મોરબીમાં ઝુલતો પુલ તૂટતા મોટી દુર્ઘટના, 91 લોકોના મોત, 100થી વધુ ઘાયલ, હજું વધી શકે છે મૃત્યુઆંક
આજે મોરબીમાં ઝુલતો પુલ તૂટતા મોટી દુર્ઘટના બની છે. જેના કારણે અનેક લોકો પુલ પરથી મચ્છુ નદીમાં પટકાયા હોવાની માહિતી મળી રહી છે.
હિમાંશુ ભટ્ટ, મોરબીઃ આજે મોરબીમાં ઝુલતો પુલ તૂટતા મોટી દુર્ઘટના બની છે. જેના કારણે 500થી વધુ લોકો પુલ પરથી મચ્છુ નદીમાં પટકાયા છે. આ દુર્ઘટનામાં 91 લોકોના મોત થયા છે, જ્યારે 100 લોકો ઘાયલ થયા છે. હજુ મૃત્યુંઆંક વધી શકે છે. આ ઘટનામાં પુલ પરથી નદીમાં પટકાયેલા લોકોનું રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે. કચ્છથી અને રાજકોટથી તરવૈયા અને રાજકોટથી 7 ફાયર બ્રિગેડની અને 1 SDRFની ટીમો રવાના થઇ છે. જ્યારે ગાંધીનગરથી બે NDRFની ટીમ રવાના કરાઇ છે. કંન્ટ્રોલરૂમ અને હેલ્પ લાઇન નંબર 02822 243300 જાહેર કરવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે સમારકામના 5 દિવસ બાદ જ મોરબીનો ઝુલતો પુલ તૂટી પડ્યો છે. નવા વર્ષે જ લોકો માટે ઝુલતો પુલ ખુલ્લો મૂકાયો હતો. ઓરેવા ગ્રુપના MDએ ઝૂલતા પુલને ખુલ્લો મુકાયો હતો. આ બ્રિજને રૂપિયા 2 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે. તેમજ 6 મહિના માટે ઝૂલતો પુલ બંધ રહ્યો હતો. ચાર દિવસમાં જ 12000 લોકોએ આ બ્રિજની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોરબીમાં થયેલી પુલ દુર્ઘટના સંદર્ભે મોરબી જવા અમદાવાદ એરપોર્ટથી રવાના થયા છે.
મોરબી દુર્ઘટનાના પગલે ભાજપનું 1 નવેમ્બરનું સ્નેહમિલન મોકૂફ કરવામાં આવ્યું છે. પીએમ મોદી મહાત્મા મંદિરથી સંબોધન કરવાના હતા. તમામ 182 વિધાનસભા બેઠકો પર સંમેલન થવાનું હતું.આવતીકાલે પ્રધાનમંત્રી મોદી મોરબીની મુલાકાત લે તેવી શક્યતા છે. અત્યારે પીએમ મોદી ગુજરાતમાં જ છે. મોરબી નજીકના તમામ મંત્રીને મોરબી પહોંચવા આદેશ કરાયો છે. કેવડિયામાં આજે પીએમ મોદી રાત્રિ રોકાણ કરવાના છે. કાલે પીએમ મોરબી જઈ મૃતકોના પરિવારને મળી શકે છે.
CM ભૂપેન્દ્ર પટેલ મોરબી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા, જુઓ વીડિયો
@Bhupendrapbjp તથા અન્ય અધિકારીઓ સાથે વાત કરી. રાહત અને બચાવ કામગીરી પુરઝડપે ચાલી રહી છે તથા અસરગ્રસ્તોને તમામ આવશ્યક સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
કોંગ્રેસમાં રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયામાં મોરબી પુલ દુર્ઘટના મામલે એક પોસ્ટ કરી હતી.
October 30, 2022
સીઆર પાટિલે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, મચ્છુ નદી પર ઝૂલતો પુલ તૂટી જવાની હોનારત અત્યંત દુખદ છે, ઇજાગ્રસ્તોને સત્વરે સારવાર મળે એ માટે તંત્ર દ્વારા પૂરજોશમાં રાહત કામગીરી ચાલી રહી છે, ઇજાગ્રસ્તો ખૂબ ઝડપથી સાજા થાય એ માટે પ્રાર્થના કરું છું.
જગદીશ ઠાકોરે પણ ટ્વીટ કર્યુંઃ
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ ટ્વીટ કરીને મોરબી બ્રીજ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું કે, મોરબીમાં ખુલ્લા મુકાયેલા ઝૂલતા પુલના તૂટી પડવાના સમાચાર સાંભળી આઘાત લાગ્યો. 400થી વધુ લોકો ઘટનાનો ભોગ બન્યા મોરબી અને આજુબાજુના વિસ્તારના સૌ કોંગ્રેસના કાર્યકર અને આગેવાનોને નમ્ર વિનંતી કે તેઓ જલ્દીથી રાહત કાર્યમાં જોડાય લોકોની મદદ કરે. ઘટનામાં મૃતકોના પરિવારો માટે મારી સંવેદનાઓ.
રાજવી પરિવારે બનાવ્યો હતો આ પુલ
મોરબીના રાજવી પરિવાર દ્વારા ઝુલતો પુલ મચ્છુ નદી ઉપર બનાવવામાં આવ્યો હતો. જે સરકાર અને પાલિકા પાસેથી નિભાવ ખર્ચ સહિતની જવાબદારી સાથે ઓરેવા ટ્રસ્ટને આપવામાં આવેલ છે અને આ પુલ જર્જરીત હતો. માટે ઝૂલતો પુલ સાત મહિનાથી રિપેરીંગ માટે બંધ હતો. જો કે, બે કરોડના ખર્ચે પુલનું રીનોવેશન કાર્ય પૂર્ણ થતાં નુતનવર્ષ એટલે કે બેસતાવર્ષના દિવસે તેને લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે તેવી જાહેરાત ઓરેવા કંપનીના એમડી જયસુખભાઈ પટેલે કરી હતી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઝુલતા પુલનું ઐતિહાસિક મહત્વ જળવાઈ રહે તે માટે થઈને જિંદાલ કંપની સાથે વાટાઘાટ કરીને તેને અનુરૂપ મટીરીયલ મંગાવીને નિષ્ણાંત પાસે આ પુલનું રીપેરીંગ કામ કરવામાં આવ્યું છે. આગામી 15 વર્ષ સુધી મેન્ટેનન્સ અને રિપેરીંગની સાથે સમગ્ર જવાબદારી ઓરેવા ટ્રસ્ટને સોંપવામાં આવી હતી. વધુમાં તેમણે એવું પણ જણાવ્યું હતું કે ઝુલતો પુલ આગામી સમયમાં રાત્રિના સમયે પણ ખુલ્લો રહે તે પ્રકારની વ્યવસ્થા કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે.
અત્રે ઉલેખનીય છે કે, મોરબીની મચ્છુ નદી પર રજવાડાના સમયમાં પ્રજાવાત્સ્લ્ય રાજા સર વાઘજી ઠાકોર દ્વારા લાકડા અને વાયરના આધારે 233 મીટર લાંબો અને 4.6 ફૂટ પહોળો ઝૂલતો પુલ બનાવવામાં આવ્યો હતો. જેનો ઉપયોગ પહેલાના સમયમાં રાજા માત્ર રાજ મહેલથી રાજ દરબાર સુધી જવા માટે જ કરતા હતા.
પરંતુ સમય જતા આ પુલની જવાબદારી મોરબી નગરપાલિકાને સોપવામાં આવી હતી. બાદમાં છેલ્લા ઘણા વર્ષથી આ પુલની જવાબદારી ઓરેવા ટ્રસ્ટને સોપવામાં આવી છે અને હાલમાં રજાના દિવસો હોવાથી લોકોને મોરબીમાં ફરવા જેવુ કોઈ સ્થળ ન હોવાથી આ પુલ હરવા ફરવા માટેનું ઉત્તમ સ્થળ બની રહેશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.
હાલમાં જે ટ્રસ્ટને ઝુલતા પુલની જવાબદારી પાલિકા અને સરકાર દ્વારા આપવામાં આવી છે તેના દ્વારા પુલને સારી રીતે રીપેર કરી આપવામાં આવેલ છે જો કે, મોરબીના નગરજનો સહિતના સહેલાણીઓ આ પુલને પોતાની પ્રોપર્ટી સમજીને વાપરશે તો તેનો લાંબા સમય સુધી મોરબીના લોકો તેમજ સહેલાણીઓને લાભ મળશે તે હક્કિત છે નહિ તો આગું જે રીતે આ પુલ ઉપર ઠેરઠેર પતરાની પ્લેટો તૂટી ગયેલ હતી તેવી જ પરિસ્થિતી પછી ઊભી થશે તે નિશ્ચિત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube