વિધર્મી યુવક સાથે પ્રેમ સંબંધ પરિણીતાને પડ્યો ભારે, પ્રેમીએ પ્રેમિકાના સાસુની કરી હત્યા
વડોદરાના વડસર બ્રિજ પાસે જય અંબે ફ્લેટમાં 401 નંબરમાં ઠાકોરભાઇ પરમાર તેમના પત્ની દક્ષાબહેન પરમાર, પુત્ર અશ્વિન પરમાર અને પુત્રવધૂ ભાવના રહે છે. બે માસ પહેલાં અશ્વિનના લગ્ન નવાયાર્ડ આશાપુરી મહોલ્લામાં રહેતી ભાવના સાથે થયા હતા
રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરામાં વિધર્મી યુવક સાથે પ્રેમસંબંધ રાખવાનું પરણિત યુવતીને ભારે પડ્યું. વિધર્મી યુવકે પ્રેમિકાના ઘરે પહોંચી તેની સાસુની હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે. જે મામલામાં આજે પોલીસે આરોપીઓને સાથે રાખી સ્થળ પર ઘટનાનું રી-ક્ન્સટ્રકશન કર્યું હતું.
વડોદરાના વડસર બ્રિજ પાસે જય અંબે ફ્લેટમાં 401 નંબરમાં ઠાકોરભાઇ પરમાર તેમના પત્ની દક્ષાબહેન પરમાર, પુત્ર અશ્વિન પરમાર અને પુત્રવધૂ ભાવના રહે છે. બે માસ પહેલાં અશ્વિનના લગ્ન નવાયાર્ડ આશાપુરી મહોલ્લામાં રહેતી ભાવના સાથે થયા હતા. અશ્વિન અને ભાવનાના બીજા લગ્ન હતા. શનિવારે બપોરના સમયે ઠાકોરભાઇ પરમાર અને તેમનો પુત્ર અશ્વિન નોકરી ઉપર હતા. ઘરે ભાવના અને તેની સાસુ દક્ષાબહેન હતા.
બપોરના સમયે ભાવનાના ઘરે તેનો પૂર્વ પ્રેમિ સોનું ઉર્ફ શાહરૂખ પઠાણ અને તેનો મિત્ર હસીન પઠાણ ધસી આવ્યા અને દરવાજો ખખડાવ્યો હતો. દરવાજો ખખડાવતા જ દક્ષાબહેન પરમારે દરવાજો ખોલ્યો હતો. દક્ષાબહેને દરવાજો ખોલતા જ સોનુ ઉર્ફ શાહરૂખ પઠાણે દક્ષાબહેન કંઇ વિચારે તે પહેલાં તેમના ગળા ઉપર ચાકૂથી હુમલો કરી દીધો હતો. દક્ષાબહેન સ્થળ પરજ ફસડાઇ પડ્યા હતા અને લોહીના ભરાયેલા ખાબોચીયામાં દમ તોડી દીધો હતો.
આ પણ વાંચો:- રીક્ષાવાળાએ પૂછ્યું 'મારા ઘરે જમવા આવશો?' તો કેજરીવાલે આપ્યો દિલ જીતી લે તેવો જવાબ
દક્ષાબહેને મોતને ભેટતા સોનુ ઉર્ફ શાહરૂખ અને તેનો મિત્ર હસીન ફરાર થઇ ગયા હતા. દરમિયાન આ બનાવની જાણ માંજલપુર પોલીસને કરાતા ઝોન-3ના ડી.સી.પી. યશપાલ જગાણીયા તેમજ માંજલપુર પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને હત્યા અંગે કોઇ જાણ ન હોવાનો ડોળ કરનાર ભાવના પરમાર પાસેથી પ્રાથમિક વિગતો મેળવી તપાસનો દોર શરૂ કર્યો હતો. બીજી બાજુ એક ટીમને હત્યારા સોનુ ઉર્ફે શાહરૂખ પઠાણને ઝડપી પાડવા ટીમ રવાના કરી દીધી હતી.
પોલીસે ગણતરીની મિનીટોમાં હત્યારાની જી.આઇ.ડી.સી. પાસેથી ધરપકડ કરી લીધી હતી. દરમિયાન તેના મિત્ર હસીન પઠાણની પણ પોલીસે મોડી રાત સુધીમાં ધરપકડ કરી લીધી હતી. હત્યા મામલામાં બંને આરોપીને સાથે રાખી માંજલપુર પોલીસ આજે ઘટના સ્થળે પહોંચી હતી. અને હત્યારા શાહરૂખ પઠાણે કેવી રીતે હત્યા કરી અને તેના સાગરીતે શું મદદ કરી હતી તે અંગેના પુરાવા ભેગા કરવા માટે સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. રીકન્સ્ટ્રક્શન સમયે એફ ડીવિઝનના એ.સી.પી. ડી.કે. રાઠોડ પણ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો:- સુરતની ગ્લોબલ ટેક્સ્ટાઇલ માર્કેટમાં ઉઠામણું કરનાર વધુ એક આરોપીની કરાઈ ધરપકડ
પોલીસ હત્યારાઓને લઇ સ્થળ પર પહોંચતા સ્થાનિક લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. તે સાથે જે ફ્લેટમાં ઘટના બની હતી. તે ફ્લેટમાં સન્નાટો છવાઇ ગયો હતો. બંને આરોપીઓને હાથકડી અને બુરખા પહેરાવીને ઘટના સ્થળે લાવવામાં આવ્યા હતા. બંનેની ઘટનાવાળા મકાનમાં બંધ બારણે પોલીસે વિગતો મેળવી હતી. પોલીસે આરોપી શાહરૂખ પઠાણ પાસેથી ચપ્પુ કબ્જે કર્યું, સાથે જ પ્રેમિકા પુત્રવધૂ ભાવનાબેન અને આરોપીઓના ફોન પણ જપ્ત કર્યા. પોલીસ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડની માંગણી કરશે.
ઉલ્લેખનીય છે કે મૃતક દક્ષાબેને થોડાક દિવસ અગાઉ આરોપી શાહરૂખ પઠાણ વિરૂદ્ધ માંજલપુર પોલીસ સ્ટેશનમાં પુત્રવધૂની હેરાનગતિ કરવા મામલે ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે આરોપી શાહરૂખની ધરપકડ પણ કરી હતી, જેની રંજિસ રાખી આરોપીએ દક્ષાબેનની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ત્યારે જો પોલીસે આરોપી પ્રેમી શાહરૂખ સામે અગાઉ કડક કાર્યવાહી કરી હોત તો આજે દક્ષાબેન જીવતા હોત. પોલીસે હત્યામાં મૃતક દક્ષાબેનના પુત્રવધૂ ભાવના પણ સામેલ છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube