને 5 કરોડ આપ્યા? લેટરમાં અન્ય 11 લોકોના નામ!
જૂનાગઢના અંબાજી મંદિરમાં ગાદી વિવાદ વચ્ચે એક લેટર બોમ્બ ફૂટ્યો છે. મહેશગિરી બાપુએ લેટર બતાવીને અનેક મોટા આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું, હરિગીરી બાપુએ સંતો સહિતના લોકો સાથે રૂપિયાના વ્યવહાર કર્યા છે. હરિગીરી બાપુ જલ્દી મંદિર છોડે.
ઝી બ્યુરો/જૂનાગઢ: ગરવા ગિરનાર પર્વત પર આવેલ અંબાજી મંદિરના મહંત બ્રહ્મલિન થયા બાદ પછી અંબાજી મંદિરની ગાદીને લઇને થયેલો વિવાદ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. તનસુખગિરી બાપુની "ધૂળ લોટ" વિધી હતી. આ દરમિયાન બ્રહ્મલિન તનસુખગિરી બાપુના પરિજનોની માંગ હતી કે અમારા પરિજનોમાંથી અંબાજી મંદિરની ગાદી સોંપાય. ભવનાથના મહંત સહિતનાઓએ પ્રેમગીરીની મહંત તરીકે જાહેરાત કરતા વિવાદ સર્જાયો છે, આ મુદ્દે બ્રહ્મલીન તનસુખગીરીના સમર્થકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો.
જૂના અખાડાનો એક લેટર બોંબ ફોડ્યો
ભૂતનાથ મંદિરના મહંત મહેશગિરિએ ગુરુવારે જૂના અખાડાનો એક લેટર બોંબ ફોડ્યો હતો. આ લેટર બોંબમાં વર્ષો પહેલાં અખાડા પરિષદના સેક્રેટરી હરિગિરિએ કેવી રીતે ભવનાથ મંદિર હડપ કર્યું એની વિગતોનો ઘટસ્ફોટ કર્યો છે. આ લેટરમાં ધડાકો કર્યો છે કે, ભવનાથ મંદિરના મહંત હરિગિરીએ ભાજપને 5 કરોડ અને અન્ય 11 લોકોને રૂપિયા આપ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવતા એક અલગ જ દિશામાં આ મામલો જતો દેખાઈ રહ્યો છે.
અખાડામાંથી પૈસાની હેરા ફેરી થઇ છે: મહેશગિરિ બાપુ
મહેશગિરિ બાપુ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, બ્રહ્મલિન તનસુખગિરી બાપુની સમાધિ આપવાના સમયે હરીગીરી બાપુએ જબરદસ્તીથી મારા પર આરોપ લગાવ્યા હતા. મન કહેવામાં આવ્યું હતું કે હરીગીરી બાપુને ભવનાથ મંદિરમાંથી બહાર ન કાઢીશ ત્યાં સુઘી બ્રહ્મલિન તનસુખ ગિરી બાપુને શ્રદ્ધાંજલિ નહી આપું. મહેશગિરી બાપુ એ વધુમાં જણાવ્યું છે કે સમગ્ર અખાડા હારે મારે કોઈ આપત્તી નથી, મારી આપત્તિ એક વ્યક્તિ હારે છે. તેમણે આરોપ લગાવતા જણાવ્યું હતું કે અખાડામાંથી પૈસાની હેરા ફેરી થઇ છે. હરીગીરી બાપુ જલ્દી ભવનાથ મંદિર છોડે. એટલું જ નહીં, ચાદર વિધી પણ અયોગ્ય રીતે કરાઈ છે. મારી પાસે પત્ર છે, જેમાં ભવનાથ મંદિર હરીગીરી બાપુનું થાય તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પત્રમાં હરીગીરી બાપુએ સાધુ સંતો હારે પૈસાની લેતી દેતી કર્યાનો ઉલ્લેખ પણ કરાયો છે.
આ પત્ર શું સાબિત કરી છે?
મહેશગિરિએ લેટરમાં ધડાકો કર્યો છે કે, હરિગિરિએ ભવનાથ મંદિરના મહંત તરીકે કાયમી ધોરણે નિમણૂંક થાય એ માટે ભાજપ સહિતના અનેક લોકોને રૂપિયા ખવડાવ્યા છે. આ પત્રની સામે હરિગિરિને મહેશગિરિએ જાહેરમાં એવો સવાલ કર્યો હતો કે આ પત્ર શું સાબિત કરી છે? આ પત્ર ભવનાથ મંદિરના મહંત બનવા માટે રૂપિયા આપ્યાની સાબિતી ઊભી કરે છે, એનો જવાબ આપો. આ પત્ર જૂના અખાડાના લેટર પેડ પર લખાયો છે, જેમાં નીચે અખિલ ભારતીય અખાડા પરિષદના સેક્રેટરી તરીકે હરિગિરિની સહી અને અખાડાનો સિક્કો પણ છે. આ તમામ લોકોએ પોતાને ભવનાથ મંદિરના મહંત બનવા માટે કાયમી હુકમ થાય એ માટે સહયોગ આપ્યાનો પણ પત્રમાં ઉલ્લેખ છે.
અંબાજી મંદિરના મહંત તરીકેની ચાદર વિધી પણ કરી દેવાઈ
ઉલ્લેખનીય છે કે, બ્રહ્મલિન તનસુખગિરી બાપુના પરિજનોની માંગને દરકીનાર કરી અખાડા દ્વારા પ્રેમગીરી મહંતની અંબાજી મંદિરના મહંત તરીકેની ચાદર વિધી કરી દેવાઈ હતી. આ "ધૂળ લોટ" વિધી દરમિયાન અન્ય સાધુ સંતો પણ હાજર રહ્યાં હતા. અખાડાના આ નિર્ણયથી પરિજનોનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.. તનસુખ ગિરી બાપુના પરિજનો દ્વારા આ બાબતે યોગ્ય ન્યાયની માંગ કરાઈ હતી.
યોગ્ય ન્યાય નહી મળે તો સમગ્ર પરિવારે આપઘાત કરવાની ચીમકી
અંબાજીના મહંત બ્રહ્મલિન તનસુખગિરી બાપુની ધૂળ લોટ વિધી હતી. જ્યાં ભીડભંજન ખાતે સમગ્ર વિધિ અને ત્યાં જ થઈ જાહેરાત થતા વિવાદ જાગ્યો છે, બ્રહ્મલિન તનસુખગિરી બાપુના પરિજનોની માંગ છે કે અમારી પરંપરામાંથી અંબાજી મંદિરની ગાદી આપવા દુષ્યંતગીરીએ માંગ કરી છે. અન્ય મહંતની ચાદર વિધિ કે જાહેરાત નહી સ્વીકારાય. તનસુખગીરીની પરંપરાને યોગ્ય ન્યાય નહી મળે તો સમગ્ર પરિવારે આપઘાત કરવાની ચીમકી આપી હતી. જો કે હજુ આ મામલે મોટો વિવાદ સર્જાય તેવી શક્યતાઓ રહેલી હતી.
છેલ્લો નિર્ણય કલેક્ટરનો રહેશે તેવું ઇન્દ્ર ભારતી બાપુએ જણાવ્યું
બીજી તરફ વિરોધની વચ્ચે કરાયેલ ચાદર વિધી બાદ સાધુ સંતો દ્વારા પ્રતિક્રિયા અપાઈ હતી. અખાડાની પરંપરા મુજબ પ્રેમગીરી ચાદર વિધી કરાઇ હોવાનું હરીગીરી બાપુ દ્વારા જણાવવામાં આવ્યું હતું. હાલ ભલે પ્રેમગીરી બાપુની ચાદર વિધી કરાઈ છતા આ મામલે અંબાજી મંદિરના મહંતને લઈને છેલ્લો નિર્ણય કલેક્ટરનો રહેશે તેવું ઇન્દ્ર ભારતી બાપુએ જણાવ્યું હતું.
અંબાજી મંદિરના નવા મહંતના નામને લઈને શરુ થયેલ વિખવાદ ચર્ચાનો વિષય બનેલ છે. ગઈ કાલે આ બાબતે ભૂતનાથ મંદિરના મહંત મહેશ ગિરી બાપુએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તનસુખ ગિરી બાપુ પાસેથી સહી સિક્કા કર્યાના આક્ષેપ પણ લગાવ્યા હતા. ત્યારે હવે આગામી દિવસોમાં અંબાજી મંદિરના નવા મહંત કોણ બનશે એ હવે જોવું રહ્યું.